Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 25


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 25


• મુસલમાનોમાં પણ શરુ થયો ગણગણાટ…


ટીળકના નેતૃત્વમાં કૉંગ્રેસે સ્વતંત્રતા સંગ્રામના સંઘર્ષની આ નિર્ણાયક પળે કઇ નીતિ અપનાવી ? મોટેભાગે એના પર જ ભારતના રાષ્ટ્રીય ઘટનાક્રમના ભવિષ્યનો આધાર હતો. પરંતુ કૉંગ્રેસ શરુઆતથી જ અંગ્રેજોએ બીછાવેલી વૈચારિક જાળમાં આબાદ ફસાઇ ગઇ. કોન્ગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણની ખાઇ તરફ ઘકેલાઇ. કોન્ગ્રેસ તો ધકેલાઇ પણ દેશ પણ એ તરફ ધકેલાયો !

ગણેશોત્સવ અને શિવાજી- સ્વરાજ્ય જેવા ઉત્સવોથી દેશભરમાં સ્વતંત્રતા થવા માટેની હવા જામી રહી હતી. રાષ્ટ્રીય વાતાવરણમાં સ્વદેશી અને સ્વરાજ્યની બોલબાલા હતી. અનેક વિચારવાન મુસલમાનો પણ ખુલ્લેઆમ મુસ્લિમ અલગતાવાદીઓનો વિરોધ કરવા માંડયા હતા.
મૌલવી શિબ્લી નોમાની એક સુપ્રસિદ્ધ ઇસ્લામી વિદ્વાન હતા. 15 વર્ષ સુધી અલીગઢ કૉલેજમાં સર સૈયદ અહમદના સહયોગી રહી ચૂક્યા હતા. સર સૈયદ અહમદે અલગતાવાદ અને કટ્ટરવાદનો રાગ આલાપ્યો એ પ્રત્યે ઘોર નિરાશા અને દુ:ખ પ્રકટ કરતાં મૌલવીએ લખ્યું છે કે આ કેવું દુ:ખદ પતન છે! તેઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા! એક કટ્ટર રાષ્ટ્રવાદીની ઉચ્ચ ભૂમિકાથી સરીને મુસ્લિમ અલગતાવાદના પ્રબળ સમર્થકની ખાઇમાં જઇ પડ્યા. ‘ક્યાં ગયો એ સિંહ હૃદયી માણસ જેણે ‘પંજાબ યુનિવર્સિટી બિલનો વિરોધ કરીને લોર્ડ લિટનની દરેક દલીલના લીરેલીરા ઉડાડી દીધા હતા અને જેણે ત્રણ લેખોમાં ભારતની માગણીની એવી જોરદાર વકીલાત કરી હતી કે જેની બરાબરી કોંગ્રેસ પણ કરી શકતી ન હતી, ક્યાં ગયો એ દેશભક્ત જે બંગાળીઓને દેશના શિરમોર કહેતો હતો ! અમે આભારી છીએ કે એમના રાષ્ટ્રીયતાના વિચાર અમને મળ્યા. કુદરત તો ઇચ્છતી હતી કે તેઓ સમગ્ર હિંન્દુસ્થાનના નેતા બને, પરંતુ પરિસ્થિતિ અને એની આસપાસના વાતાવરણે એમને મજબૂર કર્યા કે તેઓ મુસલમાનોને રાષ્ટ્રીય આંદોલનમાં તેમની ભૂમિકા ભજવતા અટકાવે, આવું કેમ બન્યું ? કયા કારણે અચાનક જ આ પરિવર્તન થયું ? હવે આ પ્રશ્નોના જવાબ આપવા વ્યર્થ છે, પરંતુ એટલું અવશ્ય છે કે એમની નીતિઓ પાછળ આંખ મીંચીને ચાલવાનો જમાનો વીતી ગયો છે, હવે નવેસરથી વિચારવાનો સમય આવી પહોંચ્યો છે.’ (અશોક મહેતા એન્ડ

પટવર્ધન: ધ કમ્યુનલ ટ્રાયેંગિલ ઇન ઇન્ડિયા, પૃ. 23-24)

સર સૈયદ અહમદના બીજા કેટલાક સાથીઓ પણ એમનાથી અલગ થઇ ગયા હતાં. અલીગઢ કૉલેજના સચિવ નવાબ-વિકાર ઉલ-મુલ્કે 1907માં લખ્યું હતું:

‘ગઇ શતાબ્દીનાં અંતિમ વર્ષો સુધી અલીગઢ કૉલેજના અનેક ટ્રસ્ટી એવો અનુભવ કરવા માંડ્યા હતા કે સર સૈયદની નીતિ બાબતે ગંભીર પરિવર્તન થવું જોઇએ. સર સૈયદે સમુદાયની જે અમૂલ્ય સેવાઓ કરી હતી, એ આભારને વશ થઇને એમણે સર સૈયદનો ખુલ્લેઆમ વિરોધ કર્યો નહિ. અમારો વિચાર હતો કે કૌમના હિતમાં અમે અમારા મનની વાત કહી દઇએ અને સર સૈયદ પ્રત્યે અમારી જે વ્યક્તિગત નિષ્ઠા તેમજ એમના પ્રત્યે અમારી જે શ્રધ્ધા છે, એને અમે હવે આ કામમાં બાધક નહિ બનવા દઇએ. તેને અનુલક્ષીને મેં એક લેખ લખ્યો, પરંતુ એ દરમિયાન અમને સર સૈયદના મૃત્યુના દુ:ખદ સમાચાર મળ્યા. એમના મૃત્યુના સમાચારથી કૌમને એક ઊંડો આઘાત લાગ્યો એ જોતાં, સ્વાભાવિક હતું કે આ લેખ છાપવાનો વિચાર માંડી વાળવો પડ્યો.’ (અશોક મહેતા એન્ડ

પટવર્ધન: ધ કમ્યુનલ ટ્રાયેંગિલ ઇન ઇન્ડિયા, પૃ. 25)

મુંબઇ અને કલકત્તાના કૉંગ્રેસ અધિવેશનોના અધ્યક્ષપદે રહેલા સૈયદ હસન ઇમામે એવા સિદ્ધાંત પર ભાર મૂક્યો કે દરેક ભારતીયે પ્રથમ ભારતીય થવું જોઇએ, અને બધી વાતો એ પછીની છે. 1910માં પણ એમણે અલગ મતદાર-મંડળની રચનાનો ઘોર વિરોધ કર્યો હતો, કારણ કે એનાથી અલગતાવાદની ભાવના પેદા થતી હતી. એમ.એ.એન. હૈદરીએ કલકત્તામાં મુસ્લિમ શૈક્ષણિક પરિષદમાં અધ્યક્ષીય ભાષણ કરતાં એ વાત પર ભાર મૂક્યો કે દેશની સમાન પરંપરાઓનો સ્વીકાર કરવાે એ ભારતીય રાષ્ટ્રવાદનો મૂળ મંત્ર છે.

વિદેશોમાં બનેલા બનાવોએ પણ ભારતના મુસ્લિમ માનસમાં અંગ્રેજ વિરોધી ભાવનાઓ જાગૃત કરી. રાષ્ટ્રવાદી ભાવનાઓ અને આકાંક્ષાઓ તુર્કી અને પર્શિયા જેવા મુસ્લિમ દેશોમાં પણ હિલોળે ચઢી હતી. એની લહરો ભારતના તટે પણ અથડાવા લાગી હતી. અંગ્રેજોના કેટલાક આંતરરાષ્ટ્રીય ષડયંત્રોએ કેટલાક મુસ્લિમ દેશોના હિતો પર ઘા કર્યો. એ કારણે પણ અંગ્રેજો પ્રત્યે આક્રોશ વધ્યો. ભારતનાં મુસલમાનોએ આની સામે રોષ પ્રકટ કર્યો. તેઓ અંગ્રેજોને સાથ આપતાં અચકાવા લાગ્યા.

આ પ્રકારની સ્થિતિ 1915-16ના અરસામાં ભારતમાં હતી. પરસ્પર વિરોધી શક્તિઓનું આકર્ષણ અને વિકર્ષણનું એક સંવેદનશીલ સંતુલન હતું. એક બાજુ અંગ્રેજોની વિવિધ ચાલો હતી, દા. ત. અલીગઢ આંદોલન, બંગાળના ભાગલા, મોર્લે-મિંન્ટો સુધારા, મુસલમાનોને વિશેષ અધિકારો, મુસલમાનોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહથી કાપીને પોતાના પક્ષે રાખવા મુસ્લિમ લીગને ઉત્તેજન વગેરે.

બીજી બાજુ એવા બનાવો પણ બન્યા જેણે રાષ્ટ્રીયતાને બળવત્તર બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. દા. ત. બંગાળના ભાગલાને કારણે રાષ્ટ્રીય ઉથલપાથલ-અંગ્રેજોએ ભાગલા રદ કરવા પડ્યા એ સફળતા, ક્રાંતિકારી વીરોનો પ્રેરણાદાયક યુગ, ટિળકના ગતિશીલ નેતૃત્વમાં કૉંગ્રેસનો કાયાપલટ, જન આંદોલન તેમજ દેશભરમાં અંગ્રેજ-વિરોધી ભાવનાઓનો ઉદય.

ટીળકના નેતૃત્વમાં કૉંગ્રેસે સ્વતંત્રતા સંગ્રામના સંઘર્ષની આ નિર્ણાયક પળે કઇ નીતિ અપનાવી ? મોટેભાગે એના પર જ ભારતના રાષ્ટ્રીય ઘટનાક્રમના ભવિષ્યનો આધાર હતો. પરંતુ કૉંગ્રેસ શરુઆતથી જ અંગ્રેજોએ બીછાવેલી વૈચારિક જાળમાં આબાદ ફસાઇ ગઇ. કોન્ગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણની ખાઇ તરફ ઘકેલાઇ. કોન્ગ્રેસ તો ધકેલાઇ પણ દેશ પણ એ તરફ ધકેલાયો!


ક્રમશ: ©kishormakwana


Spread the love