ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 11
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી પ્રસિદ્ધ લેખક, પત્રકાર શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે લખાયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ 11
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક
સર સૈયદ અહેમદનો કટ્ટરવાદી ચહેરાે.
સર સૈયદ અહેમદના જાહેરમાં રાષ્ટ્રવાદી દેખાતા વિચાર માત્ર હિન્દુઓને સંભળાવવા માટે હતા. એમનો નર્યો ઢોંગ હતો. નકાબ હતો. એમ. આર. એ. બેગ કહે છે, ‘ સૌ જાણે છે, એમણે (સર સૈયદ અહમદે) અલીગઢ માટે પોતાના જમીનદાર વર્ગના હિન્દુઓ પાસેથી દાન લીધું હતું. આ કાર્ય માટે તેઓ હિન્દુઓનો ટેકો લેવા માટે નીકળતા ત્યારે ‘હિન્દુ-મુસલમાન ભારતીય નવવધૂની બે સુંદર આંખો છે એવી જેવા ભાવુક આદર્શ વાક્ય બોલતા હતા. પરંતુ જ્યારે માત્ર મુસ્લિમ શ્રોતાઓ વચ્ચે એમણે ભાષણ આપતા ત્યારે તેઓ લડાયક રૂપમાં છાતી ફુલાવીને ગૃહયુધ્ધની ધમકી આપતા હતા.’
ડો. બાબાસાહેબ આંબેડકરે સર સૈયદ અહમદના કટ્ટરપંથી ચહેરાને બેનકાબ કરી નાખ્યો છે. ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘સર સૈયદ અહમદે પોતાની બધી બુદ્ધિ શક્તિ લગાવીને મુસલમાનોને સમજાવ્યું કે અહીં મુસલમાનોનું રાજ નથી રહ્યું માત્ર એટલા માટે હિન્દુસ્થાનને ‘દારુલ હરબ’ ન માની લે. એમણે મુસલમાનોને આગ્રહ કર્યો કે તે હિન્દુસ્થાનને ‘દારુલ ઇસ્લામ’ જ માને…
ડો. આંબેડકર લખે છે: ‘મુસ્લિમ શાસકનું કર્તવ્ય છે કે તે જેહાદ દ્વારા સમગ્ર દુનિયામાં ઇસ્લામની હકૂમત ન સ્થપાય ત્યાં સુધી તે ઇસ્લામના રાજનો ફેલાવો કરે…મુસ્લિમોએ સમગ્ર સંસારને બે ભાગમાં વહેંચી દીધું છે-એક દારુલ ઇસ્લામ (જ્યાં ઇસ્લામી શાસક છે) અને બીજું દારુલ હરબ (જ્યા મુસ્લિમ પ્રજા છે અને કાફર શાસક છે) તો બધા દેશોએ કોઇ એક ભાગમાં તો આવશે જ. એ માને છે કે દારુલ હરબને દારુલ ઇસ્લામમાં બદલવું દરેક મુસ્લિમ શાસકનું કર્તવ્ય છે.’
