– રશિયા તરફથી મળી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની પ્રથમ ડિલીવરી
– મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના પાર્ટસ હવાઈ, દરિયાઈ માર્ગે પહોંચ્યા
– પંજાબ સેક્ટરમાં તહેનાત કરાઈ હોવાની માહિતી
રશિયાએ મોકલી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની પ્રથમ ડિલીવરી
જે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના સોદા માટે ભારત અમેરિકાના દબાણ કે પ્રતિબંધની શક્યતાને વશ થયું નહોતું એ રશિયાની બહુ ચર્ચિત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S-400 ની પ્રથમ ખેપ રશિયાએ ભારતને પહોંચાડી દીધી હોવાની માહિતી મળી રહી છે. આધારભૂત ગણી શકાય એવા સૂત્રો અનુસાર રશિયાની આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પંજાબ સેક્ટરમાં તહેનાત કરાઈ છે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાનો સામનો કરવા માટે, દુશ્મનોના ફાઈટર વિમાનો, ડ્રોન, મિસાઈલ્સ અને ત્યાં સુધી કે સંતાયેલા વિમાનોને મારવા માટે પણ સક્ષમ છે. ચીન અને પાકિસ્તાનની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપી શકાશે.
હવાઈ અને દરિયાઈ માર્ગે પાર્ટસ ભારત પહોંચ્યા
જાણવા મળ્યા મુજબ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના પાર્ટસ હવાઈ અને સમુદ્રી માર્ગ દ્વારા ભારત પહોંચાડવામાં આવ્યા છે અને તેને શક્ય તેટલી ત્વરાથી નિશ્ચિત જગ્યાઓએ તૈનાત કરવામાં આવશે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની પહેલી સ્ક્વોડ્રન આ વર્ષના અંત સુધીમાં ભારતને મળી જશે. ત્યાર બાદ ઈસ્ટર્ન ફ્રન્ટ પર ફોકસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે ઓક્ટોબર 2019માં રશિયા સાથે સમજૂતી કરી હતી જેના અંતર્ગત 5.43 અબજ ડોલર (આશરે 40 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની કુલ 5 S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રેજિમેન્ટ ખરીદવામાં આવશે.
ભારતની હવાઈ સીમાનું સુરક્ષા કવચ
રશિયાની S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિશ્વની સૌથી શ્રેષ્ઠ હવાઈ સીમા સુરક્ષા સિસ્ટમ ગણાય છે. S-400 સુપરસોનિક અને હાઈપર સોનિક મિસાઈલ્સથી સજ્જ કરવામાં આવેલી છે જે ટાર્ગેટને ભેદવામાં અચૂક મનાય છે. S-400 ની ગણના વિશ્વના સૌથી આધુનિક હથિયારોમાં કરવામાં આવે છે. S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 3 સેકન્ડમાં 2 મિસાઈલ્સ છોડી શકવા સક્ષમ છે. S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાંથી વછૂટેલી મિસાઈલ્સ 5 કિમી પ્રતિ સેકન્ડની ગતિ ધરાવે છે અને 35 કિમીની ઉંચાઈ સુધી અચૂક નિશાન ભેદી શકે છે. S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ જે મિસાઈલથી સજ્જ છે તે દુશ્મનોના ફાઈટર વિમાનો, ડ્રોન, મિસાઈલ્સ અને ત્યાં સુધી કે સંતાયેલા વિમાનોને મારવા માટે પણ સક્ષમ છે. તેની મદદથી રડારમાં પકડમાં ન આવે તેવા વિમાનોને પણ નિશાન બનાવી શકાશે.
