ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 33
• ભારતના વીસ હજાર મુસલમાનો અફઘાનિસ્તાન રહેવા ચાલી નીકળ્યા.
– ગાંધીજીના જમણા હાથ મોહમ્મદ અલીએ ભારતને દારુલ-હરબ જાહેર કર્યું, તો મૌલાના અબ્દુલા બારીએ હિજરત માટે ફતવો બહાર પાડ્યો. લગભગ વીસ હજાર ગરીબ અને અભણ મુસ્લિમો (જેમને પોતાના નેતાઓ પર અતૂટ વિશ્વાસ હતો) એમના બાપ-દાદાના ઘરબાર છોડી અફઘાનિસ્તાન તરફ ચાલી નીકળ્યા
– ભારતના મુસલમાનો ઇસ્લામી દેશ ગણીને અફઘાનિસ્તાન તરફ ગયા તો ખરા પણ અફઘાનિસ્તાને સરહદેથી જ ભારતીય મુસ્લિમોને લાત મારી તગેડી મૂક્યા.
ભારતના મુસ્લિમ નેતાઓ તુર્કીની ખિલાફત બચાવવા અનેક ઇસ્લામી દેશોમાં ફર્યા પણ કોઇએ
ભાવ ન આપ્યો. આ નેતાઓના પ્રયત્નો રેતીના મહેલની જેમ પડી ભાંગ્યા હતા; પરંતુ ભારતની અંદરની જ્વાળા શાંત થઇ ન હતી. ધર્માંધ મુલ્લા-મૌલવીઓ ભોળી મુસ્લિમ પ્રજાનાં ભારત ‘દારુલ-હરબ’ અર્થાત જ્યાં ઇસ્લામનું શાસન નથી એવો દેશ છે એમ કહી એમને ઉશ્કેરી રહ્યા હતા. કુરાનનો આદેશ છે કે આવા દેશમાં મુસલમાનોએ એક દિવસ પણ રહેવું જોઇએ નહિ, અર્થાત ‘હિજરત’ કરવી જોઇએ. દારુલ-ઇસ્લામી દેશમાં ચાલ્યા જવું જોઇએ. ગાંધીજીના જમણા હાથ મોહમ્મદ અલીએ ભારતને દારુલ-હરબ જાહેર કર્યું, તો મૌલાના અબ્દુલા બારીએ હિજરત માટે ફતવો બહાર પાડ્યો. લગભગ વીસ હજાર ગરીબ અને અભણ મુસ્લિમો (જેમને પોતાના નેતાઓ પર અતૂટ વિશ્વાસ હતો) એમના બાપ-દાદાના ઘરબાર છોડી અફઘાનિસ્તાન તરફ ચાલી નીકળ્યા. એમને મન એ દારુલ- ઇસ્લામનું સ્વપ્નલોક હતું પરંતુ એમની હિજરત એમને ખૂબ મોંઘી પડી. એમને માટે ભયાનક કાળ રાત્રી સાબિત થઇ. અફઘાનોએ અત્યંત નિર્દયતાપૂર્વક એમને અફઘાનિસ્તાનની સીમાઓ પર રોકી દીધા. એમને વણ નોતર્યા મહેમાનોની જેમ ધક્કો મારી પાછા ધકેલી દીધા. એમાનાં કેટલાયના ભૂખ-તરસથી મોતને ભેટ્યા. બાકીના બધા એકવાર ફરીથી શાંતિ અને સુરક્ષાની શોધમાં લૂંટાયેલા, કૂટાયેલા, ચિંથરેહાલ દશામાં, ભગ્નહ્રદયે ભારતમાં પોતપોતાના ગામ પરત આવ્યા. જ્યારે એ પોતપોતાના ઘરે પાછા ગયા ત્યારે એ તદ્દન અસહાય હતા. એમના ખિસ્સામાં રાતી પાઇ પણ ન હતી. એમણે તો એમની સંપત્તિ પહેલેથી જ મુલ્લાઓના ફતવાના ભરોસે કોડીના મૂલે વેચી હતી. ખિલાફતના નામે મુસલમાનોને ભડકાવતા આ મુલ્લાઓ અને મુસ્લિમ નેતાઓ અંગ્રેજો પાસેથી ય પૈસા