અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે એમાં નવો વળાંક આવ્યો છે. જો બાયડેને જતા જતા અમેરિકાના દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બાયડેન વહીવટીતંત્રે 35 કંપનીઓ અને અન્ય દેશોમાં ઈરાની ઓઈલનું પરિવહન કરતા જહાજો પર પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકાના આ નિર્ણયથી ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે. જોકે અમેરિકાના આ નિર્ણયની અસર તેહરાનની સાથે ભારત પર પણ પડી શકે છે. કારણ કે અમેરિકા જે 35 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં બે ભારતીય કંપનીઓ પણ સામેલ છે.
આ બન્ને કંપનીઓ છે ‘વિઝન શિપ મેનેજમેન્ટ LLP’ અને ‘ટાઈટશિપ શિપિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે, જે ‘ફોનિક્સ’નું પ્રબંધન અને સંચાલન કરે છે.
અમેરિકા દ્વારા જેના પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં ભારત ઉપરાંત યુએઈ, ચીન, લાઈબેરિયા, હોંગકોંગ સહિત અન્ય દેશોની કંપનીઓ અને જહાજો સામેલ છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું કે ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે ઈઝરાયેલ સામેના હુમલા બાદ કરવામાં આવેલી આ કાર્યવાહી તેહરાન માટે વધુ એક ફટકો છે. ઈરાને 11 ઓક્ટોબરે લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ તેના પરમાણુ કાર્યક્રમોને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી હતી.
સ્ટેટ ફોર ટેરરિઝમ એન્ડ ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સના કાર્યકારી અંડર સેક્રેટરી બ્રેડલી ટી. સ્મિથે જણાવ્યું હતું કે, ઈરાન તેના પેટ્રોલિયમ વેપારમાંથી થતી આવક તેના પરમાણુ કાર્યક્રમ, બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન પ્રસાર પર અને આતંકવાદીઓ પર ખર્ચી રહ્યું છે, જેનાથી પ્રદેશમાં વધુ અસ્થિરતા સર્જાવાનો ખતરો છે. તેમણે કહ્યું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન આપતા જહાજોને રોકવા માટે યુએસ તેના તમામ સંસાધનો અને સત્તાધિકારીઓનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.