ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 31
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 31
• કોન્ગ્રેસે ખિલાફત આંદોલનને
ટેકો આપવા સ્વરાજ આંદોલનને
મોહરું બનાવ્યું
ગાંધીજીએ ખિલાફતના મામલે મુસલમાનોને રાજી રાખવા ‘એવોર્ડ વાપસી’ શસ્ત્ર ઉગામ્યું. અંગ્રેજોએ ગાંધીજીને ‘કૈસરે હિન્દ’ તથા ‘જૂલુ’ અને ‘બોર યુદ્ધ’ પદક અર્પણ કર્યા. ગાંધીજીએ તો ત્યાં સુધી કહી દીધું હતું: ‘ખિલાફતના પ્રશ્ને સફળતા મેળવવામાં જરૂર પડશે તો હું સ્વરાજ્યનો પ્રશ્ન મોકુફ રાખીશ.’
ડો. બાબાસાહેબ આબેડકરના મતે અસહકાર આંદોલન માત્ર ખિલાફત આંદોલનને આગળ ધપાવવા જ જરુ કરવામાં આવ્યું હતું. અસહકાર આંદેલનને સ્વરાજ સાથે કંઇ લેવા દેવા નહોતી.
માત્ર ગાંધીજી જ નહીં બાલ ગંગાધર ટિળકે પણ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો. લોકમાન્ય ટિળકે કહ્યું હતું: ‘ખિલાફત આંદોલનમાં મુસલમાનોને મદદ કરવાનો વિચાર એક નક્કર વિચાર છે અને આથી જ બધાએ ગાંધીજીની નેતાગીરીને સમર્થન આપવું જોઇએ.’
ગાંધીજીએ તાત્કાલિક કોન્ગ્રેસનું અધિવેશન બોલાવ્યું. અધિવેશન 7–8 સપ્ટેમ્બર 1920 ના રોજ કલકત્તામાં મળ્યું.
ડો. બાબાસાહેબ આબેડકરના મતે અસહકાર આંદોલન માત્ર ખિલાફત આંદોલનને આગળ ધપાવવા જ જરુ કરવામાં આવ્યું હતું. અસહકાર આંદેલનને સ્વરાજ સાથે કંઇ લેવા દેવા નહોતી. ડો. આંબેડકર લખે છે:
‘ખિલાફત ચળવળમાં શ્રી ગાંધીએ જે ભાગ ભજવ્યો તેના લીધે ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વચ્ચેના સંબંધો અસ્પષ્ટ બની ગયા. લોકો આવું વિચારે તે સમજી શકાય તેવું છે કારણ કે મોટા ભાગના લોકોએ અસહકારના આંદોલન તથા ઈ.સ. 1920ના સપ્ટેમ્બરની 7મી તથા 8મી એ કલક્તા ખાતે ભરાયેલા કોંગ્રેસના ખાસ અધિવેશન વચ્ચેનો સંબંધ જોઈ આમ માની લીધું. પણ 1920ના સપ્ટેમ્બરનું અધિવેશન અને ત્યારની પરિસ્થિતિને સમજવાની જે કોઈ પ્રયત્ન કરશે તેને સમજાશે કે આ વિચાર સાચો નહોતો. સત્ય તો એ હતું કે અસહકારના મૂળ ખિલાફત ચળવળમાં હતાં, નહિ કે કોંગ્રેસના સ્વરાજ આંદોલનમાં. તુર્કસ્તાનને સહાય કરવા ખિલાફતવાદીઓએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. ખિલાફતવાદીઓને સહાય કરવા માટે જ કોંગ્રેસે અસહકાર આંદોલન છેડ્યું હતું. સ્વરાજ્ય તેનું મુખ્ય ધ્યેય હતું જ નહીં. તેનું મુખ્ય ધ્યેય તો હતું ખિલાફત અને હિંદુઓને તેમાં જોડાવાના પ્રલોભનરૂપે ગૌણ ધ્યેય તરીકે સ્વરાજ તેમાં ઉમેરાયું હતું. તે નીચેની હકીકતો પરથી સ્પષ્ટ થશે. ભારતમાં ખિલાફતની ચળવળ 1919ના ઓક્ટોબરની 27મીએ શરુ થઇ હતી એમ કહી શકાય. તે દિવસે સમગ્ર ભારતમાં ખિલાફત દિન તરીકે પળાયો હતો. 1919ના નવેમ્બરની 23મીએ દિલ્હીમાં પ્રથમ ખિલાફત અધિવેશન ભરાયું. ખિલાફતને થયેલો અન્યાય દૂર કરવા અંગ્રેજોને ફરજ પાડવાના સાધન તરીકે અસહકારની સંભાવના આ બેઠકમાં જ મુસ્લિમોએ વિચારી. 1920ના માર્ચની 10મીએ કલકત્તામાં ખિલાફત અધિવેશન ભરાયું અને તેમની ચળવળનો હેતુ સિદ્ધ કરવા શ્રેષ્ઠ શસ્ત્ર તરીકે અસહકારનો નિર્ણય કર્યો. 1920ની નવમી જૂને અલ્હાબાદમાં ખિલાફત અધિવેશન ભરાયું અને અસહકારનો ટેકો લેવાના તેમના નિર્ણયને સર્વસંમતિથી ફરીવાર દ્રઢ કરવામાં આવ્યો અને તેનો વિગતવાર કાર્યક્રમ ઘડવા અને તે અમલમાં મૂકવા કારોબારી સમિતિની નિયુક્તિ કરી. 1920ની 22મી જૂને મુસ્લિમોએ વાઈસરોયને સંદેશો મોકલાવ્યો કે 1920ની 1લી ઓગસ્ટ સુધીમાં તુર્કોની ફરિયાદોનું નિવારણ નહીં થાય તો તે અસહકારનું આંદોલન શરૂ કરશે. 1920ની 30મી જૂને અલ્હાબાદમાં મળેલી ખિલાફત સમિતિએ અસહકાર શરૂ કરવાનો ઠરાવ કર્યો. 1920ની 1લી જુલાઈએ નોટિસ આપવામાં અને 1920ની 1લી ઓગસ્ટે અસહકારનો પ્રારંભ થયો. આ આછી ઝાંખી દર્શાવે છે કે અસહકાર આંદોલનનો પ્રારંભ ખિલાફત સમિતિએ કર્યો હતો અને કલકત્તામાં ભરાયેલા કોંગ્રેસના ખાસ અધિવેશને ખિલાફત અધિવેશને જે કાંઈ કર્યું હતું તે જ અપનાવ્યું અને તે પણ સ્વરાજ્યના હેતુ માટે નહિ પણ ખિલાફતનો હેતુ આગળ વધારવામાં મુસ્લિમોને સહાય કરવા.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 166-167)
જો કે કોંગ્રેસના આ અધિવેશન પહેલાં જ ગાંધીજીએ સ્વતંત્ર રીતે ખિલાફત આંદોલનને ટેકો આપવાનો નિર્ણય કરી લીધો હતો. એની લગામ પોતે જ સંભાળી લીધી હતી. કોંગ્રેસ તો કેવળ એમની પાછળ પાછળ જ ચાલતી રહી. ગાંધીજીની આવા વલણ સામે કોંગ્રેસમાં અનેક પ્રકારના સૂર ઊઠયા અને ચેતવણી આપી કે ખિલાફત જેવા સાંપ્રદાયિક ઉન્માદના પ્રશ્ને કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થા ઝંપલાવશે તો એના નકારાત્મક પરિણામ આવી શકે છે. અધ્યક્ષ વિજય રાઘવાચારીએ પણ ટીકા કરી. ખિલાફતને તમામ રીતે ટેકો આપવાના ગાંધીજીના ઠરાવનો સી.આર.દાસ, બી.સી.પાલ, એની બેસેંન્ટ, સી.એફ.એંન્ડ્રુઝ, રવીન્દ્ર્નાથ ટાગોર, મહમદ અલી ઝીણા અને અન્ય લોકોએ વિરોધ કર્યો. ઠરાવનો ખૂબ વિરોધ થયો, છતાં એ પસાર થઇ ગયો. તરફેણમાં ૧૮૮૬ અને વિરોધમાં ૮૮૪ મતો પડ્યા.
ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વએ જ કોંગ્રેસને એમની પાછળ પાછળ ચાલવા મજબૂર કરી. ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે આ પહેલો જ પ્રસંગ હતો જેમાં ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ અસહકારનું એમનું બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, પણ સ્વરાજ્યના પ્રશ્ને નહીં.
ગાંધીજીએ ખિલાફતના મામલે મુસલમાનોને રાજી રાખવા ‘એવોર્ડ વાપસી’ શસ્ત્ર ઉગામ્યું. અંગ્રેજોએ ગાંધીજીને ‘કૈસરે હિન્દ’ તથા ‘જૂલુ’ અને ‘બોર યુદ્ધ’ પદક અર્પણ કર્યા હતા, ગાંધીજીએ ખિલાફત પ્રશ્ને મુસલમાનોના ટેકામાં આ એવોર્ડ પરત કરતાં ગાંધીજીએ લખ્યું હતું: ‘મારા માટે આ સન્માન અત્યંત મૂલ્યવાન રહ્યાં છે, પરંતુ મારા દેશના મુસ્લિમ ભાઇઓને એમની ભાવના વિરુદ્ધ કરાયેલા અન્યાયને કારણે કષ્ટ થાય છે, અને જ્યાં સુધી આ અન્યાય છે
ત્યાં સુધી હું એને ધારણ કરી શકું તેમ નથી. ખિલાફત આંદોલન સંદર્ભે આજે અસહકારનો જે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, એને ધ્યાને લઇ આ પદકોને પરત કરવાનું સાહસ કરી રહ્યો છું.’ (આર.સી.મજૂમદાર : હિસ્ટ્રી ઑફ ધ ફ્રીડમ મૂવમેંટ , ખંડ ૧૧, પૃ. ૩૩૨)
એ દિવસોમાં ખિલાફત અને સ્વરાજ્ય શબ્દોમાં કોઇ મોટો ભેદ રહ્યો નહોતો. અરે! ગાંધીજીએ તો ત્યાં સુધી કહી દીધું હતું: ‘ખિલાફતના પ્રશ્ને સફળતા મેળવવામાં જરૂર પડશે તો હું સ્વરાજ્યનો પ્રશ્ન મોકુફ રાખીશ.’ એ સમયે ગાંધીજીની આભાથી અનેક નેતા અંજાઇ ગયા હતા.
પરિણામે કોંગ્રેસના અનેક મહારથીઓ સાચા દિલથી માનવા લાગ્યા હતા કે આ કાર્ય દ્વારા જ મુસલમાનોને આપણા પક્ષે કરી શકાશે. લોકમાન્ય ટિળકે કર્ણાટકના નેતા ગંગાધરરાવ દેશ પાંડેને કહ્યું હતું: ‘ખિલાફત આંદોલનમાં મુસલમાનોને મદદ કરવાનો વિચાર એક નક્કર વિચાર છે. આથી બધાએ ગાંધીજીની નેતાગીરીને સમર્થન આપવું જોઇએ.’
૧૯૨૦ માં કલકત્તા કોન્ગ્રેસના અસાધારણ અધિવેશનના અધ્યક્ષપદેથી સંબોધન કરતાં લાલા લજપતરાયે કહ્યું હતું: ‘હિન્દુ – મુસ્લિમ એકતા ભારતના ઇતિહાસમાં એક નૂતન દિવસના આગમનનું પ્રતીક છે. આ અવસર ખોઇ નાખવો એ નરી મૂર્ખતા અને ટૂંકી દ્રષ્ટિ ગણાશે.’ સાથે સાથે એમણે એવી ચેતવણી પણ આપી હતી કે હિન્દુઓએ પોતાના મુસ્લિમ દેશવાસીઓને દેશ પ્રત્યેના એમના કર્તવ્ય સાથે મેળ ખાય એટલી હદ સુધી જ એમના અસહકાર આંદોલનમાં સાથ આપવો જોઇએ.’
પ્રસિદ્ધ આર્ય સમાજી નેતા સ્વામી શ્રધ્ધાનંદ પણ આંદોલનના એક કર્ણધાર હતા. દિલ્હીની જામા મસ્જિદના પ્રાંગણમાં મુસલમાનો અને હિન્દુઓની વિશાળ સભા સમક્ષ એમના ઓજસ્વી પ્રવચને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ દિવસોમાં સમાચારપત્રોમાં એક તસવીર પ્રગટ થઇ હતી. એ તસવીર હતી મોહમ્મદ અલી, શૌકતઅલી અને સૈફુદ્દીન કિંચૂલૂ સાથે પુરીપીઠના શંકરાચાર્યજીની.
