ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 20
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 20
• એક ભયાનક-લોહિયાળ આંધીના એંધાણ…
1906માં મુસ્લીમ લીગની સ્થાપના સમયે પ્રતિનિધિઓમાં વહેંચવામાં આવેલા ‘લાલ સૂચના’માં આવું આહ્વાન કરવામાં આવ્યું હતું : ‘ઓ મુસલમાન ભાઇઓ, ઊઠો, જાગો ! એક જ શાળામાં હિન્દુઓ સાથે ભણો નહિ. હિન્દુની દુકાનથી કોઇ વસ્તુ ન ખરીદો, હિન્દુઓ દ્વારા બનાવવામાં આવેલી કોઇ પણ વસ્તુને અડશો નહીં.
મુસ્લિમો તરફથી થતી આ બધી જ માંગણી પાછળ અંગ્રેજ દિમાગ કામ કરતું હતું. લંડનમાં મુસ્લિમ લીગની શાખા સ્થાપવામાં આવી. ડો. આંબેડકર લખે છે: ‘મુસ્લિમોના રાજકીય જીવનનો પ્રવાહ વહેતો રાખવા માટે તેમણે તેમની અલગ નહેર ખોદી (મુસ્લિમ લીગ). આ પ્રવાહ પર મુસ્લિમ લીગ નામની અલગ રાજકીય સંસ્થાનું નિયંત્રણ રહેવાનું હતું.’
આગાખાને પોતાનાં સંસ્મરણોમાં એક રહસ્ય ખુલ્લું કર્યું છે: ‘1906માં અમારો સૌથી ઉગ્ર હરીફ કોણ હતો ? મુંબઈનો એક ખ્યાતિ પ્રાપ્ત મુસ્લિમ બેરિસ્ટર. એની ખૂબ સારી વકીલાત ચાલતી હતી; તે હતા મહંમદ અલી ઝીણા
જેમ કોન્ગ્રેસની સ્થાપના અંગ્રેજોએ કરી એવી રીતે મુસ્લીમ લીગની સ્થાપના પાછળ પણ અંગ્રેજો હતા. મુસ્લીમ લીગના લક્ષ્ય અને હેતુ એટલા તો સ્પષ્ટ હતા કે એમાંથી સ્પષ્ટ જોઇ શકાતું હતું કે એની પાછળ અંગ્રેજો અને મુસલમાનો, બંનેનો હાથ હતો. લક્ષ્ય આ પ્રમાણે હતા :
(1) ભારતીય મુસ્લિમોમાં બ્રિટિશ સરકાર પ્રત્યે નિષ્ઠાની ભાવના જગાડવી અને જો સરકારના કોઇ કાર્યથી એમના હેતુઓ વિશે ભ્રમ પેદા થાય તો તે દૂર કરવા.
(2) ભારતીય મુસ્લિમોના રાજકીય તથા અન્ય અધિકારોનું રક્ષણ કરવું અને એમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને વિનમ્ર ભાષામાં સરકાર સમક્ષ મૂકવી.
(3) અનુચ્છેદ (1) અને (2) માં વર્ણવેલ હેતુઓ પ્રત્યે પૂર્વગ્રહ વગર, યથાસંભવ, મુસલમાનો અને ભારતના અન્ય સમુદાયો વચ્ચે સદભાવના જગાડવી’ (મહેતા ઓર પટવર્ધન : ધ કમ્યુનલ ટ્રાયેંગિલ, પૃ. 28)
લીગની સ્થાપનાના સમયથી જ ચિંતાજનક સંકેત મળવા લાગ્યા કે આગળ જતાં શું થવાનું છે.
