- અમદાવાદ સ્થિત ઝાયડસ બાયોટેક વેક્સિન ડેવલપમેન્ટ સેન્ટર પહોંચ્યા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં કોરોના વિરોધી વેક્સિન ડેવલપમેન્ટ કાર્ય ચાલે છે એ ત્રણ શહેરની મુલાકાત લેશે
- વડાપ્રધાન અમદાવાદ બાદ પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા તથા હૈદરાબાદ ખાતે ભારત બાયોટેકની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ત્રણ વેક્સિન સેન્ટરના પ્રવાસે
ભારતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા સ્થિર ગતિએ વધી રહી છે, દેશના ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં અચાનક કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે જે ચિંતાજનક છે. જોકે આશ્વાસન લેવા જેવી બાબત એ પણ છે કે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો સાજા થવાનો દર મક્કમ ગતિએ વધી રહ્યો છે. વૈશ્વિક મહામારીને રોકવા વિશ્વમાં અનેક દેશોની સરકારો, કંપનીઓ, લેબોરેટરીઓ વેક્સિનના સંશોધનની ગતિવિધિ વિવિધ તબક્કામાં પહોંચી છે. ભારતના પણ વૈજ્ઞાનિકો પણ કોરોના વિરોધી વેક્સિન ભગીરથ કાર્યમાં લાગેલા છે. ભારતમાં વિકસિત થઈ રહેલી કોરોના વિરોધી વેક્સિનના સંશોધન તથા ઉત્પાદન, વેક્સિન ડેવલપમેન્ટ અને તેને માટે આવતા પડકારોને જાણવાનો પ્રયાસ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક, પૂણેના હડપસર સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા તથા હૈદરાબાદ ખાતે ભારત બાયોટેકની મુલાકાત લેશે. આ પ્રવાસના પ્રથમ ચરણમાં વડાપ્રધાન અમદાવાદ ખાતે ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે પહોંચી ચુક્યા છે.
ભારતની કોરોના વિરોધી વેક્સિનની સંપૂર્ણ અપડેટ
ભારતમાં ઝાયડસ બાયોટેક અમદાવાદમાં, ભારત બાયોટેક ICMR સાથે હાથ મિલાવીને હૈદરાબાદમાં સંપૂર્ણ સ્વદેશી કોરોના વિરોધી વેક્સિન વિકસાવવા માટે સંશોધન કરી રહ્યા છે જ્યારે પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા SII બ્રિટનની જેનર ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રાઝેનેકા સાથે રહીને કોરોના વિરોધી વેક્સિન વિકસાવી રહી છે.
- ઝાયડસ બાયોટેક ઝાયકોવ-ડી વેક્સિન ( ZyCov-D )
ઝાયડસ બાયોટેક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફાર્માસ્યુટિકલ કંપની છે. કોરોના વિરોધી વેક્સિન વિકસાવવા માટે વિરાક, નેશનલ બાયોફાર્મા મિશન અને ભારત સરકારના બાયોટેકનોલોજી સાથે ઝાયડસ બાયોટેકે સમજૂતી કરી છે. ઝાયડસ બાયોટેક પોતાના અમદાવાદ નજીક ચાંગોદર સ્થિત વેક્સિન ડેવલપમેન્ટ સેન્ટર ખાતે ZyCov-D નામથી કોરોના વિરોધી વેક્સિન વિકસાવી રહ્યું છે. સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા, નિર્માણ પ્રક્રિયા તથા વાતાવરણમાં તૈયાર કરવામાં આવી રહેલી ઝાયડસ બાયોટેકની વેક્સિન પરીક્ષણના છેલ્લા તબક્કામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝાયડસ બાયોટેક કોરોના મહામારીની શરૂઆતથી જ કોરોના વિરોધી વેક્સિન, રસીના સંશોધન અને ડેવલપમેન્ટ માટે લાગેલી છે. ઝાયડસ કેડિલાની વેક્સિન લગભગ આવતા વર્ષે માર્ચ મહિના સુધી ઉપલબ્ધ થઈ શકે છે.
- સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિન ( Covishield )
પૂણેના હડપસર સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) વિશ્વભરમાં સીરમ તથા વેક્સિનના સૌથી મોટી ઉત્પાદક તરીકે વિખ્યાત છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) બ્રિટનની જેનર ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રાઝેનેકા ફાર્મા નામની બ્રિટિશ-સ્વીડીશ કંપની સાથે રહીને કોવિશિલ્ડ (Covishield ) નામથી કોરાના વિરોધી વેક્સિન વિકસાવી રહી છે. આ વેક્સિનની ફોર્મ્યુલા જેનર ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટો તથા એસ્ટ્રાઝેનેકા ફાર્માએ વિકસાવી છે અને એ ફોર્મ્યુલા અનુસાર સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા પોતાના પૂણેના પ્લાન્ટમાં ઉત્પાદન કરે છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા પૂણેમાં 20 લાખ જેટલા કોવિશિલ્ડ Covishield વેક્સિનના ડોઝના સ્ટોરેજની ક્ષમતા વિકસાવી રહી છે. અપેક્ષા એવી રખાઈ રહી છે કે કોવિશિલ્ડ Covishield વેક્સિનને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં માન્યતા મળી શકે છે અને જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે.
- ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin)
ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin) પરીક્ષણના છેલ્લા તબક્કામાં પહોંચી ચૂકી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક આઈસીએમઆર (ICMR) સાથે મળીને સંપૂર્ણ સ્વદેશી વેક્સિન વિકસાવી રહી છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે સંપૂર્ણ સ્વદેશી આ વેક્સિન ફેબ્રુઆરી કે માર્ચ 2021 સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. કોવેક્સિન (Covaxin) ના હ્યુમન પરીક્ષણો હાલમાં અંતિમ તબક્કામાં છે. ગુરુવારે અમદાવાદમાં કોવેક્સિન (Covaxin) ના હ્યુમન પરીક્ષણો શરૂ થયા બાદ હવે મધ્યપ્રદેશના ભોપાલમાં પણ હ્યુમન પરીક્ષણો શરૂ કરવામાં આવ્યા છે. કોવેક્સિન (Covaxin) નાં પરીક્ષણોના પ્રારંભિક પરિણામો ઘણા પ્રોત્સાહક ગણાવાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજની ભારત બાયોટેકની મુલાકાત દરમિયાન કોવેક્સિન (Covaxin) ની સંત્તાવાર જાહેરાત નકારી શકાય નહીં.