અંગ્રેજો મુસ્લિમોની અલગતાવાદી માનસિકતાને ઓળખી ગયા હતા. આથી આ લાલસાને ભડકાવતા રહ્યા. એમને રાષ્ટ્રીય સંઘર્ષના સંયુક્ત મોરચાથી અળગા જ રાખતા ગયા. આ હેતુ માટે એમણે ઇતિહાસની જૂઠી વાતો એમના કાનમાં રેડતા રહ્યા. પહેેલા તો મુસલમાનોની એ સુપ્ત ભાવનાને ભડકાવી કે તેઓ એ ‘મહાન મોગલ સમ્રાટો’ ના વંશજ છે, જેઓ ક્યારેક ભારતવર્ષ પર રાજ્ય કરતા હતા. તમે તો શાસકોના વારસ છો. હિન્દુ તો તમારા દાસ હતા, કાફર હતા. તમે હિન્દુઓ સાથે હળોમળો અને એમની સાથે મળીને સમાન હિત માટે સંઘર્ષ કરો વગેરે તો તમારા માનમોભાની વિરુદ્ધ છે. તમે આ દેશના માલિક છો, હિન્દુઓ તમારા ગુલામ છે. અંગ્રેજોએ રેડવા માંડેલું આ ઝેર ધીરે ધીરે મુસલમાનોમા માનસમાં પ્રસરવા લાગ્યું. અંગ્રેજોની આવી જૂઠી-ભ્રામક વાતો એ સાચી માનવા લાગ્યા. એમણે અંગ્રેજોને ટેકો આપવાનો નિર્ણય લીધો. ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘મુસલમાનો જેહાદ માત્ર છેડતા જ નથી, પરંતુ જેહાદની સફળતા માટે વિદેશી મુસ્લિમ શક્તિને મદદ માટે બોલાવી પણ શકે છે.’
• સર સૈયદ અહમદખાનની ભૂમિકા
અંગ્રેજોને એમના આ પ્રયાસમાં નસીબે એમને સાથ આપ્યો. એમને સર સૈયદ અહમદખાન જેવી વ્યક્તિ મળી, જે બ્રિટિશ રાજની કૃપામાં અડગ વિશ્વાસ ધરાવતા હતા .૧૮૫૭ની ઉથલપાથલ વખતે પણ તે બ્રિટિશ સામ્રાજ્યના ‘વફાદાર’ સેવક બની રહ્યા. સર સૈયદ અહમદનો દ્રઢ વિશ્વાસ હતો કે ભારતીય મુસલમાનોનું ક્લ્યાણ તો અંગ્રેજી શિક્ષણ અને પશ્વિમી સભ્યતાને ગ્રહણ કરવામાં જ સમાયેલું છે. વાસ્તવમાં તે ગોરાઓના આચાર વિચાર પાછળ એટલા તો પાગલ હતા કે એમની દ્રષ્ટિએ અંગ્રેજોની તુલનામાં ભારતીય ’નીચ પશુ’ અને ‘જડ મુરખ’ હતા.
સર સૈયદે મુસલમાનોને ઉલેમાઓથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ ઇચ્છતા હતા કે ‘સ્કૂલો’ અને અંગ્રેજી પુસ્તકોના ઉર્દૂ અનુવાદના માધ્યમથી મુસલમાનોને અંગ્રેજી સંસ્કૃતિની મુખ્યધારામાં સામેલ કરવા જોઇએ. સર સૈયદે બાઇબલ પર પોતાની રીતે વિશ્લેષણ કરતું એક પુસ્તક પણ લખ્યું. પુસ્તક લખવા પાછળનો ઉદ્દેશ્ય હતો: ઇસુનો સંદેશ ઝાંખો ન પડી જાય. એમના મત પ્રમાણે ખ્રિસ્તી અને મુસલમાન ‘જૂના કરાર’ ના એક જ ઉપાસના કુળના સભ્ય હતા. જોકે ધીરે ધીરે એમની રગોમાં ફરતો મૂળ કટ્ટર ઇસ્લામ જાગવા લાગ્યો. ભારતીય રાષ્ટ્રવાદ અંગે ૧૮૮૪માં એમણે વ્યકત કરેલા વિચારોનો એમના ભાવિ જીવનની ભૂમિકા સાથે કોઇ જ મેળ પડતો નથી. ૧૮૮૪ પછી તેઓ મુસ્લિમ અલગતાવાદના સાર્વજનિક પ્રવક્તા બની ગયા.
