19મી સદીના પ્રખ્યાત સમાજ સુધારક મહાત્મા ફુલે (Jyotiba Phule) અને તેમના પત્ની, સાવિત્રીબાઈ ફુલેને (Savitribai Phule) દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરતો ઠરાવ મહારાષ્ટ્ર વિધાનસભાએ સોમવારે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો.

ઠરાવ પસાર થતાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જ્યોતિબા ફુલેને (Jyotiba Phule) આપવામાં આવેલા મહાત્મા બિરુદને માન્યતા આપી દીધી છે. “મહાત્મા બિરુદ દેશમાં દરેક વસ્તુથી પર હતું અને મહાત્મા ફુલે અને મહાત્મા ગાંધી એમ ફક્ત બે જ લોકોને આ બિરુદ મળ્યું છે.” એમ સમાચાર એજન્સી પીટીઆઈના હવાલાથી જણાવવામાં આવ્યું છે.

Maharashtra Assembly unanimously recommends Bharat Ratna for social reformers Mahatma Jyotirao Phule & Savitribai Phule.#BharatRatna #JyotiraoPhule #SavitribaiPhulehttps://t.co/d1CKtlbv79 pic.twitter.com/FCDBnSHidg
— Mid Day (@mid_day) March 24, 2025
જ્યોતિરાવ ફુલે (Jyotiba Phule) સમાજ સુધારક, શિક્ષક અને ક્રાંતિકારી વિચારક
જ્યોતિરાવ ફુલે (Jyotiba Phule) એક સમાજ સુધારક, શિક્ષક અને ક્રાંતિકારી વિચારક હતા તેમણે 19મી સદીમાં ભારતના સામાજિક સુધારણા ચળવળમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતની કન્યાઓ માટે સૌપ્રથમ શાળાની સ્થાપના કરવા માટે જાણીતા જ્યોતિબા ફુલેએ મહિલાઓ અને પીડિત સમુદાયો માટે શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે અસ્પૃશ્યતા અને જાતિગત ભેદભાવને દૂર કરવા માટે અથાક કામ કર્યું.

1848માં પુણેમાં તાત્યાસાહેબ ભીડેના નિવાસસ્થાને પ્રથમ કન્યા શાળા ખોલી તેમના પત્ની અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે સાથે મળીને જ્યોતિબા ફૂલેએ (Jyotiba Phule) ભારતમાં મહિલા શિક્ષણનો પાયો નાખ્યો.
નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પણ વિધાનસભા દ્વારા ઠરાવ પસાર થવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, “આજે, મહિલાઓ કૃષિ, શિક્ષણ, જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન, અવકાશ, રાજકારણ અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં જવાબદાર હોદ્દા સંભાળી રહી છે, રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે. આ પરિવર્તનનો શ્રેય સંપૂર્ણપણે તેમના (જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે) દૂરંદેશી અભિગમ અને અથાક પ્રયાસોને જાય છે.”

મહાત્મા ફુલેએ નીચલી ગણાતી જાતિઓને સમાન અધિકારો મળે તે માટે લડત ચલાવવા સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. સત્યશોધક સમાજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ઉત્થાન માટે સમર્પિત હતું પરંતુ તેના દરવાજા તમામ જાતિઓ અને ધર્મોના લોકો માટે ખુલ્લા હતા.
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાવ ફૂલેના (Jyotiba Phule) અવિરત સમર્થનથી તેમના પત્ની સાવિત્રીબાઈ સામાજિક રૂઢીઓને અવગણીને ઔપચારિક શિક્ષણ મેળવનારા ભારતની પ્રથમ મહિલાઓમાંના એક બન્યા હતા. આ ઉપરાંત સાવિત્રીબાઈ ફૂલે આધુનિક ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા પણ છે.