લેતા અને બીજી તરફ તુર્કીની ખિલાફત બચાવવાના નામે મુસ્લિમો પાસેથી જ પૈસા ખંખેરતા. પરંતુ સૌથી ખરાબ દશા ગરીબ મુસ્લિમોની હતી. એ તો ઇસ્લામના નામે મુલ્લાઓ અને નેતાઓ પર ભરોસો રાખતા હતા. અંતે રસ્તે રઝળી મર્યા. ન ઘરના ન ઘાટના રહ્યા. ઇસ્લામી દેશ ગણીને અફઘાનિસ્તાન તરફ ગયા તો ખરા પણ અફઘાનિસ્તાને સરહદેથી જ ભારતીય મુસ્લિમોને લાત મારી તગેડી મૂક્યા. એ દિવસોમાં ભારતીય મુસલમાનોની જે મનોદશા હતી, તેનું શબ્દચિત્ર પં. નહેરુએ આ પ્રમાણે આલેખ્યું છે:
તુર્કી-યુદ્ધના માઠા દિવસોમાં હિન્દુ અને મુસલમાનોની સહાનુભૂતિ અલગ અલગ કારણોસર તુર્કી માટે હતી. મુસલમાનો માટે આ એક મજહબી કર્તવ્ય હતું તેમજ વિશ્વભરમાં ઇસ્લામના પ્રસારની એમની ઇચ્છાની એ અભિવ્યક્તિ હતી. હિન્દુઓ માટે એ મુશ્કેલીમાં ફસાયેલા એક દેશ પ્રત્યે હોય એવી સહાનુભૂતિ હતી. આવા મુસલમાનો એમના રાષ્ટ્રીય મૂળની શોધ બીજે કરતા હતા. કેટલીક હદ સુધી એમને એ ભારતના અફઘાન અને મોગલ શાસનમાં જોવા મળ્યું, પરંતુ એનાથી ખાલીપાની પૂરાયો નહીં. સાંસ્કૃતિક મૂળ સંબંધી આ શોધ ભારતીય મુસલમાનોને ઇસ્લામી ઇતિહાસ અને એ યુગમાં લઇ ગઇ, જ્યાં બગદાદ, સ્પેન, કુસ્તુન્તુનિયા, મધ્ય એશિયા અને અન્ય ઇસ્લામની તતૂડી વાગતી હતી. ભારતના મોગલ બાદશાહોનો સંબંધ છે, ત્યાં સુધી તો એમણે ભારત બહારના કોઇ ખલીફા કે આધ્યાત્મિક ગુરુને માન્યતા આપી ન હતી. 19મી સદીના પ્રારંભમાં મોગલોની શક્તિ સાવ નબળી પડી ગઇ, એ પછી જ ભારતીય મસ્જિદોમાં તુર્કીના સુલતાનની ચર્ચા થવા લાગી. વિપ્લવ પછી આ પ્રથા પરંપરા બની ગઇ.’ (જવાહરલાલ નહેરુ : ધ ડિસ્કવરી ઑફ ઇંડિયા, પૃ. 408-9)
એક અન્ય જગ્યાએ નહેરુએ 1919-22ના ખિલાફત કાળ અંગે કહ્યું હતું કે ‘એ ‘રાષ્ટ્રવાદ, રાજનીતિ, સંપ્રદાય, રહસ્યવાદ અને ધર્માંધતાવાદ’ ની એક વિચિત્ર ખીચડી હતી.’ એમણે આગળ લખ્યું છે: ‘આ રાષ્ટ્રવાદ પોતે જ એક મિશ્ર શક્તિ હતી. એની પાછળ હિન્દુ રાષ્ટ્રવાદ હતો અને મુસ્લિમ રાષ્ટ્રવાદ પણ હતો, જે અંશત: ભારતની સીમાઓની પેલે પારની અપેક્ષા રાખતો હતો.’ (જવાહરલાલ નહેરુ : ઑટોબાયોગ્રાફી (1942), પૃ. 72)
ખિલાફત આંદોલનનો તાત્કાલિક પ્રભાવ તો પડ્યો જ, એ સિવાય પણ પાછળથી એનાં જે દુ:ખદાયી પરિણામો આવ્યાં, એણે ભારતીય રાજનીતિના સમગ્ર ભારતને જ અત્યંત ઝડપથી વેરવિખેર કરી નાખ્યું.