૩ ફેબ્રુઆરી, ૧૮૮૪એ લાહોરમાં ‘ઇંડિયન એસોસિયેશન’ ના અભિવાદનનો ઉત્તર આપતાં સર સૈયદ અહમદે કહ્યું : “સામાન્ય રીતે આપણે ‘રાષ્ટ્ર’ શબ્દને ‘હિન્દુઓ’ અને ‘મુસલમાનો’ સાથે સાંકળીએ છીએ. મારા મત પ્રમાણે રાષ્ટ્રની સંકલ્પનાને કોઇની પણ ધાર્મિક માન્યતા સાથે જોડવી જોઇએ નહિ, કારણકે આપણે સૌ ભલે હિન્દુ હોઇએ કે મુસલમાન, આ ધરતી પર ઉછર્યા છીએ, શ્રમ અને સમૃધ્ધિમાં સરખી રીતે ભાગીદાર છીએ અને સમાન અધિકાર ભોગવીએ છીએ. એ જ આ વાત જ આધાર છે કે હિન્દુસ્થાનમાં આ બંને વર્ગ હિન્દુરાષ્ટ્રના સમાન નામના ઝંડા હેઠળ આવી જાય. હિન્દુ શબ્દને માત્ર હિન્દુ જાતિ સાથે જ જોડવો જોઇએ નહિ. બધા વર્ગ ભલે તે મુસલમાન હોય કે ખ્રિસ્તી- બધા હિન્દુ છે. આથી મને દુ:ખ થાય છે કે જ્યાં આપે આપના માટે હિન્દુ શબ્દ વાપર્યો છે, પણ મને હિન્દુ ન કહ્યો.
૧૮૮૫માં ગુરદાસપુરમાં પણ સર સૈયદ અહમદખાને કંઇક આવા જ વિચાર વ્યક્ત કર્યા હતા : સૌથી પ્રાચીનકાળથી એક દેશના નિવાસીઓ માટે ‘રાષ્ટ્ર’શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે , ભલેને એની પોતપોતાની કંઇક અલગ અલગ વિશેષતાઓ કેમ ન હોય. હિન્દુ અને મુસલમાન ભાઇઓ, હિન્દુસ્થાન સિવાય આપ લોકોનો કોઇ બીજો દેશ છે? યાદ રહે કે ‘હિન્દુ’ અને ‘મુસલમાન’ શબ્દોનો ઉપયોગ કેવળ ધર્મ-ભેદ દર્શાવવા માટે છે, અન્યથા બધાલોકો, ચાહે તે હિન્દુ હોય, મુસલમાન હોય અથવા ખ્રિસ્તી, જે આ દેશના નિવાસી છે, એક જ રાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે . દેશહિતમાં બધાનું હિત સમાયેલું છે. એ માટે બધાએ સંગઠિત થવું જોઇએ.”
એક બીજા પ્રસંગે એમણે સુંદર ઉપમા રજૂ કરી હતી. એમણે હિન્દુઓ અને મુસલમાનોની ઉપમા નવવધૂના બે સુંદર નેત્રો સાથે કરી હતી. જો બંનેમાં સુમેળ રહેશે તો વધૂની સુંદરતા જળવાઇ રહેશે, પણ જો બંને અલગ અલગ દિશાઓમાં નિહાળવા માંડશે તો ચોક્કસપણે તે બાડી થઇ જશે અને કેટલેક અંશે અંધ પણ થઇ જશે.’
