Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 17


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને પ્રસિદ્ધ લેખક, પત્રકાર શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ 17


દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનું બીજારોપણ


લોર્ડ મિન્ટોએ કહ્યું હતું કે આગાખાનના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળની યોજનાના ‘નિર્માતા’ નવાબ મોહસિન–ઉલ-મુલ્ક હતા. એમણે એમના સામયિકમાં લખ્યું હતું: ‘આ ખૂબ જ મહત્વનો દિવસ રહ્યો છે; જેમ કે કોઇકે મને કહ્યું છે, ‘આ ભારતીય ઇતિહાસની યુગાંતકારી ઘટના છે.’ આ પ્રતિનિધિ મંડળની મુલાકાતે જ ભાગલાના બીજ વાવ્યા.

લોર્ડ મિન્ટોએ જે રીતે આગાખાન પ્રતિનિધિ મંડળની અલગતાવાદી સાંપ્રદાયિક માંગણીઓને સમર્થન આપ્યું અને આ માગણીઓના પ્રત્યાઘાત આપ્યા એનું ખૂબ મહત્વ હતું. એક લિખિત ઉત્તરમાં એમણે પ્રતિનિધિ મંડળના તમામ વિચારોને યોગ્ય ઠેરવ્યા. અનેક દલિલો વડે એને યોગ્ય ઠેરવી. એમણે કહ્યું, ‘…જેમ કે હું માનું છું કે તમારા આવેદનપત્રમાં કહેવાયું છે કે પ્રતિનિધિત્વની દરેક પદ્ધતિમાં મુસ્લિમ સમુદાયને એક અલગ વર્ગ તરીકે પ્રતિનિધિત્વ મળવું જોઇએ. આપે કહ્યું છે કે અનેક બાબતોમાં મતદાર મંડળોની જે સ્વરૂપમાં અત્યારે રચના છે એ જોતા એનાથી એકપણ મુસલમાન ચૂંટાય એવી આશા રાખી શકાય નહીં.
કદાચ સંયોગવશ એ એવું કરશે તો પણ એવા ઉમેદવારે પોતાના વિચારોનું બલિદાન આપવું પડશે. એણે આ વિચારોનો બલી પોતાના સમુદાયની વિરોધી છે એવી બહુમતી માટે આપવો પડશે, જેનું પ્રતિનિધિત્વ તે કોઇ પણ પ્રકારે કરશે નહિ. હું સંપૂર્ણ રીતે આપની સાથે સહમત છું… આપની જેમ મને પણ પાકો વિશ્વાસ છે કે ભારતમાં કોઇપણ એવી ચૂંટણી પ્રતિનિધિત્વ વ્યવસ્થા જેમાં વ્યક્તિગત મતાધિકારની વ્યવસ્થા કરવામાં આવી હશે તેમજ આ મહાદ્વીપના લોકોના સમુદાયોની માન્યતાઓ તથા પરંપરાઓનું ધ્યાન રાખવામાં નહીં આવ્યું હોય એ નિષ્ફળતાની ખાઇમાં ધસી જશે’ (રાજેન્દ્રપ્રસાદ : ઇંડિયા ડિવાઇડેડ, પૃ. 108)
લોર્ડ મિન્ટોએ કહ્યું હતું કે આગાખાનના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળની યોજનાના ‘નિર્માતા’ નવાબ મોહસિન–ઉલ-મુલ્ક હતા. એમણે એમના સામયિકમાં લખ્યું હતું: ‘આ ખૂબ જ મહત્વનો દિવસ રહ્યો છે; જેમ કે કોઇકે મને કહ્યું છે, ‘આ ભારતીય ઇતિહાસની યુગાંતકારી ઘટના છે.’ આપણે જાણીએ છીએ કે સમગ્ર ભારત અશાંત છે અને બધા વર્ગો અને સંપ્રદાયોના લોકોમાં અસંતોષ છે. હંમેશા ખૂબ નિષ્ઠાવાન રહેલા ૬ કરોડ ૨૦ લાખ મુસલમાન એ વાતે નારાજ છે કે એમને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. એમની અનેક પ્રકારે અવગણના કરવામાં આવી છે અને હિન્દુઓ પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આંદોલનકારી આ ભાવના જગાડવા અને પાળવા-પોષવા ખૂબ આતુર છે. તેમણે ચોક્કસપણે આ વિશાળ સમુદાયનો સહયોગ પ્રાપ્ત કરવા ભરચક પ્રયાસ કર્યો છે. યુવાન પેઢી ડામાડોળ છે. તે કૉંગ્રેસ કરતાં વધુ કટ્ટર આંદોલનકારીઓને સાથ આપવા ઇચ્છે છે. એક અવાજ ઊઠ્યો છે કે રાજભક્ત મુસલમાનોને ટેકો આપવો જોઇએ નહિ અને આંદોલનકારીઓ આંદોલન દ્વારા જ એમની માગણી પૂરી કરાવશે.’ (રાજેન્દ્રપ્રસાદ : ઇંડિયા ડિવાઇડેડ, પૃ. 107-8) આ ભૂમિકા પછી એમણે વાઇસરૉય સાથે પ્રતિનિધિ મંડળની મુલાકાતનું અને વાઇસરૉયના જવાબનું
આંખે દેખ્યું સજીવ ચિત્ર રજૂ કર્યું છે. એ પત્રિકામાં જ લેડી મિન્ટોએ લખ્યું છે – ‘આજે સાંજે મને એક અધિકારીનો પત્ર મળ્યો છે. પત્રમાં લખ્યું છે: ‘મહામહિમ, આજે એક ખૂબ જ મહાન ઘટના બની છે –રાજકીય સમજણનું એક એવું કાર્ય જે વર્ષો સુધી ભારત અને એના ઇતિહાસને પ્રભાવિત કરતું રહેશે. હવે 6 કરોડ 20 લાખ લોકો રાજદ્રોહી વર્ગમાં સામેલ નહિ થાય એટલું તો અવશ્ય થશે.’ (રાજેન્દ્રપ્રસાદ : ઇંડિયા ડિવાઇડેડ, પૃ. 108)
અંગ્રેજોના આ સામાન્ય પ્રત્યાઘાત હતા. અંગ્રેજો યોજનાબદ્ધ રીતે મુસલમાનોની માનસિકતાને દેશથી અળગા કરી રહ્યા હતા એમાં કોઇ સંદેહ નો’તો. સેક્રેટરી ઑફ સ્ટેટ લોર્ડ જૉન મોર્લેએ ૨૬ ઑક્ટોબરે મિન્ટોને લખ્યું હતું : ‘આપણા મુસલમાનો માટે આપે જે કંઇ કહ્યું છે, તે ખૂબ જ રસપ્રદ છે…તમામ યથાસંભવ યોગ્ય જ થયું છે. એણે ચોક્કસપણે આપના પદ અને વ્યક્તિગત પ્રભાવનો સિક્કો જમાવ્યો છે. આપના નિર્ણયનો સુંદર પ્રભાવ એ થયો કે એણે અહીં (ઇંગ્લેન્ડ)ના ટીકાખોરોની રણનીતિને પૂર્ણરીતે અસ્તવ્યસ્ત કરીને એમનું મોં બંધ કરી દીધું છે. હવે તેઓ કહી નહિ શકે કે ભારત સરકારની સમસ્યા બીજુ કંઈ નથી પણ પ્રજા અને નોકરશાહી વચ્ચેની સામાન્ય સમસ્યા છે.’ (રાજેન્દ્રપ્રસાદ : ઇંડિયા ડિવાઇડેડ, પૃ. 108-9) લોર્ડ મિન્ટોના જીવનચરિત્ર લેખક બુકને લખ્યું છે કે ‘આગાખાન પ્રતિનિધિ મંડળને મિન્ટોએ આપેલો જવાબ ‘ઇસ્લામીઅધિકારોનો ઘોષણાપત્ર’ છે.’
મુસ્લિમ પ્રતિનિધિ મંડળની બુદ્ધિની પ્રશંસા કરતાં લંડન ‘ટાઇમ્સ’ તથા અન્ય સમાચારપત્રોમાં પ્રકાશિત લેખોનો હવાલો ટાંકતા મૌલવી તુફેલ અહમદે લખ્યું : ‘એ લેખોથી ખ્યાલ આવે છે કે કેવી રીતે અંગ્રેજી અખબાર જગત ભારતને એક રાષ્ટ્ર માનવા જ તૈયાર ન હતું. એમને એ લાગણીથી આઘાત લાગતો હતો, એમનામાં ઇર્ષા હતી. ભારતના ટુકડે ટુકડા થતા નિહાળીને તેઓ પ્રસન્ન થઇ ગયા. તેઓ એ જોઇને અભિમાનથી છલકાતા કે એમણે ભારતીયોને સંપ્રદાયને આધારે એકબીજા સાથે અથડાવી માર્યા અને ભારતીય કાયમ માટે એકબીજાના લોહી તરસ્યા બની ગયા.’ (રાજેન્દ્રપ્રસાદ : ઇંડિયા ડિવાઇડેડ, પૃ. 109)
કલકત્તાના ‘અમૃત બજાર પત્રિકા’ દૈનિકે ચોટદાર વ્યંગ કરતાં લખ્યું કે ‘કહેવાતું અખિલ ભારતીય મુસ્લિમ પ્રતિનિધિ મંડળ અંગત સ્વાર્થ ધરાવતા અધિકારીઓ દ્વારા રચાયેલો એક ઢોંગ હતો. તે અખિલ ભારતીય અથવા અખિલ મુસલમાન તો શું, પ્રતિનિધિમંડળ પણ નહોતું.


ક્રમશ: ©kishormakwana


Spread the love