Spread the love

ભારતીય સેના લાંબા સમયથી ઓછા વજનના બુલેટપ્રૂફ જેકેટની પ્રતિક્ષા કરી રહી હતી તે પૂરી થશે. ટૂંક સમયમાં ભારતીય સેનાને વજનમાં હળવા બુલેટપ્રૂફ જેકેટ મળવા લાગશે. DRDO અને IIT દિલ્હીએ સંયુક્ત રીતે અભેદ્ય (ABHED) તૈયાર કર્યું છે. ત્રણ સ્વદેશી કંપનીઓ તેને સેના માટે તૈયાર કરશે.

‘અભેદ્ય’નો અર્થ એવો થાય છે કે જેને ભેદી ન શકાય. ભારતીય સેના માટે આવું બુલેટપ્રૂફ જેકેટ તૈયાર કરવામાં આવ્યું છે જે પહેરવાથી હવે દુશ્મનની ગોળીઓ ભારતીય જવાનોને સ્પર્શી શકશે નહીં. આ બુલેટપ્રૂફ જેકેટની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી છે. આ બુલેટપ્રૂફ જેકેટ ભારતીય સૈનિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યું છે. તેનું નામ ABHED (એડવાન્સ બેલેસ્ટિક ફોર હાઈ એનર્જી ડિફીટ) છે. DRDO અને IIT દિલ્હીએ સંયુક્ત રીતે આ બુલેટપ્રૂફ જેકેટ બનાવ્યું છે. ખાસ વાત એ છે કે આ બુલેટપ્રૂફ જેકેટ વજનમાં એટલું હલકું છે કે સૈનિકો તેને સરળતાથી પહેરી શકે છે અને કોઈપણ ઓપરેશન પાર પાડી શકે છે.

અભેદ્યની વિશેષતા શું છે?

વજનમાં હલકું હોવું તેની સૌથી મોટી વિશેષતા છે. તેનું વજન 8.2 કિગ્રા થી 9.5 કિગ્રા છે. વિવિધ બેલિસ્ટિક્સ માટે વિવિધ જેકેટ્સ છે. આ જેકેટથી સ્ટીલની બુલેટ પણ રોકી શકાય છે. આ મોડ્યુલર-ડિઝાઇન કરેલ જેકેટ છે. તે આગળ અને પાછળ સહિતના બખ્તર સાથે 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરે છે. આ જેકેટ પોલિમર અને સ્વદેશી બોરોન કાર્બાઈડ સિરામિક મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આર્મર પ્લેટ પ્રોટોકોલ હેઠળ તમામ જરૂરી પરીક્ષણોમાંથી પસાર થયા પછી જ સેનાએ તેની પસંદગી કરી છે. IIT દિલ્હી ખાતે ડીઆરડીઓ (DRDO) ના DIA-COE એ આ જેકેટના ઉત્પાદન માટે ત્રણ ખાનગી કંપનીઓ સાથે કરાર કર્યા છે. ટૂંક સમયમાં આ હળવું બુલેટપ્રૂફ જેકેટ ભારતીય સૈનિકોને આપવામાં આવશે.

ઓપરેશનમાં રહેશે સરળતા

સૈનિકો દુશ્મન દેશ અને આતંકવાદીઓની ફાયર લાઇન પર રહેતા હોય છે. આવા સમયે સૈનિકોની સુરક્ષા માટે બુલેટપ્રુફ જેકેટની જરૂરિયાત અનેકગણી વધી જાય છે. બુલેટપ્રૂફ જેકેટનો ઉપયોગ મોટાભાગે આમને સામનેના યુદ્ધ એટલે કે ક્લોઝ ક્વાર્ટર યુદ્ધમાં વધારે કરીને થતો હોય છે. આ બુલેટપ્રૂફ જેકેટ જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં, પેટ્રોલિંગ અને આર્મી કેન્ટોનમેન્ટમાં તૈનાત સંત્રીઓ માટે અભેદ્ય રક્ષક તરીકે કામ કરશે.

અત્યાર સુધી સેના દ્વારા ઉપયોગમાં લેવાતા બુલેટપ્રૂફ જેકેટનું વજન ભારે છે. તેમાં માત્ર છાતી અને પીઠની બાજુએ ભારે ધાતુની પ્લેટ હોય છે જેનાથી શરીરની બાજુની સાઈડમાં રક્ષણ મળતુ નથી. એન્કાઉન્ટર દરમિયાન ગોળીઓ ગમે તે બાજુથી આવી શકે છે ત્યારે અભેદ્ય ચારે બાજુથી સૈનિકનું રક્ષણ કરશે. જૂના જેકેટ્સમાં ગરદનને ના બરાબર રક્ષણ મળે છે. આ જેકેટ ગરદનને સુરક્ષિત કરવામાં પણ અસરકારક સાબિત થશે. વર્તમાન જેકેટ શરીર પર ફિટ ન હોવાને કારણે, તેને પહેરતી વખતે હલનચલન કરવામાં અને ઓપરેશન દરમિયાન પોઝિશન લેવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. અભેદ આ બધી સમસ્યાઓમાંથી સૈનિકોને રાહત આપશે. જો કોઈને સંપૂર્ણ બેટલ લોડ સાથે પર્વતો પર ચઢવું હોય, તો ભારે જેકેટ પહેરીને મુશ્કેલ બનતું હોય છે જે હવે અભેદ્યના આગમનથી ઓપરેશન સરળ બનશે એટલું જ નહીં પરંતુ સૈનિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *