ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 30
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 30
• ગાંધીજીએ ખિલાફત આંદોલનનું નેતૃત્વ લીધું
કોન્ગ્રેસ ઇસ્લામના ચાલ-ચરિત્રને જાણતી જ નહોતી. મુરખાઓના સ્વર્ગમાં રાચતી હતી. અંગ્રેજોના પડખામાં ભરાયેલા મુસલમાનોને અલગ પાડી એમને કોંગ્રેસના પડખામાં લાવવા માટે ખિલાફત આંદોલન એ સોનેરી તક છે એવો એમને વિશ્વાસ હતો. મુસલમાનોને ગાંધીજીએ આહવાન આપ્યું, ‘ઊઠો, જાગો કે પછી સદાને માટે ખતમ થઇ જાવ.’
ગાંધીજી આટલું કહીને ન અટક્યા, એનું આચરણ પણ શરૂ કરી દીધું. એમણે પોતે ખિલાફત આંદોલનનું નેતૃત્વ કર્યું.
ડો. બાબાસાહેબ લખે છે: ‘આ ચળવળ મુસ્લિમોએ આરંભી હતી. શ્રી ગાંધીએ મુસ્લિમોને ખુદને આશ્ચર્ય પમાડે તેવી મક્કમતાથી તથા શ્રદ્ધાથી તે ઉપાડી લીધી. ખિલાફત બચાવી શકાય તેમ ન હતી કારણ કે જેમના હિતમાં આ ચળવળ ચલાવવામાં આવી રહી હતી તે તુર્કો જ સુલતાનને (ખિલાફતને જાળવી રાખનાર કટ્ટરપંથી) ઈચ્છતા નહોતા. તુર્કો લોકશાહી ઇચ્છતા હતા.’
તુર્કીના ખલીફાની ખિલાફત-જે એક અર્થમાં ઇસ્લામિક કટ્ટર વિચારધારા હતી એને બચાવવાની ભારતના મુસલમાનોની ચળવળમાં કોન્ગ્રેસ પણ જોડાઇ. ખિલાફતના સમર્થનમાં મુસ્લિમ લીગ મેદાનમાં ઉતરી. આ બાબતની ચર્ચા માટે મુસ્લિમ લીગે બોલાવેલા સંમેલનમાં કોન્ગ્રેસના નેતા પણ સામેલ થયા. કોન્ગ્રેસ ઇસ્લામના ચાલ-ચરિત્રને જાણતી જ નહોતી. મુરખાઓના સ્વર્ગમાં રાચતી હતી. અંગ્રેજોના પડખામાં ભરાયેલા મુસલમાનોને અલગ પાડી એમને કોંગ્રેસના પડખામાં લાવવાની આ સોનેરી તક છે એવો એમને વિશ્વાસ હતો. તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ મોતીલાલ નહેરુએ કહ્યું: ‘રાષ્ટ્રના એક અંગની ગંભીર ફરિયાદ હોય ત્યારે રાષ્ટ્રનું બીજું અંગ હાથ જોડીને બેસી રહે એ શક્ય નથી.’
ગાંધીજીએ ખિલાફતના સમગ્ર પ્રશ્ને વૈચારિક આધાર આપ્યો: ‘ખિલાફત આંદોલન કોઇ એક વ્યક્તિ પર કેંન્દ્રિત નથી. પરંતુ એ એક વિચાર પર કેન્દ્રિત છે. આ વિચાર એક સાથે લૌકિક, આધ્યાત્મિક તેમજ રાજકીય છે. તુર્કી પોતાનું રક્ષણ પોતાની જાતે નહિ કરી શકે. સંસારના મુસલમાનો પોતાની વૈચારિક શકિત અને સક્રિય સહાનુભૂતિ દ્વારા તુર્કોને સાથ નહિ આપે તો બન્નેને કષ્ટ વેઠવાં પડશે એમાં કોઇ શંકા નથી. આવી કોઇપણ ઘટના એ આંતરરાષ્ટ્રીય આફત હશે. કારણ કે મારા મતે જેટલું ઇસાઇયત કે બીજા કોઇ ધર્મનું મહત્વ છે એટલું જ ઇસ્લામનું એટલું જ મહત્વ છે. સંકટની આ પળે તુર્કોને સાથ આપવામાં વીરધર્મ છે.’
