મહારાષ્ટ્રમાં ચુંટણીના પડઘમ ગાજી રહ્યા છે. કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 23મી નવેમ્બરે જાહેર થશે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને બે ગઠબંધન સત્તધારી મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે કસોકસની હરિફાઈ જોવા મળી રહી છે. ભાજપ મહાયુતિ ગઠબંધન સાથે ચૂંટણી લડી રહ્યું છે. ભાજપે 148 બેઠકો પર, શિંદે જૂથે 80 બેઠકો પર અને અજીત જૂથે 53 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. બાકીની બેઠકો નાની પાર્ટીઓને આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે કુલ 4,140 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
7 નવેમ્બરના રોજ બોર્ડે NCP (SP) ચીફ શરદ પવાર, શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને પત્ર લખ્યો હતો. ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડે મહા વિકાસ અઘાડી (MVA)ને પત્ર લખીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સમર્થનની ઓફર કરી છે. બોર્ડે MVA ઉમેદવારોને ટેકો આપવા, તેમના માટે પ્રચાર કરવા અને તેમના ચૂંટણી પ્રયાસોમાં યોગદાન આપવાની તૈયારી દર્શાવી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ (AIUB) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી (MVA)ને સમર્થન આપવા માટે કુલ 17 શરતો રાખી છે જેમાંની કેટલીક નીચે મુજબ છે.
- વકફ સુધારા વિધેયકનો વિરોધઃ ઉલેમા બોર્ડે માંગ કરી છે કે મહાવિકાસ અઘાડી (MVA) વકફ સુધારા બિલનો વિરોધ કરે અને તેને રદ કરવા માટે કામ કરે.
- વક્ફ બોર્ડ માટે નાણાકીય સહાય: મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને ₹1,000 કરોડ ફાળવવા જ જોઈએ.
- અતિક્રમણ દૂર કરવા માટે કાયદો: ઉલેમા બોર્ડ વક્ફ મિલકતોમાંથી અતિક્રમણ દૂર કરવા માટે મહારાષ્ટ્ર વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવે.
- મુસ્લિમો માટે 10% અનામત: ઉલેમા બોર્ડે મહારાષ્ટ્રમાં મુસ્લિમો માટે 10% અનામતની માંગ કરી છે.
- પોલીસ ભરતીમાં પ્રાધાન્ય: ઉલેમા બોર્ડે માંગ કરી છે કે રાજ્યમાં પોલીસ ભરતીમાં શિક્ષિત મુસ્લિમોને પ્રાધાન્ય આપવામાં આવે.
- આરએસએસ (RSS) પર પ્રતિબંધ: ઉલેમા બોર્ડ એમવીએ સરકારની રચના થતાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવા માટે દબાણ કરી રહ્યું છે.
- વિવાદાસ્પદ વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી: બોર્ડે ભાજપના નેતા નિતેશ રાણેને તાત્કાલિક જેલની સજા કરવા અને તેમના ભડકાઉ નિવેદનો માટે કાનૂની કાર્યવાહીનો સામનો કરનાર વિવાદાસ્પદ વ્યક્તિ સલમાન અઝેરીને મુક્ત કરવાની હાકલ કરી છે.
રાજકીય વિશ્લેષકો આ શરતો મુસ્લિમોના અધિકારોને સુનિશ્ચિત કરવાની કે ન્યાયની માંગને બદલે મુસ્લિમ મતને મજબૂત કરવા માટે રાજકીય સોદાબાજીની યુક્તિ તરીકે વધારે જોઈ રહ્યા છે.
શા માટે મુસ્લિમ મતોને મહત્વ આપવામાં આવી રહ્યું છે?
મહારાષ્ટ્રની કુલ વસ્તી 11.24 કરોડ જેમાં 1.3 કરોડ મુસ્લિમો છે જે રાજ્યની કુલ વસ્તીના 11.56% જેટલા થવા જાય છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી એવા 38 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમોની વસ્તી લગભગ 20% છે, જેમાં એવી નવ બેઠકોનો પણ સમાવેશ થાય છે જ્યાં મુસ્લિમોની વસ્તી 40% કરતા વધુ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીંની 10 સીટો પર 25%થી વધુ વસ્તી મુસ્લિમ છે. ગઈ લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને મોટી સંખ્યામાં લઘુમતી મતો મળ્યા હતા.
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે કુલ 4,140 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મહાયુતિની વાત કરીએ તો ભાજપે તેમાં સામેલ કોઈપણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી. શિંદે જૂથની શિવસેનાએ એક મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે અજિત પવારની એનસીપીએ ચાર મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી છે. મહાવિકાસ અઘાડીમાં, શિવસેનાના ઉદ્ધવ જૂથે પણ એક પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો નથી, જ્યારે કોંગ્રેસે આઠ, એનસીપી-શરદ જૂથ અને સપાએ એક-એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ ચૂંટણીમાં 14 ઉમેદવારો ઉતાર્યા છે, જેમાંથી 10 મુસ્લિમ છે.