વિજય હજારે ટ્રોફીમાં યુવા ખેલાડીઓ રનોનું વાવાઝોડુ લાવી રહેલા જોવા મળે છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં છે આયુષ મ્હાત્રે જેણે યશસ્વી જયસ્વાલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. મ્હાત્રે લિસ્ટ A ક્રિકેટમાં 150 રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. મુંબઈના આયુષ મ્હાત્રેએ મંગળવારે અહીં નાગાલેન્ડ સામેની મેચમાં લિસ્ટ A ક્રિકેટમાં 150થી વધુ રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બનવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તોડ્યો યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ
આયુષે યશસ્વી જયસ્વાલના રેકોર્ડ તોડી દીધો છે. જયસ્વાલ 17 વર્ષ અને 291 દિવસની ઉંમરે 150થી વધુ રન બનાવવાનો રેકોર્ડ 2019માં ઝારખંડ સામે કર્યો હતો જેને મ્હાત્રેએ માત્ર 17 વર્ષ અને 168 દિવસની ઉંમરે તોડ્યો છે. આયુષે આ સિઝનની શરૂઆતમાં મુંબઈ તરફથી ડેબ્યૂ કર્યું હતું.
ચોગ્ગા અને છગ્ગાનું વાવાઝોડુ
આયુષ મ્હાત્રે બોલરોને આશ્ચર્યચકિત કરી દીધા હત. તેણે માત્ર 117 બોલમાં 11 સિક્સર અને 15 ચોગ્ગાની મદદથી 181 રન બનાવ્યા હતા. આ ઇનિંગના સહારે મુંબઈએ 50 ઓવરમાં સાત વિકેટે 403 રનનો પહાડ ખડકી દીધો હતો. મ્હાત્રેએ ત્રણેય ફોર્મેટમાં પોતાની તોફાની બેટિંગથી ધૂમ મચાવી છે. તે ઈરાની કપ વિજેતા મુંબઈની ટીમનો હિસ્સો હતો.
રણજી ટ્રોફીમાં પણ મચાવ્યું તોફાન
રણજી ટ્રોફીમાં પોતાના ડેબ્યૂ પર મ્હાત્રેએ 71 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પદાર્પણને યાદગાર બનાવ્યા બાદ તેણે મહારાષ્ટ્ર સામે 232 બોલમાં 22 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 176 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આર્મી સામેની મેચમાં તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની બીજી સદી ફટકારી હતી. અંડર-19 એશિયા કપ દરમિયાન પણ મ્હાત્રે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