ગાંધીજીએ વ્યાવહારિક સ્તરે પણ એનું સમર્થન કર્યું: ‘ખિલાફતના પ્રશ્ને બન્ને સમુદાયોને આજીવન એક બની જવાનો અવસર આવ્યો છે. મુસલમાનો સાથે જો કાયમી મૈત્રી સ્થપાય એમ હિન્દુઓ ઇચ્છતા હોય તો એમણે ઇસ્લામના સન્માનની રક્ષા માટેના યજ્ઞમાં મુસલમાનો સાથે એમણે પણ પોતાને હોમી દેવા જોઇએ.’
મુસલમાનોને ગાંધીજીએ આહવાન આપ્યું, ‘ઊઠો, જાગો કે પછી સદાને માટે ખતમ થઇ જાવ.’
ગાંધીજી આટલું કહીને ન અટક્યા, એનું આચરણ પણ શરૂ કરી દીધું. એમણે પોતે ખિલાફત આંદોલનનું નેતૃત્વ કર્યું.
ડો. બાબાસાહેબ આંબેડકર ગાંધીજીએ મુસ્લિમોને પણ આશ્ચર્ય થાય એ હદે ખિલાફતને ટેકો આપ્યો એ બાબાતે ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘ઈ.સ. 1919 માં મુસ્લિમોએ ખિલાફત ચળવળ શરૂ કરી. આ ચળવળનો હેતુ બેવડો હતો. એક તો ખિલાફતને જાળવવાનો અને બીજો તુર્કી સામ્રાજ્યની અખંડિતતા જાળવવાનો. બન્ને હેતુઓને ટેકો ન આપી શકાય તેવા હતા. ખિલાફત બચાવી શકાય તેમ ન હતી કારણ કે જેમના હિતમાં આ ચળવળ ચલાવવામાં આવી રહી હતી તે તુર્કો જ સુલતાનને (ખિલાફતને જાળવી રાખનાર કટ્ટરપંથી) ઈચ્છતા નહોતા. તે
પ્રજાસત્તાક-લોકશાહી રાજ્ય ઇચ્છતા હતા અને જ્યારે તેઓ રાજાશાહીમાંથી પ્રજાસત્તાક રાજ્યમાં જવા માગતા હોય ત્યારે તુર્કસ્તાનમાં રાજાશાહી રાખવાની તુર્કોને ફરજ પાડવી તે સાવ ગેરવાજબી હતું. તુર્કી સામ્રાજ્યની અખંડિતતાનો આગ્રહ પણ રાખી શકાય તેમ નહોતો કારણ કે તેનો અર્થ એક જ અને ભિન્ન ભિન્ન રાષ્ટ્રીયતાઓની તુર્કી શાસન નીચે ગુલામી, ખાસ કરીને આરબોની શાશ્વત ગુલામી અને તે પણ જ્યારે સહુ શાંતિસમજૂતીના આધારે તરીકે આત્મનિર્ણયના અધિકારને સ્વીકારવા તૈયાર થયા હોય ત્યારે.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 164-165)
ડો. બાબાસાહેબ આગળ લખે છે:
‘આ ચળવળ મુસ્લિમોએ આરંભી હતી. શ્રી ગાંધીએ મુસ્લિમોને ખુદને આશ્ચર્ય પમાડે તેવી મક્કમતાથી તથા શ્રદ્ધાથી તે ઉપાડી લીધી. અનેક લોકો એવા હતા જેમને ખિલાફત ચળવળના નૈતિક આધાર અંગે શંકા હતી અને જે ચળવળનો નૈતિક આધાર આટલો વિવાદાસ્પદ હોય એવી ચળવળમાં કોઈ પણ રીતે ભાગ લેતા શ્રી ગાંધીને અટકાવવા તેમણે પ્રયત્ન કર્યો. શ્રી ગાંધીને પોતાને ખિલાફત ચળવળના ન્યાયીપણા અંગે એવી તો સંપૂર્ણ શ્રદ્ધા હતી કે તેમણે તેમની સલાહ માનવાનો પણ ઈનકાર કરી દીધો. તેમણે વારંવાર દલીલ કરી હતી કે તેમનો હેતુ ન્યાયી હતો અને તેમાં જોડાવું તે તેમનું કર્તવ્ય હતું. તે જે પક્ષે ઊભા રહ્યા તે તેમના પોતાના (ગાંધીજી) શબ્દોમાં જણાવી શકાય.
