ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 19
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 19
•અંગ્રેજોના આશીર્વાદથી મુસ્લિમ લીગની સ્થાપના
મુસલમાન નેતાઓને હવે લાગતું હતું કે અંગ્રેજોના આશીર્વાદથી જો કોઇ કાયમી રાજકીય સંસ્થા બનાવવામાં આવે તો આગળ જતાં તે ‘સોનાના ઇંડા આપતી મુરઘી’ સાબિત થઇ શકે એમ છે.
નવાબ સલીમુલ્લા ખાનની આગેવાની હેઠળ ઢાકામાં અગ્રણી મુસલમાનોનું એક સંમેલન મળ્યું અને 30 ડિસેમ્બર, 1906ના રોજ ‘અખિલ ભારતીય મુસ્લિમ લીગ’ની સ્થાપના થઇ. આગાખાનને એના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
મુસલમાનોને ખુશ કરવાની અંગ્રેજોએ જે નીતિ રીતિ બનાવી એનાથી શું પરિણામ આવ્યું, એ વિશે આગાખાને પોતાના સંસ્મરણોમાં લખ્યું છે : ‘લોર્ડ મિન્ટોએ અમારી માગણી સ્વીકારીને ભાવિ બંધારણીય પ્રસ્તાવોનો પાયો રચ્યો એનું અંતિમ અનિવાર્ય પરિણામ એ આવ્યું કે ભારતના ભાગલા થયા અને પાકિસ્તાન બન્યું.’ (ધ મેમૉઇસ ઑફ આગાખાન : પૃ. 94)
‘અંગ્રેજ ગોળમેજી દળ’ના એક અગ્રણી સભ્ય અને બ્રિટિશ સામ્રાજ્યવાદના પ્રબળ ટેકેદાર લિયોનલ કર્ટિસે અંગ્રેજોની આ ચાલની આકરા શબ્દોમાં ટીકા કરી. એમના કહેવા મુજબ અલગ મતદાર-મંડળોની આ ચાલ ચાલીને અંગ્રેજોએ વિશ્વાસઘાત કર્યો છે. એમણે ભવિષ્યવાણી કરી: ‘પોતાની દુર્બળતા અને શિક્ષણના ક્ષેત્રમાં પોતાના પછાતપણાના વાસ્તવિક કારણો દૂર કરવાને બદલે મુસલમાનને કૃત્રિમ સંરક્ષણની ટેવ પડી જશે. આ તો એના જેવીવાત છે કે જેમ કોઇ અશક્ત પરંતુ સ્વસ્થ વ્યક્તિને નિયમિત વ્યાયામની સલાહ આપવાને બદલે શક્તિવર્ધક દવાઓ આપવાનું કહેવામાં આવે. મને લાગે છે કે જો આ સિદ્ધાંત ચાલુ રહ્યો તો આપણે ભારત પર એક નવી જાતિ-વ્યવસ્થા લાદીશું જે વર્ષોવર્ષ ઊધઈની જેમ એને અંદરથી કોરી ખાશે. મારો મત છે કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની ગોઠવણ સ્વીકારીને આપણે વિશ્વાસનો ભંગ કર્યો છે. આ ઊધઇ આ દેશની અંદર એટલી તો ઊંડે ઘર કરી ગઇ છે કે એને એકાએક નષ્ટ કરી શકાય એમ નથી. થોડાક વર્ષો પહેલાં આ વ્યવસ્થાને તિલાંજલિ આપી શક્યા હોત.’
લિયોનલ કર્ટિસ કેટલો સાચો પુરવાર થયો. આજે પણ આ ઊંધઇ એમની એમ છે. આઝાદી પછી કોન્ગ્રેસે એ ઊંધઇને વધું ફેલાવી.
રેમ્જે મૈકડોનાલ્ડે-જેઓ પછી બ્રિટનના વડાપ્રધાન બન્યા, ‘આગાખાન પ્રતિનિધિ મંડળ’ની કડક ટીકા કરી. એમણે કહ્યું છે : ‘મુસ્લિમ નેતાઓને કેટલાક એગ્લો-ઇંડિયન અધિકારીઓએ ઉશ્કેર્યા હતા. આ અધિકારીઓએ સિમલા અને લંડનમાં દાવપેચ ખેલ્યા અને મુસલમાનોને ખાસ સગવડો આપીને જાણીજોઇને યોજનાબદ્ધ હિન્દુઓ અને મુસલમાનોમાં ભાગલાનાં બીજ વાવ્યાં.’
ભારત સંબંધી પોતાના પુસ્તકમાં રૈમ્જે મૈકડોનાલ્ડ આગળ લખે છે : ‘મુસ્લિમ સમુદાયના કેટલાક દીર્ઘદ્રષ્ટા લોકો એવો અનુભવ કરવા લાગ્યા છે કે એમણે ભૂલ કરી છે. એ પૈકી અનેક લોકોએ ખૂબ કડવા શબ્દોમાં પોતાના કેટલાક નેતાઓની આ વાત માટે ટીકા કરી છે કે તેઓ એંગ્લો-ઇંડિયન અધિકારીઓના ઇશારે નાચવા માટે તૈયાર થઇ ગયા છે. કેટલાક અન્ય લોકો, જે આ ઘટનાની હજીય તરફેણ કરે છે એમને આભાસ થતો જાય છે કે ભવિષ્યમાં સંકટ છે અને એમને હજી વધુ સંરક્ષણ મળ્યું હોત જો એમણે આટલી બધી માગણીઓ કરી ન હોત. એ પૈકી કેટલાકના મનમાં એ વિશેષાધિકારો બચાવી લેવાની લાલસા પેદા કરી શકાય એમ છે જે એમને પૂર્વ બંગાળ અને પંજાબમાં આપવામાં આવ્યા છે જ્યાં વાસ્તવમાં એમની બહુમતી છે.’ (જે. રૈમ્જે મૈકડોનાલ્ડ : અવેકનિંગ ઑફ ઇંડિયા, પૃ. 179)
બ્રિટિશ-મુસ્લિમ ધરીએ પોતાનાં લક્ષ્યોની પૂર્તિ માટે નવી નવી યોજનાઓ તૈયાર કરવા માંડી.
મુસ્લિમ નેતાઓને લોર્ડ મિન્ટો સાથેની બેઠકમાં આશાથીય વધુ પુરસ્કાર મળ્યો હતો. એમને હવે લાગતું હતું કે અંગ્રેજોના આશીર્વાદથી જો કોઇ કાયમી રાજકીય સંસ્થા બનાવવામાં આવે તો આગળ જતાં તે ‘સોનાના ઇંડા આપતી મુરઘી’ સાબિત થઇ શકે એમ છે. તે અનુસાર નવાબ સલીમુલ્લા ખાનની આગેવાની હેઠળ ઢાકામાં અગ્રણી મુસલમાનોનું એક સંમેલન મળ્યું અને 30 ડિસેમ્બર, 1906ના રોજ ‘અખિલ ભારતીય મુસ્લિમ લીગ’ની સ્થાપના થઇ. આગાખાનને એના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા.