ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 18
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને પ્રસિદ્ધ લેખક, પત્રકાર શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ 18
• મુસ્લિમોને અલગ રાજકીય લાભો આપવામાં આવ્યા
ડૉ. આંબેડકર કહે છે કે ‘વાઇસરોય લોર્ડ ડફરિનના ભેજામાંથી તે ઉદભવી હતી. ડફરિનના મનમાં આવી યોજના ઘૂસાડી કોણે? એમ કહેવાય છે કે મુસ્લિમોને કોન્ગ્રેસ છોડાવવાનો ખ્યાલ જે ત્રણ વર્ષ પૂર્વે શરુ થયો હતો તે ખ્યાલ (સર સૈયદ અહમદે મુસ્લિમોને કોન્ગ્રેસમાં નહીં જોડાવાનું કહ્યું હતું) આની પાછળ હતો. …મુસ્લિમો આ અલગ રાજકીય અધિકારોનું સામાજિક મૂલ્ય સમજવામાં પાછા પડ્યા નહીં.’
અલગ મતદાર-મંડળના રૂપમાં ભારતીય રાજકારણના ક્ષેત્રમાં મુસ્લિમ અલગતાવાદના ઝેરીલાં બીજ વાવવામાં આવ્યાં. એક રીતે આ ભારતના ભાગલા કરવાની શરુઆત જ હતી. અલગ મતદાર-મંડળનો અર્થ એ હતો કે કેટલાંય એવા મતદાર-ક્ષેત્ર બનાવવામાં આવે જ્યાં મુસ્લિમ ઉમેદવારો માટે કેવળ મુસ્લિમ મતદારો જ મતદાન કરી શકે. અન્યને સામાન્ય મતદાર-ક્ષેત્રમાં જ મત આપી શકે એમ હતા. ડબલ્યુ. સી. સ્મિથે કહ્યું છે કે કેવી રીતે આ ઝેરી પદ્ધતિએ મુસ્લિમ રાજકારણની ધારાને જ વિકૃત કરી મૂકી : “અલગ મતદાર મંડળોને કારણે મુસ્લિમો સામે મુસ્લિમ સંપ્રદાયને નામે મતદાન અને રાજકારણ રમવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નહીં. બધું જ સાંપ્રદાયિક નજરે જ થવા લાગ્યું. સાંપ્રદાયિક દ્રષ્ટિએ વિચારવાનું, કેવળ સાંપ્રદાયિક ચુંટણી – ભાષણો જ સાંભળવાના, પ્રતિનિધિઓને સાંપ્રદાયિક ત્રાજવે જ તોલવાના, બંધારણીય તથા અન્ય સુધારાઓના પ્રયાસ માત્રવધુ ને વધુ સાંપ્રદાયિક શક્તિ ભેગી કરવાની દ્રષ્ટિએ જ કરે અને પોતાની ફરિયાદો સાંપ્રદાયિક સ્વરૂપે જ વ્યક્ત કરવાની. આ એકમાત્ર રસ્તો એમણે અપનાવ્યો.’ (ડબલ્યુ સી. સ્મિથ : મોર્ડન ઇસ્લામ ઇન ઇંડિયા, પૃ. 212)
સ્વાભાવિક છે કે આ વ્યવસ્થાએ મુસલમાનોમાં એક અલગતાવાદી સાંપ્રદાયિક વિચારવાળા રાજકીય આંદોલનને ખૂબ પ્રોત્સાહન આપ્યું. એણે એક એવા સાંપ્રદાયિક મુસ્લિમ નેતાઓનો વર્ગ જન્માવ્યો જેઓમાં પરસ્પર એવી સ્પર્ધા જામી કે કોણ પોતાના સહધર્મીઓની ધર્માંધતાને કેટલી વધુ બહાર લાવી શકે છે. આવી સ્પર્ધાએ એમને રાષ્ટ્રની મુખ્યધારાથી અલગ કરી નાખ્યા. જોકે આઝાદી પછી કોન્ગ્રસ પણ એમને એજ માર્ગે લઇ ગઇ.
પરંતુ અંગ્રેજોનો તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ નેતૃત્વના જવાબ રૂપે એક કટ્ટર હિન્દુ-વિરોધી અને રાષ્ટ્ર-વિરોધી નેતૃત્વ ઊભું કરવાનો પ્રયાસ જ હતો. અહીંથી જ એ કલંકિત ઘટનાચક્રનો આરંભ થાય છે કે બ્રિટિશ સામ્રાજ્યવાદી અને મુસ્લિમ સંપ્રદાયવાદીઓએ ભેગા મળીને કેવી રીતે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતના આ વિષાક્ત બીજને ઉગાડ્યું.
ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’માં (પૃષ્ઠ: 284-285)
લખે છે: ઈ.સ. 1892ના આજ ધારામાં અંગ્રેજ સરકારે સૌ પ્રથમવાર ભારતની ધારાસભાઓની રચનાના પાયા તરીકે પ્રજાકીય પ્રતિનિધિત્વના સિદ્ધાંતોનાે બાહ્ય દેખાવ સ્વીકાર્યો. તે ચૂંટણીનો સિદ્ધાંત નહોતો, તે નિયુક્તિનો સિદ્ધાંત હતો. આ ધારા નીચે રચાનારી ધારાસભાઓમાં મુસ્લિમો માટેના અલગ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત સૌ પ્રથમવાર ભારતના રાજકીય બંધારણમાં દાખલ થયો. આ સિદ્ધાંતનો પ્રવેશ રહસ્યમય રીતે ગુપ્તતાથી થયો હતો. રહસ્ય એટલા માટે કે તેના પ્રવેશ માટે કોણ જવાબદાર તેની જાણ નથી. અલગ પ્રતિનિધિત્વની યોજના કોઇ વ્યવસ્થિત મુસ્લિમ સંસ્થાએ મુકેલી માગણીનું પરિણામ નથી. તો પછી કોના ભેજામાંથી તે ઉદભવી ?’ ડો. આંબેડકર આગાખાનના નેતૃત્વ હેઠળના મુસ્લિમ પ્રતિનિધિ મંડળને સાવ મામુલી જ માનતા હતા. ડો. આંબેડકર એજ પ્રશ્ન કરે છે કે અંગ્રેજોએ આવી રહસ્યમય રમત કોના ઇશારે રમ્યા ? ડો. આંબેડકર કહે છે કે ‘વાઇસરોય લોર્ડ ડફરિનના ભેજામાંથી તે ઉદભવી હતી. ડફરિનના મનમાં આવી યોજના ઘુસાડી કોણે ? એમ કહેવાય છે કે મુસ્લિમોને કોંગ્રેસ છોડાવવાનો ખ્યાલ જે ત્રણ વર્ષ પૂર્વે શરુ થયો હતો તે ખ્યાલ (સર સૈયદ અહમદે મુસ્લિમોને કોન્ગ્રેસમાં નહીં જોડાવાનું કહ્યું હતું) આની પાછળ હતો. મુસ્લિમો આ અલગ રાજકીય અધિકારોનું સામાજિક મૂલ્ય સમજવામાં પાછા પડ્યા નહીં.’ ‘થોટ્સ ઓન પાકિસ્તાન’માં (પૃષ્ઠ: 285-286)