મુસ્લીમ લીગની સ્થાપના સમયે પ્રતિનિધિઓમાં વહેંચવામાં આવેલા ‘લાલ સૂચના’માં આવું આહ્વાન કરવામાં આવ્યું હતું :
‘ઓ મુસલમાન ભાઇઓ, ઊઠો, જાગો ! એક જ શાળામાં હિન્દુઓ સાથે ભણો નહિ. હિન્દુની દુકાનથી કોઇ વસ્તુ ન ખરીદો, હિન્દુઓ દ્વારા બનાવવામાં આવેલી કોઇ પણ વસ્તુને અડશો નહિ. હિન્દુને કોઇ રોજગારી ન આપો. હિન્દુના હાથ નીચે કોઇ હીન પદ સ્વીકારો નહિ. આપ અભણ છો, પરંતુ જો આપ જ્ઞાન પ્રાપ્ત કરી લો તો આપ તરત બધા હિન્દુઓને નર્કમાં મોકલી શકો એમ છો. આ પ્રાંતમાં આપની બહુમતી છે. હિન્દુની પોતાની કોઇ સંપત્તિ નથી, આપની સંપત્તિ આપની પાસેથી પડાવીને જ તે ધનવાન બન્યો છે. જો આપનામાં પૂરતી જાગૃતિ પેદા થઇ જાય તો હિન્દુ ભૂખે મરશે અને તરત જ મુસલમાન બની જશે.’ (આર. સી. મજૂમદાર : હિસ્ટ્રી ઑફ ધ ફ્રીડમ મૂવમેંટઇન ઇંડિયા, ખંડ 11, પૃ. 54-55)
‘લાલ સૂચના’નાં આવાં તથા અન્ય જ્વાળા ભડકાવતાં નિવેદનોએ મુસ્લિમોની ધર્માંધતાની આગમાં ઇંધણનું કામ કર્યું. બહુ જ ઝડપથી 4 માર્ચ, 1907ના રોજ કોમિલ્લા (હવે બાંગ્લાદેશમાં) માં હુલ્લડ ફાટી નીકળ્યાં. હુલ્લડો ભડકાવ્યાં નવાબ સલીમુલ્લાના અનુયાયીઓએ. આક્રમણ, હત્યા, લૂંટફાટ, બળાત્કાર, સંપત્તિ-વિધ્વંસ અને આગની જ્વાળાઓ ભડકવા માંડી. આ ઘટનાના સાક્ષી માંચેસ્ટર ગાર્જિયનના પત્રકાર એચ. ડબલ્યુ. નેવિન્સનને લખ્યું છે : ‘લોકો માર્યા ગયા, મંદિર અપવિત્ર કરવામાં આવ્યાં, મૂર્તિઓ તોડવામાં આવી, દુકાનો લૂંટવામાં આવી અને અનેક હિન્દુ વિધવાઓનાં અપહરણ થયાં…મહિલાઓ રાતભર સંતાઇ રહી અને અનેક મહિલાઓ પર સામૂહિક બળાત્કારો થયા’ (આર. સી. મજૂમદાર : હિસ્ટ્રી ઑફ ધ ફ્રીડમ મૂવમેંટઇન ઇંડિયા, ખંડ 11, પૃ. 56)
મુસ્લિમ લીગે 1908માં પોતાના વાર્ષિક અધિવેશનમાં આગાખાન-મિન્ટો માર્ગનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું. એણે માંગણી કરી કે એને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાંપ્રદાયિક આધાર પર પ્રતિનિધિત્વ આપવામાં આવે, સરકારી સેવામાં હજુ વધારે પ્રતિનિધિત્વ મળવું જોઇએ અને મુસલમાનો માટે એવા જ અન્ય વિશેષાધિકારોની વ્યવસ્થા કરવામાં આવે. એણે બંગાળના ભાગલાના વિરોધમાં કૉંગ્રેસના ઠરાવની પણ ટીકા કરી. લીગે પોતાના ઠરાવને લઇને એક ઝેરીલું પ્રચાર અભિયાન પણ શરૂ કર્યું.
ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ (પૃષ્ઠ-286) માં લખે છે: ‘1909માં મુસ્લિમાને ખબર પડી ગઇ કે લેજિસ્લેટીય કાઉન્સિલના સુધારાની દિશામાં વિચાર થઇ રહ્યો છે ત્યારે એ વાઇસરોય લોર્ડ મિન્ટો પાસે એક પ્રતિનિધિ મંડળ લઇને ગયા અને નીચેની માંગણી મૂકી- 1. તેમની વસ્તીના પ્રમાણે, સામાજિક સ્થિતિ અને પ્રભાવ મુજબ જિલ્લા અને મ્યુનિસિપાલિટીની સમિતિઓમાં કોમી પ્રતિનિધિત્વ આપવું. 2. યુનિવર્સિટીઓના સંચાલક મંડળમાં મુસ્લિમોને પ્રતિનિધિત્વની ખાતરી. 3. પ્રાંતિય ધારાસભાઓમાં પ્રતિનિધિત્વ. 4. ઇમ્પિરિયલ લેજિસ્લેટીય કાઉન્સિલમાં મુસ્લિમોને સ્થાન.’ ડો. આંબેડકર આગળ લખે છે કે ‘મુસ્લિમોની આ બધી માંગણીઓ સ્વીકારવામાં આવી.’
મુસ્લિમો તરફથી થતી આ બધી જ માંગણી પાછળ અંગ્રેજ દિમાગ કામ કરતું હતું. લંડનમાં મુસ્લિમ લીગની શાખા સ્થાપવામાં આવી. ધીરે ધીરે તે એક એવું શક્તિશાળી કેન્દ્ર પુરવાર થયું જેણે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ સાથે સાંઠગાંઠ કરીને મુસલમાનોને વધુ ને વધુ પ્રતિનિધિત્વ અને સંરક્ષણ મળે તેવો પ્રયાસ કર્યો. ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ (પૃષ્ઠ-397) માં લખે છે: ‘મુસ્લિમોના રાજકીય જીવનનો પ્રવાહ વહેતો રાખવા માટે તેમણે તેમની અલગ નહેર ખોદી (મુસ્લિમ લીગ). આ પ્રવાહ પર મુસ્લિમ લીગ નામની અલગ રાજકીય સંસ્થાનું નિયંત્રણ રહેવાનું હતું. મુસ્લિમ લીગની સ્થાપના પછી મુસ્લિમ રાજકારણનું પાણી આ અલગ નહેરમાં વહ્યા છે.’
1911માં બંગાળના ભાગલાની યોજના રદ થવી એ લીગી અલગતાવાદીઓ માટે એક અણધાર્યો આઘાત હતો. આને કારણે નવાબ સલીમુલ્લાએ પોતાને એટલો તો કુંઠિત અને અપમાનિત અનુભવ કર્યો કે એમણે રાજકારણ સાથે સમૂળગો છેડો જ ફાડી નાખ્યો.
એ દિવસોમાં પણ કેટલાક મુસ્લિમ બુદ્ધિજીવી અલગતાવાદથી જોજનો દૂર હતા. આગાખાને પોતાનાં સંસ્મરણોમાં એક રહસ્ય ખુલ્લું કર્યું છે : ‘1906માં અમારો સૌથી ઉગ્ર હરીફ કોણ હતો ? મુંબઈનો એક ખ્યાતિ પ્રાપ્ત મુસ્લિમ બેરિસ્ટર. એની ખૂબ સારી વકીલાત ચાલતી હતી; તે હતા મહંમદ અલી ઝીણા…અમારી વચ્ચે સદૈવ મૈત્રીભાવ રહ્યો, પરંતુ એ વખતે એમણે એ બધાનો ખૂબ વિરોધ (મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્વની માગણી અને અંગ્રેજો સાથે સાઠગાંઠ) કર્યો જે મેં અને મારા મિત્રોએ કર્યું હતું અને કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા….એમણે કહ્યું કે અલગ મતદાર-મંડળોનો અમારો સિદ્ધાંત રાષ્ટ્રને અલગ અલગ ભાગોમાં જ વહેંચી રહ્યો હતો. લગભગ પા સદી તેઓ અમારા કડક ટીકાકાર અને હરીફ રહ્યા.’ (ધ મેમૉઈસ ઑફ આગાખાન : પૃ. 94)
મુસ્લિમ લીગનું આંદોલન લોક આંદોલન તો હતું જ નહિ. ન તો એને ભારતની સ્વતંત્રતામાં રસ હતો. સંયુક્ત પ્રાંતના ટોચના એક લીગી નેતા ચૌધરી ખલીકુજ્જમાને લખ્યું છે : ‘મુસ્લિમ લીગમાં પદવીધારકો, નવાબો, જમીનદારો અને ‘જી હજૂરિયાઓ’ની ભરમાર હતી. તેઓ સામાન્ય રીતે સજ્જન હતા, પરંતુ મુસ્લિમોનું હિત સાધવા એટલી હદ સુધી જ તૈયાર હતા કે જેટલી મર્યાદા સુધી એમનો પ્રભાવ એમની સામાજિક અથવા સરકારી સ્થિતિ પર ન પડે. 1906માં એની સ્થાપનાના આરંભથી જ મુસ્લિમ લીગની પ્રવૃત્તિઓ માત્ર આંતરિક રાજકીય પ્રદર્શનની જ રહી.’ (ચૌધરી ખલીકુજ્જમાન : પાથવે ટુ પાકિસ્તાન, પૃ. 137)
સ્વાભાવિક છે કે મુઠ્ઠીભર ચાપલુસ-માખણિયા ભદ્રવર્ગના લોકોની મુસ્લિમ લીગનો શરુઆતમાં ન તો કોઇ વિચાર હતો અને ન તો એની કોઈ યોજના હતી. માત્ર અંગ્રેજોની કઠપૂતળી જેવી એની ભૂમિકા હતી. તેઓ દેશના રાષ્ટ્રીય રંગમંચે કોઇ ખાસ ભૂમિકા ભજવશે એવી પણ કોઇ નીતિ રીતિ નહોતી.