Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 29


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 29


•તુર્કીની ખિલાફત બચાવવા કોંગ્રેસ કૂદી પડી


તુર્કીમાં એક અતિ પ્રતિભાશાળી ક્રાંતિકારી નેતા મુસ્તફા કમાલપાશાનો જન્મ થયો. એણે ખલીફાના ભ્રષ્ટ, કટ્ટર અને નબળા શાસનને ઉખાડી ફેંકી દીધું અને તુર્કીને એક આધુનિક રાષ્ટ્રવાદી વિચારધારા પર આધારિત એક નવા અને સશક્ત તુર્કીદેશ બનાવવાનો નિશ્વય કર્યો. દુનિયાભરના મુસલમાનોને એ મંજૂર નહોતું.

તુર્કીમાં ખિલાફતને થયેલ અન્યાય અંગે વિસ્તારથી ચર્ચા કરી અને કોંગ્રેસના નેતાઓને સહકાર આપવા આમંત્રણ આપ્યું. કોન્ગ્રેસી નેતા મુસ્લિમ લીગના નિમંત્રણથી ગાંડાઘેલા થઇ ગયા. પંડિત મોતીલાલ નહેરુ, પંડિત મદનમોહન માલવીય અને ગાંધીજી જેવા મોટા ભાગના પ્રખ્યાત નેતાઓએ ઉત્સાહપૂર્વક એનું સ્વાગત કર્યું

