અવકાશમાં (Space) સૈન્ય શક્તિ વધારવાની ચીનની મહત્વાકાંક્ષા હવે સ્પષ્ટ થઈ રહી છે. યુએસ સ્પેસ ફોર્સના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, ચીને તાજેતરમાં પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ‘સેટેલાઇટ ડોગફાઇટીંગ’ (ઉપગ્રહો વચ્ચે હવાઈ યુદ્ધ)નો અભ્યાસ કર્યો હતો. ચીનની વધતી જતી સૈન્ય અને તકનીકી ક્ષમતાઓને દર્શાવતા આ અભૂતપૂર્વ યુદ્ધાભ્યાસથી અમેરિકા સતર્ક થઈ ગયું છે.

શું છે ‘સેટેલાઇટ ડોગફાઈટીંગ’?
‘ડોગફાઇટિંગ’ સામાન્ય રીતે ફાઈટર પ્લેન વચ્ચેના હવાઈ યુદ્ધને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે, પરંતુ હવે તે અવકાશમાં (Space) પણ જોવા મળી રહ્યો છે. યુએસ સ્પેસ ફોર્સના વાઈસ ચીફ જનરલ માઈકલ ગ્યુટલિનના જણાવ્યા અનુસાર, “અમે જોયું કે અવકાશમાં (Space) પાંચ અલગ-અલગ પદાર્થો એકબીજાની અંદર અને બહાર ફરતા હતા, એકબીજાની આસપાસ ફરતા હતા અને સિંક્રોનાઈઝ રીતે યુદ્ધાભ્યાસ કરી રહ્યા હતા.”
આનો અર્થ એ થયો કે ચીન હવે તેના ઉપગ્રહોને નિયંત્રિત રાખીને ભ્રમણકક્ષામાં યુદ્ધાભ્યાસ શીખી રહ્યું છે અને અન્ય ઉપગ્રહોની ગતિવિધિઓ પર નજર રાખવાની વ્યૂહરચના વિકસાવી રહ્યું છે.
"China has been using experimental satellites to practice “dogfighting” in space" via “proximity operations”–deterring CCP threats in space will require bold and innovative measures, not business-as-usual policies infused with hope. USSF exists for this!https://t.co/VsTGBOKzUa
— National Institute for Deterrence Studies (@ThinkDeterrence) March 19, 2025
ચીનના કયા-કયા ઉપગ્રહોએ અવકાશી (Space) યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો?
2024 માં કરવામાં આવેલા આ અવકાશી યુદ્ધાભ્યાસમાં ચીનના ત્રણ શિજિયાન-24C ઉપગ્રહો અને અન્ય બે પ્રાયોગિક અવકાશયાન, શિજિયાન-605A અને B સામેલ હતા. શિજિયન-6 સિસ્ટમનો ઉપયોગ સિગ્નલ ઇન્ટેલિજન્સ મિશન માટે થાય છે, જે સંચાર અને ડેટા સર્વેલન્સ સાથે સંબંધિત હોઈ શકે છે. આ અવકાશી ‘ડોગફાઈટિંગ’ દર્શાવે છે કે ચીન ન માત્ર અન્ય ઉપગ્રહોની આસપાસ નેવિગેટ કરી શકે છે, પરંતુ તેનું અવલોકન અને વિશ્લેષણ પણ કરી શકે છે. આ ક્ષમતા ભવિષ્યમાં અવકાશમાં સંઘર્ષની સંભાવનાને જન્મ આપી શકે છે.

શું આ અભ્યાસ અમેરિકા માટે ખતરો છે?
અમેરિકા આ ઘટનાને એક મોટા પડકાર તરીકે જોઈ રહ્યું છે. જનરલ ગ્યુટલિને કહ્યું, “ચીન એકલું નથી, તે અન્ય દેશો સાથે મળીને અવકાશમાં (Space) પોતાની ઉપસ્થિતિને મજબૂત કરી રહ્યું છે.” તેમણે 2019માં એક રશિયન ઉપગ્રહે એક નાનું અવકાશયાન લોન્ચ કર્યું જે અમેરિકન ઉપગ્રહની નજીક યુદ્ધાભ્યાસ કરતું હતું તે રશિયાના 2019ના ‘નેસ્ટિંગ ડોલ’ સેટેલાઇટ પરીક્ષણનું ઉદાહરણ ટાંક્યું હતું અને કહ્યું કે આનો અર્થ એ છે કે ચીન અને રશિયા બંને અવકાશ યુદ્ધ (Space War)માટે સતત તેમની વ્યૂહરચના વિકસાવી રહ્યા છે.
ચીન જે રીતે અવકાશી યુદ્ધ માટે પોતાને તક્નિકી રીતે અને અન્ય રીતે વિકસાવી રહ્યું છે તે જોતા ભારત માટે પણ ખતરો ઉભો થઈ રહ્યો છે. નિષ્ણાતોના મતાનુસાર ભારત સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે.
સ્પેસ ટેક્નોલોજીમાં ચીન અમેરિકાને ટક્કર આપી રહ્યું છે
ગ્યુટલિને કહ્યું કે અમેરિકાએ હવે તેની સ્પેસ ડિફેન્સ સિસ્ટમને વધુ અપગ્રેડ કરવી પડશે. અગાઉ અમેરિકન ટેક્નોલોજી અન્ય દેશો કરતાં ઘણી આગળ હતી, પરંતુ હવે આ અંતર ઘટી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે, “જો અમે અમારી વ્યૂહરચના નહીં બદલીએ તો સત્તાનું સંતુલન અમારા પક્ષમાં નહીં રહે.”
યુએસ સ્પેસ ફોર્સની પ્રતિક્રિયા
આ ઘટના બાદ અમેરિકા પોતાની સ્પેસ ડિફેન્સ સ્ટ્રેટેજીનું પુન: મૂલ્યાંકન કરી રહ્યું છે. અમેરિકન સ્પેસ ફોર્સ હવે અવકાશમાં તેની શ્રેષ્ઠતા જાળવવા માટે નવા ઉપાયો પર કામ કરી રહી છે.