Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 16


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને પ્રસિદ્ધ લેખક, પત્રકાર શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ 16


મુસલમાનો માટે અલગ મતદાર મંડળ


આગાખાન પ્રતિનિધિમંડળે વાઇસરૉય સામે બે વિશેષ માગણીઓ રજૂ કરી. પ્રથમ, ‘કોઇ પણ પ્રકારના પ્રતિનિધિત્વમાં મુસ્લિમ સમુદાયને જે દરજ્જો આપવામાં આવે, એમાં એમની સંખ્યાના પ્રમાણમાં તો હોવો જોઇએ, સાથે સાથે એમના રાજકીય મોભાને અનુરૂપ પણ હોવો જોઇએ.

નવેમ્બર, ૧૯૦૫માં લોર્ડ કર્ઝન નિવૃત્ત થયા અને એમના સ્થાને લોર્ડ મિન્ટો ભારતના નવા વાઈસરૉય બન્યા. મિન્ટોએ દેશમાં ફેલાતા જતા સ્વતંત્રતાના ભાવને ઝડપથી પારખી લીધો. મોર્લેને નામે એક પત્રમાં એમણે કહ્યું હતું: ‘જ્યાં સુધી કૉંગ્રેસનો સંબંધ છે… આપણે એમને માન્યતા આપવી જોઇએ અને એમાંથી જે સૌથી વધુ ઉત્તમ છે એમની સાથે મિત્રતા રાખવી જોઇએ, તો પણ મને લાગે છે કે આંદોલનમાં ચોક્કસપણે દ્રોહનો બહુ મોટો અંશ છે અને ભવિષ્ય માટે જોખમ છે…’ (રાજેન્દ્રપ્રસાદ : ઇંડિયા ડિવાઇડેડ, પૃ. ૧૦૫-૬)
મોર્લેએ એ જ ભાવ સાથે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું: ‘ચારેબાજુથી આપણને સચેત કરવામાં આવી રહ્યા છે કે એક નવી જ ભાવનાની છાયા સમગ્ર ભારતમાં પડવા લાગી છે. લારેન્સ, કિરોલ, સિડની લો સહિત બધા જ આ રાગ આલાપી રહ્યા છે. આપ આ ભાવના વચ્ચે રાજ ચલાવી શકો નહિ. આપ કૉંગ્રેસ અંગે ગમે તે માનો પરંતુ આપે રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ અને તેના સિદ્ધાંતોના પડકારનો સામનો કરવાનો છે. વિશ્વાસ રાખજો કે ખૂબ ઝડપથી મુસલમાનો તમારા વિરોધમાં હિન્દુઓ સાથે ભળી જશે.’ (રાજેન્દ્રપ્રસાદ : ઇંડિયા ડિવાઇડેડ, પૃ. ૧૦૫-૬) ૧૯૦૬માં મિન્ટોને વિવિધ પ્રાંતના ગવર્નર તરફથી આ મતલબના જ સમાચાર મળ્યા કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેની અંટશ ખૂબ ઓછી થઇ ગઇ છે. મિન્ટોએ નારાજગી અને ચેતવણીના સ્વરમાં મોર્લેને લખ્યું કે ‘હિન્દુઓ અને મુસલમાનોના જાતીય અને સાંપ્રદાયિક મતભેદ ઓછા જ નહિ બલ્કે સમાપ્ત થવા માંડ્યા છે.’
અંગ્રેજો સતર્ક થઇ ગયા. કૉંગ્રેસના વધતા જતા પ્રભાવ પર અંકુશ રાખવા માટે નવી નવી યુક્તિઓ શોધવા માંડ્યા. એમણે મુસલમાનો રાષ્ટ્રવાદના વેગવાન પ્રવાહમાં વહી ન જાય એવા ઉપાય કર્યા. અત્યારે કોન્ગ્રેસ સહિત સેક્યુલરો જે રીતે મુસલમાનોને ભડકાવી, રાષ્ટ્રની મુખ્ય ધારાથી દૂર રાખે છે એવી જ નીતિ રીતિ અંગ્રેજોએ એ સમયે અપનાવી હતી.
૧૯૦૫-૬ સુધીમાં ભારત માટે આગામી બંધારણીય પરિવર્તનોની ચર્ચા થવા માંડી હતી. આર્ચીબાલ્ડે અલીગઢ શૈલીમાં આ તકનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું. અલીગઢ કૉલેજના સચિવ નવાબ મોહસિન-ઉલ-મુલ્કને લખેલા એક પત્રમાં આર્ચીબાલ્ડે એક ચાલ જણાવી: ‘વાઈસરૉયના અંગત સચિવ કર્નલ ડનલપ સ્મિથે મને લખ્યું કે વાઈસરૉય
મુસલમાનોના પ્રતિનિધિ મંડળને મળવા તૈયાર છે અને મને એ માટે એક ઔપચારિક આવેદનપત્ર તૈયાર કરવા જણાવ્યું છે. આ પ્રસંગે નીચે પ્રમાણે વિષયોની વિચારણા કરાશે…’ આ પછી આર્ચીબાલ્ડે વિસ્તૃત રીતે પ્રતિક્રિયા બતાવી છે,અર્થાત્ કોણે પ્રતિનિધિમંડળના સભ્ય બનવું જોઇએ, કઇ બાબતો માટે આગ્રહ કરવો જોઇએ. વગેરે, અને અંતે કહ્યું : ‘પરંતુ આ બધી વાતોમાં હું પડદા પાછળ રહેવા માંગુ છું. આ દરખાસ્તઆપના તરફથી આવવી જોઇએ. આપ જાણો છો કે હું મુસલમાનોનો કેટલો બધો શુભેચ્છક છું. આથી હું આનંદથી તમામ પ્રકારની મદદ કરીશ. હું આપના માટે આવેદનપત્રનો મુસદ્દો તૈયાર કરી શકીશ…’