પહેલું વિશ્વયુધ્ધ (1914-18) પૂરું થયું ત્યારે એવી કેટલીક નવી શક્તિઓનો ઉદય થયો, જેનો ભારતની આંતરિક સ્થિતિ પર પ્રભાવ પડ્યો. આ શક્તિઓનો ઉદય મુખ્યત્વે યુદ્ધ પછી તુર્ક સામ્રાજ્યને છિન્નભિન્ન કરવાની બ્રિટિશ નીતિ-રીતિને કારણે થયો હતો. યુદ્ધ સમય દરમિયાન તુર્કીને ખોખલુ કરવા માટે તુર્ક સાર્વભૂમિને આધીન કેટલાંક રાજ્યોને સ્વતંત્ર રાજ્ય બનાવી દેવાના પ્રલોભનો આપી બ્રિટને યુદ્ધ સમાપ્ત થાય પછી એ વચનો પૂરાં કરવાનું કહ્યું હતું. યુદ્ધમાં જર્મની અને તુર્કીની હાર પછી તુર્ક સામ્રાજ્યના જ એક ભાગરૂપ રહેલ અરબ દેશને એક અલગ સ્વતંત્ર રાજ્ય બનાવી દેવાયું. જોર્ડન, સીરિયા, લેબનોન, ફિલિસ્તાન અને ઇરાક પણ તુર્કીના આધિપત્યને લાત મારી સ્વતંત્ર થઇ ગયા.
આ દરમ્યાન તુર્કીમાં એક અતિ પ્રતિભાશાળી ક્રાંતિકારી નેતા મુસ્તફા કમાલપાશાનો પ્રાદુર્ભાવ થયો. એણે ખલીફાના ભ્રષ્ટ, કટ્ટર અને નબળા શાસનને ઉખાડી ફેંકી દીધું અને તુર્કીને એક આધુનિક રાષ્ટ્રવાદી વિચારધારા પર આધારિત એક નવા અને સશક્ત તુર્કીદેશ બનાવવાનો નિશ્વય કર્યો. ખલીફા તુર્કીનો પરંપરાગત સુલતાન હતો અને એને જગતમાં અલ્લાહનો પ્રતિનિધિ અને સમસ્ત ઇસ્લામી જગતનો પંથગુરુ માનવામાં આવતો હતો, પરંતુ કમાલપાશાએ પોતાના દેશને અરબવાદ અને મુલ્લા-મૌલવીઓની કટ્ટર નાગચૂડમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો. એના આ કાર્યમાં ઇસ્લામના કહેવાતા જે કોઇ સમર્થકોએ રોડાં નાખ્યાં એમને એણે કઠોરતાપૂર્વક દબાવી દીધાં.
તુર્કીને ઇસ્લામી જડતામાંથી મુક્ત એક આધુનિક બનાવવા માટેના આમૂલ પરિવર્તનના આ કાર્યમાં કમાલપાશાને મુસ્લિમ જગતના પ્રગતિશીલ સુધારાના પ્રેરક મનાતા જમાલુદ્દીન અફઘાનીનો ભરપૂર ટેકો મળ્યો. અફઘાની અરબ હતા અને 1938માં એમનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. જમાલુદ્દીન મુસ્લિમ વિદ્વાન હતા અને એમણે બધા જ મુસ્લિમ દેશોમાં એક ઉદાર સુધારાવાદી આંદોલનની વકીલાત કરી હતી. એમણે આધુનિક જ્ઞાનનો લાભ મેળવી બૌદ્ધિક પ્રગતિ કરવી હશે તો ભૂતકાળને વળગી રહેવાની આદત છોડવી પડશે એ વાત પર ભાર મૂક્યો.
ઇસ્લામનો ઉદારમાં ઉદાર વિકાસ કરી શકાય છે એમ એમનો દાવો હતો. એમણે કહ્યું સુન્ની ઇસ્લામ બન્ને કામ કરી શકે છે: એક તો એ કેવળ માનવીય આત્માની ઊંચામાં ઊંચી આવશ્યકતાઓ પૂરી કરી શકે છે અને બીજું તે આધુનિક જીવનની આવશ્યકતાઓનો મેળ પણ બેસાડી શકે છે, પરંતુ મુસ્લિમ વિચારધારા સૈકાઓ જૂના અને પૂર્વગ્રહથી મુક્ત થાય તો જ આ શક્ય છે.’ (એમ.એ.કરંકદીર : ઇસ્લામ એન ઇંડિયાઝ ટ્રાંજિશન ટુ મોર્ડનિટી, પૃ. 144-45) એમણે મુસલમાનોની બૌદ્ધિક શક્તિને બુઠ્ઠી કરી દેનાર તુર્કીના ખલીફાના નિરંકુશ શાસનની ટીકા કરી. તેઓ માનતા હતા કે અમીર-ઉલ-મોમિનીન એટલે કે ખલીફા સ્વરૂપે તુર્કીનો સુલતાન કેવળ નિરંકુશ વ્યવહાર કરતો હતો અને આધ્યાત્મિક પ્રગતિ પ્રત્યે કોઇ ધ્યાન આપતો ન હતો . તુર્કીના ખલીફાએ વિશ્વભરના આધ્યાત્મિક નેતાની એની ભૂમિકા છોડી દીધી હતી, તો રૂઢિવાદી ઉલેમાઓએ મજહબી ક્ષેત્રે પોતાની કટ્ટરતાથી સમગ્ર પ્રગતિને જ કુંઠિત કરી દીધી હતી. ઇસ્લામને આવા બંધિયાર, જડ અને કટ્ટર બંધનોથી મુક્ત કરવાનું એ એમનું સપનું હતું.
4 નવેમ્બર 1914ના દિવસે તુર્કી જર્મન શિબિરમાં સામેલ થઇ ગયું, એ દિવસથી ભારતના મુસલમાનો પણ અંગ્રેજોથી કતરાતા રહ્યા. યુદ્ધ સમાપ્ત થતાં જ તુર્કી સામ્રાજ્યને છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યું. ખલીફાની સાર્વભોમ સત્તાની અંતિમ પળો ગણાતી હતી ત્યારે જ અંગ્રેજો વિરુદ્ધના મુસ્લિમ આક્રોશમાં એક નવી તેજી આવી ગઇ. ભારતના મુસલમાનો તુર્કી આધુનિકતાના માર્ગે જાય કે ઇસ્લામનો કાયાપલટ થાય એ નહોતા ઇચ્છતા. એ પણ તુર્કીની ખલીફા બચાવવા માંગતા હતા.
પહેલી જ વાર મુસલમાનોએ હિન્દુઓને યાદ કર્યા. તેઓ સારી રીતે જાણતા હતા કે હિન્દુઓના સહયોગથી જ અંગ્રેજોનો જોરદાર પ્રતિકાર કરી શકાશે. ખિલાફત સંમેલનમાં બોલતાં મૌલાના અબ્દુલ બારીએ કહ્યું: જો એમણે હિન્દુઓનો સહયોગ ન લીધો તો ‘મુસલમાનોએ હિન્દુઓનો સહયોગ ન લીધો તો એમનું સન્માન સંકટમાં આવી જશે, તો હું મારા તરફથી તો હું એટલું જ કહીશ કે હિન્દુઓનો સહયોગ મળે કે ન મળે, પણ આપણે એક જ ભૂમિનાં સંતાન હોવાથી આપણે ગૌવધ બંધ કરી દેવો જોઇએ. એક મૌલવી હોવાના નાતે હું કહું છું કે સ્વેચ્છાએ ગોવધ બંધ કરી આપણે આપણા મજહબી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતા નથી. ખિલાફતના પ્રશ્ને હિન્દુઓએ આપણને જે સહયોગ આપ્યો છે એ હિન્દુ-મુસ્લિમ એકતામાં સૌથી વધુ મદદરૂપ સાબિત થયો છે.’ (રામગોપાળ : ઇંડિયન મુસ્લિમ્સ, પૃ 138) ડિસેમ્બર 1919ના અધિવેશનમાં મુસ્લિમ લીગે તુર્કીમાં ખિલાફતને થયેલ અન્યાય અંગે વિસ્તારથી ચર્ચા કરી અને કોંગ્રેસના નેતાઓને સહકાર આપવા આમંત્રણ આપ્યું. કોન્ગ્રેસી નેતા મુસ્લિમ લીગના નિમંત્રણથી ગાંડાઘેલા થઇ ગયા. પંડિત મોતીલાલ નહેરુ, પંડિત મદનમોહન માલવીય અને ગાંધીજી જેવા મોટા ભાગના પ્રખ્યાત નેતાઓએ ઉત્સાહપૂર્વક એનું સ્વાગત કર્યું. આ ભયાનક ભૂલ હતી, જે દેશને ભારે પડવાની હતી.


ક્રમશ: ©kishormakwana


Spread the love