પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા.
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, તેઓ પાંચ તત્વોમાં વિલિન થઈ ગયા જોકે તેઓ દરેક ભારતીયના સ્મરણમાં રહેશે. મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં પ્રમુખ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આજે સવારે 8.30 વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
‘જબ તક સુરજ ચાંદ રહેગા, મનમોહન આપકા નામ રહેગા’
મનમોહન સિંહની અંતિમ યાત્રા કોંગ્રેસ મુખ્યાલય 24 અકબર રોડથી નિગમબોધ ઘાટ તરફ આગળ વધી હતી. તેમના પાર્થિવ શરીર સાથે મનમોહન સિંહની અંતિમ યાત્રા કોંગ્રેસ મુખ્યાલય 24 અકબર રોડથી નિગમબોધ ઘાટ તરફ આગળ વધી હતી. તેમનો પાર્થિવ દેહ જે વાહનમાં રાખવામાં આવ્યો હતો તે મુખ્ય વાહનમાં રાહુલ ગાંધી પણ બેઠેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમબોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ‘જબ તક સુરજ ચાંદ રહેગા, મનમોહન આપકા નામ રહેગા’ અને ‘મનમોહન સિંહ અમર રહે’ના નારા લગાવ્યા હતા.
કોંગ્રેસ મુખ્યાલયમાં અંતિમ દર્શન
અંતિમ યાત્રા પહેલા, સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટર ’24 અકબર રોડ’ ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી સવારે લગભગ 9 વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા.
મનમોહન સિંહને અંતિમ વિદાય
ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને રાખવામાં આવ્યા બાદ સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય ઘણા પક્ષના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ડૉ. સિંહના પત્ની ગુરશરણ કૌર અને તેમના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોંગ્રેસ મુખ્યાલયમાં હાજર હતા. ગુરશરન કૌરે પણ તેમના પતિને ફૂલ અર્પણ કરીને અંતિમ વિદાય આપી હતી. રાહુલ ગાંધીએ મનમોહન સિંહના પરિવારને સાંત્વના આપતા તેમની સાથે પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રવેશ કર્યો.
ભૂતપૂર્વ વડા પ્રધાનની અંતિમ ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પહેલેથી જ કતારમાં હતા. તેઓએ અશ્રુભીની આંખે ભારતીય રાજકારણના સૌમ્ય નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રાષ્ટ્રગીત ગાઈને તેમને વિદાય આપી હતી.
નિગમબોધના અંતિમ સંસ્કાર કરવાના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે ડૉ. સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ થવો જોઈએ જ્યાં તેમનું સ્મારક પણ બની શકે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે સિંહના અગ્નિસંસ્કાર અને સ્મારક માટે જગ્યા ન મળવી એ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાનનું ઈરાદાપૂર્વક કરવામાં આવેલું અપમાન છે.
આ દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે કહ્યું હતું કે સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવશે. ભારતમાં આર્થિક સુધારાના પિતા તરીકે ઓળખાતા પૂર્વ નાણામંત્રી અને બે વખતના વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. ડૉ. સિંહના પાર્થિવ દેહને શુક્રવારે તેમના નિવાસસ્થાન ‘3 મોતીલાલ નેહરુ માર્ગ’ પર લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં નેતાઓએ પક્ષની ભાવનાઓથી ઉપર ઉઠીને સ્વર્ગસ્થ નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય હસ્તીઓ સહિત અનેક અગ્રણી નેતાઓએ મનમોહન સિંહને શુક્રવારે તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસ નેતા સિંહ 2004 થી 2014 સુધી 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન હતા અને તે પહેલા તેમણે નાણામંત્રી તરીકે દેશના આર્થિક માળખાને મજબૂત બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેઓ નાણાકીય અને આર્થિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નામના ધરાવતા હતા. તેમના નેતૃત્વ હેઠળની સરકારે માહિતીનો અધિકાર (RTI), શિક્ષણનો અધિકાર (RTE) અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) જેવી યુગ પરિવર્તનકારી યોજનાઓ રજૂ કરી હતી. હંમેશા વાદળી પાઘડી પહેરતા સિંહને 1991માં નરસિમ્હા રાવ સરકારમાં ભારતના નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આર્થિક સુધારાની વ્યાપક નીતિ શરૂ કરવામાં તેમની ભૂમિકા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.