‘હિઝ હાઇનેસ’ આગાખાનના નેતૃત્વમાં એક ‘મુસ્લિમ પ્રતિનિધિ મંડળ’ ઑક્ટોબર, ૧૯૦૬ એ સિમલામાં વાઈસરૉય લોર્ડ મિન્ટોને મળ્યું. પ્રતિનિધિમંડળના નેતા તરીકે આગાખાનની પસંદગી મહત્વની હતી. તેઓ અડતાલીસમાં શિયા ઇમામ હતા. એમના દાદાએ સિંધના અમીરોએ કરેલા દમન સમયે અંગ્રેજોને તન, મન, ધન પૂર્વક ટેકો આપ્યો હતો. આગાખાનની સેવાઓથી પ્રસન્ન થઇ અંગ્રેજોએ એમને ‘હિઝ હાઇનેસ’ની પદવી આપી અને પેન્શન પણ આપ્યું. એમના પૌત્ર તત્કાલીન આગાખાને પણ એ જ ‘ગૌરવપૂર્ણ પરંપરા’નું પાલન કર્યું. પોતાના સંસ્મરણોમાં એમણે લખ્યું છે : ‘એપ્રિલ, ૧૯૧૬માં મહામહિમે મને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સન્માનથી વિભૂષિત કર્યો. તેમણે મને અગિયાર તોપોની સલામી અને બોમ્બે પ્રેસીડેન્સીના પ્રથમ શ્રેણી દેશી નરેશનો માનભર્યો દરજ્જો પણ પ્રદાન કર્યો.’ (વી. બી. કુલકર્ણી: ઇંડિયા એન્ડ પાકિસ્તાન, પૃ. ૨૦૯)
લંડનના ‘ટાઇમ્સ’એ પોતાના સંપાદકીયમાં લખ્યું કે તેઓ આ સન્માન માટે કેટલા યોગ્ય હતા. આવા મહાનુભાવને ભારતીય મુસ્લિમોના સર્વોચ્ચ પ્રતિનિધિ હોવાનું ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું.
‘આગાખાન પ્રતિનિધિમંડળે’ વાઇસરૉય સામે બે વિશેષ માગણીઓ રજૂ કરી. પ્રથમ, ‘કોઇ પણ પ્રકારના પ્રતિનિધિત્વમાં મુસ્લિમ સમુદાયને જે દરજ્જો આપવામાં આવે, એમાં એમની સંખ્યાના પ્રમાણમાં તો હોવો જોઇએ, સાથે સાથે એમના રાજકીય મોભાને અનુરૂપ પણ હોવો જોઇએ.’ (રામગોપાળ : ઇંડિયન મુસ્લિમ, પૃ. ૩૩૦) મુસ્લિમોના રાજકીય મોભા અને મહત્વનો દાવો એવી બાબતો પર આધારિત હતો કે જમીનનો એક બહુ મોટો ભાગ એમની પાસે છે, વહિવટી સેવા અને ભારતીય સેનામાં એમનું એક પ્રમુખ સ્થાન છે. અને એમની ભૌગોલિક સ્થિતિ ભારતના દ્વારપાળ જેવી છે.’
બીજી માંગણી: નિમણૂંક અને ચૂંટણીના તત્કાલીન નીતિ નિયમો મુસ્લિમોને યોગ્ય અને પર્યાપ્ત પ્રતિનિધિત્વ આપી શક્યા ન હોવાથી એમને અલગ સાંપ્રદાયિક મતદાર મંડળોના માધ્યમથી પોતાના પ્રતિનિધિ મોકલવાનો અધિકાર આપવો જોઇએ. આગાખાન પ્રતિનિધિ મંડળે દલીલ કરી, ‘એટલા માટે કે પ્રતિનિધિત્વની યુરોપીય પદ્ધતિથી એમના રાષ્ટ્રીય હિત એક સહાનુભૂતિવિહીન બહુમતીની દયા પર નિર્ભર રહી જશે.’
એમની અન્ય માગણીઓ હતી : ન્યાયપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પરિષદો, સેનેટ અને વિશ્વવિદ્યાલયની સિંડિકેટ સહિત તમામ સરકારી વર્ગોમાં વધારે મુસ્લિમોનેે વધું પ્રતિનિધિત્વ આપવું જોઇએ. વાઇસરૉયની ‘ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ’ માં મુસ્લિમ પ્રતિનિધિત્વ એટલા પ્રમાણમાં હોવું જોઇએ કે તેઓ કદી પણ પ્રભાવહિન લઘુમતીમાં ન રહે; એક અથવા તેથી વધુ મુસ્લિમોને વાઇસરૉયની કાર્યકારિણીમાં સામેલ કરવા. અલગ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયની સ્થાપનામાં સરકાર મદદ કરે; સેવાઓમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સમાપ્ત કરી દેવી.
નગરપાલિકાઓ માટે સાંપ્રદાયિક ચૂંટણી-પદ્ધતિ અને વિધાન પરિષદોની ચૂંટણી માટે અલગ મુસ્લિમ મતદાર મંડળ હોય. આગાખાન પ્રતિનિધિ મંડળની આવી કટ્ટર સાંપ્રદાયિક માંગણીઓને લોર્ડ મિન્ટોએ સમર્થન આપ્યું. મુસ્લિમ અલગતાવાદને ભડકાવવાનું આ પણ મહત્વનું પગલું હતું.


ક્રમશ: ©kishormakwana


Spread the love