મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા.
એકનાથ શિંદે 28 જૂન 2022 થી 26 નવેમ્બર 2024 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. વિધાનસભાનો કાર્યકાળ આજે એટલે કે 26મી નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. વિધાનસભાની ચુંટણીના પરિણામો આવી ગયા છે અને મહાયુતિને પ્રચંડ બહુમતી મળી છે જોકે હજુ સુધી મુખ્યમંત્રીના શપથની તારીખ નક્કી કરવામાં આવી નથી. શિંદે કાર્યકારી મુખ્યમંત્રી પદે રહેશે.
એક તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજીનામુ આપ્યું છે ત્યારે બીજી બાજુ આજે મુંબઈમાં ભાજપના ધારાસભ્યોની બેઠક પણ બોલાવવામાં આવી છે. સંભાવના છે કે આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ બેઠક બાદ શિંદે, ફડણવીસ અને અજિત પવાર સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાનું માનીએ તો નવા મુખ્યમંત્રી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે જે આજે જ કરવામાં આવશે તેવી સંભાવાના છે.
જો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે તો નવી સરકારમાં પહેલાની જેમ બે ડેપ્યુટી સીએમ હશે. એનસીપી તરફથી અજિત પવાર જ્યારે શિવસેના તરફથી શિંદે નવા ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સરકારનો એજન્ડા નક્કી કરવા માટે ત્રણેય પક્ષોની એક સમિતિની રચના કરવામાં આવી શકે છે, જેના વડા એકનાથ શિંદે હોઈ શકે છે. જોકે, શિવસેનાના પ્રવક્તા કૃષ્ણા હેગડેએ આ વાતને નકારી કાઢી હતી.