પરંતુ સર સૈયદ અહેમદના જાહેરમાં રાષ્ટ્રવાદી દેખાતા આ વિચાર માત્ર હિન્દુઓને સંભળાવવા માટે હતા. નર્યો એમનો ઢોંગ હતો. નકાબ હતો. એમ. આર. એ. બેગ અનુસાર, ‘જેમકે સૌ જાણે છે, એમણે (સર સૈયદ અહમદે) અલીગઢ માટે પોતાના જમીનદાર વર્ગના હિન્દુઓ પાસેથી દાન લીધું હતું. આ કાર્ય માટે તેઓ હિન્દુઓનો ટેકો લેવા માટે નીકળતા ત્યારે ‘હિન્દુ-મુસલમાન ભારતીય નવવધૂની બે સુંદર આંખો છે’ જેવા ભાવુક આદર્શ વાક્ય બોલતા હતા. પરંતુ જ્યારે માત્ર મુસ્લિમ શ્રોતાઓ વચ્ચે એમણે ભાષણ આપવાનું હોય, ખાસ કરીને રાજકીય બેઠકોમાં ત્યારે તેઓ લડાયક રૂપમાં છાતી ફુલાવીને ગૃહયુધ્ધની ધમકી આપતા હતા.’ (એમ.આર.એ.બેગ ; ધ મુસ્લિમ ડિલેમા ઇન ઇંડિયા, પૃ . ૧૩૯)
સર સૈયદની આ અલગતાવાદી વિકૃતિએ ૧૮૮૩માં થિયોડોર બેકને અલીગઢ કૉલેજના પ્રિંન્સિપાલ બનાવાયા બાદ વધુ આક્રમક વળાંક લીધો.
થોડા જ સમયમાં થિયોડોર બેક સર સૈયદના ‘મિત્ર’, ‘દાર્શનિક ગુરુ’ અને ‘માર્ગદર્શક’ બની ગયા. તેઓ પડદા પાછળ સૂત્રધાર બની રહ્યા અને અલીગઢ આંદોલનને એમણે હિન્દુ-વિરોધી અને રાષ્ટ્ર-વિરોધી ભયાનક વળાંક આપ્યો. ડો. બાબાસાહેબ આંબેડકરે સર સૈયદ અહમદના કટ્ટરપંથી ચહેરાને બેનકાબ કરી નાખ્યો છે. ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘સર સૈયદ અહમદે પોતાની બધી બુદ્ધિ શક્તિ લગાવીને મુસલમાનોને સમજાવ્યું કે અહીં મુસલમાનોનું રાજ નથી રહ્યું માત્ર એટલા માટે હિન્દુસ્થાનને ‘દારુલ હરબ’ ન માની લે. એમણે મુસલમાનોને આગ્રહ કર્યો કે તે હિન્દુસ્થાનને ‘દારુલ ઇસ્લામ’ જ માને, કારણ કે અહીં મુસલમાનોને ઇસ્લામના દરેક કાયદા કાનૂન પાળવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. હિન્દુસ્થાન દારુલ હરબ છે એ સિદ્ધાંત આપણે છોડી દીધો નથી… એ વાત પણ ઉલ્લેખનીય છે કે ‘દારુલ હરબ’થી પોતાની પોતાની જાતને મુક્ત કરવા માટે મુસલમાનો માટે કેવળ હિજરત એ એક જ માર્ગ નથી. મુસ્લિમ કાનૂને એક બીજો આદેશ પણ આપેલો છે- જેહાદ છેડવાનો…’ (CAA વખતે આખા દેશે આ જોયું હતું) આટલું લખ્યા પછી ડો. આંબેડકર આગળ લખે છે: ‘મુસ્લિમ શાસકનું કર્તવ્ય છે કે તે જેહાદ દ્વારા સમગ્ર દુનિયામાં ઇસ્લામની હકૂમત ન સ્થપાય ત્યાં સુધી તે ઇસ્લામના રાજનો ફેલાવો કરે…મુસ્લિમોએ સમગ્ર સંસારને બે ભાગમાં વહેંચી દીધું છે-એક દારુલ ઇસ્લામ (જ્યાં ઇસ્લામી શાસક છે) અને બીજું દારુલ હરબ (જ્યા મુસ્લિમ પ્રજા છે અને કાફર શાસક છે) તો બધા દેશોએ કોઇ એક ભાગમાં તો આવશે જ. દારુલ હરબને દારુલ ઇસ્લામમાં બદલવું દરેક મુસ્લિમ શાસકનું કર્તવ્ય છે.’
ડો. આંબેડકરે સર સૈયદ અને ઇસ્લામી માનસિકતાની બહુ સાચી રીતે ચીડફાડ કરી છે.