‘હિન્દુ મુસ્લિમ એકતા‘ના આ ઢોલ-નગારામાં તર્ક અને ચેતવણીની તતૂડી કોણ સાંભળે? સર સૈયદ અહમદખાન અત્યંત કટ્ટર અલગતાવાદી માનસિકતા ધરાવતા હોવા છતાંય એમણે ખલીફાની સાર્વભૌમ સત્તાનો પ્રભાવ સમસ્ત મુસ્લિમ વિશ્વ પર છે એવી માન્યતાનો જોરદાર વિરોધ કર્યો હતો. એમણે મૌલાના શિબ્લી પાસે એક સંશોધનાત્મક અને વિદ્વતાપૂર્ણ લેખ લખાવી સાબિત કર્યું કે ખલીફાઓની પરંપરા તો ચોથા ખલીફાથી જ સમાપ્ત થઇ ગઇ હતી. એક બીજા મુસ્લિમ નેતા મહમદ અલી ઝીણાએ પણ ખિલાફતનો વિરોધ કર્યો હતો. તેઓ એમના સ્વભાવ અને માન્યતાને અનુરુપ જ ખિલાફતના આંદોલનથી અળગા રહ્યા. એમણે પોતે રાજકીય વનવાસ જાહેર કર્યો.
પરંતુ અલીભાઇઓના નેતૃત્વમાં શરુ થયેલા ખિલાફત આંદોલનમાં મૌલાના અબુલ કલામ આઝાદ, ડો. મુખ્તાર અહમદ અંસારી, શેખ શૌકત અલી સિદ્દીકી, સૈયદ અતાઉલ્લા શાહ બુખારી જેવા અનેક મુસ્લિમ અગ્રણીઓ તુર્કીની કટ્ટરવાદી ખિલાફતને બચાવવા કૂદી પડ્યા. આ બધા માત્ર નામના જ રાષ્ટ્રવાદી હતા. બાકી હાડોહાડ ઇસ્લામવાદી હતા. ભારત સહિત દુનિયામાં ઇસ્લામનો ઝંડો લહેરાય એ એકમાત્ર આ બધાનું સપનું હતું. ગાંધીજીએ પણ અસહકાર આંદોલનની આડમાં ખિલાફત આંદોલન ચલાવવાનો નિર્ણય લીધો હતો. ઇસ્લામના પ્રકાંડ પંડિત મૌલાના અબુલ કલામ આઝાદ તુર્કીની ખલીફાશાહી પ્રત્યે પૂરી શ્રદ્ધા ધરાવતા હતા. એ માનતા હતા કે આ આંતરરાષ્ટ્રીય ઇસ્લામના હિતમાં હતું. (આવી માનસિકતા ધરાવનાર વ્યક્તિ સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણમંત્રી બન્યા) મૌલાના અબુલ કલામે એ પણ કહ્યું કે દારુલ ઇસ્લામ (ભારત જેવા દેશ, જ્યાં ઇસ્લામનું શાસન નથી એવા) ના ક્ષેત્રો પર જે લોકોએ કબજો જમાવી દીધો છે, એમના વિરુધ્ધ ‘જેહાદ’ કરવી એ મુસ્લિમોનું ‘મજહબી’ કર્તવ્ય છે. મુસલમાનો માટે અંગ્રેજો સાથેનો સંઘર્ષ એક ‘જેહાદ’ હતી, તો હિન્દુઓ માટે એક દેશભક્તિની એક લલકાર હતી.’
એક તરફ ભારતમાં ખિલાફત આંદોલનની આગ ભડકી રહી હતી, તો બીજી બાજુ અંગ્રેજોના હાથનું રમકડું બનેલો તુર્કીનો સુલતાન અબ્દુલ મજિદ પોતે જ તુર્કીના લોકોના ગુસ્સાથી બચવા એક બ્રિટિશ જહાજમાં સવાર થઇ માલ્ટા નાસી ગયો.