(1) મારી દ્રષ્ટીએ તુર્કસ્તાનનો દાવો માત્ર નીતિપૂર્ણ અને ન્યાયી છે એટલું જ નહિ પણ અતિ વ્યાજબી પણ છે.
(2) હું તુર્કને શક્તિહીન, અસમર્થ અને ક્રૂર માનતો નથી.
(3) મેં અગાઉ જાહેર કર્યું જ છે કે મને ભારતના મુસ્લિમોમાં જો રસ ન હોત તો મેં ઓસ્ટ્રિયાવાસીઓના કે પોલેન્ડવાસીઓના કલ્યાણમાં જેટલો રસ ન લીધો હોત તેટલો જ રસ તુર્કોના કલ્યાણમાં પણ મેં ન લીધો હોત. પણ ભારતીય તરીકે મારા ભારતીય (મુસ્લિમો) બાંધવોની યાતનાઓ તથા કસોટીઓમાં ભાગ લેવાનું મારું કર્તવ્ય છે. જો હું મુસ્લિમને મારો ભાઈ માનતો હોઉં તો તેને તેના આ સંકટ સમયમાં, જો તેનો હેતુ મને ન્યાયી લાગતો હોય તો, પૂરી શક્તિથી તેને સહાય કરવાની મારી ફરજ છે.
(4) હિંદુઓએ મુસ્લિમોને કેટલી હદ સુધી સાથ આપવો જોઈએ તેની સાથે ચોથા મુદ્દાને સંબંધ છે. એટલે જ તે લાગણી તથા અભિપ્રાયનો પ્રશ્ન છે. મારા મુસ્લિમ ભાઈ માટે, તેના ન્યાય કારણસર વધુમાં વધુ સહેવું શાણપણભર્યું છે.
ખિલાફતના હેતુમાંથી શ્રી ગાંધી મુસ્લિમો સાથે માત્ર સંમત જ થયા એટલું નહિ પણ તે તેમના માર્ગદર્શક તથા મિત્ર પણ બન્યા. મોટા ભાગના લોકો એમ માનવા લાગ્યા કે કોંગ્રેસે જ આ અસહકારનું આંદોલન શરૂ કર્યું છે અને તે સ્વરાજ્ય મેળવવાના હેતુસર શરૂ કરાયું છે. ખિલાફત ચળવળમાં શ્રી ગાંધીએ જે ભાગ ભજવ્યો તે તથા ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વચ્ચેના સંબંધો અસ્પષ્ટ બની ગયા.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 164-165)
સપ્ટેમ્બર 1920માં કલકત્તામાં કોંગ્રેસનું તાત્કાલિક સંમેલન મળ્યું. ગાંધીજીએ ખિલાફતના પ્રશ્ને કોંગ્રેસ અસહયોગ આંદોલનની શરૂઆત કરે એવો ઠરાવ મૂક્યો. ઠરાવના મૂળ મુસદ્દામાં કેવળ ખિલાફતનો જ પ્રશ્ન હતો; પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ વિજય રાઘવાચારી તથા બીજા લોકોના આગ્રહથી એમાં સ્વરાજ્યની માગણી, ક્રૂરતાપૂર્ણ રોલેટ એક્ટ તથા જલિયાવાલા બાગના પૈશાચિક હત્યાકાંડનો વિરોધ પણ સમાવી લેવામાં આવ્યો. પાછળથી બે વિષયો ઉમેરવાનો હેતુ હિન્દુઓનો સહયોગ મેળવવા માટે હતો.