Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 26


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 26


• કોન્ગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણના ચક્રવ્યૂહમાં ફસાઇ


અંગ્રેજો મુસલમાનોને પોતાની પડખે લેવા માટે પ્રલોભનો આપવા લાગ્યા હતા એટલે કૉંગ્રેસને પણ એવું લાગવા માંડ્યું કે અંગ્રેજો જે રસ્તે ચાલે છે એ એક જ રસ્તો સૌથી સારો છે.
એણે અનેક રીતે મુસલમાનોને ખુશ કરવાના પ્રયોગો શરુ કરી દીધા. ઘણીવાર તો સ્થિતિ તદ્દન હાસ્યાસ્પદ બની જતી. કૉંગ્રેસ પોતાના અધિવેશનોમાં ભાગ લેનારા મુસ્લિમ પ્રતિનિધિઓને ભાડાંભથ્થાં આપવા માંડી.

ડો. બાબાસાહેબ આંબેડકર સ્વામી શ્રદ્ધાનંદને ટાંકીને ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘કોન્ગ્રેસ તેની અને મુસ્લિમ લીગ વચ્ચે જે ઊંડી ખાઇ હતી તે પૂરવા ઉત્સુક હતી. સ્વામી શ્રદ્ધાંનંદે તે વર્ષે લખનૌમાં ભરાયેલા કોન્ગ્રેસ અધિવેશનના તેમના સંસ્મરણોમાં વિગતવાર લખ્યું છે. સ્વામીજી લખે છે: તે મંચ પર બેસતા જ (લખનૌ કોન્ગ્રેસ મંચ) સૌ પ્રથમ તો મેં જોયું કે મોટાભાગના મુસ્લિમ પ્રતિનિધિઓએ તેમના પહેરવાના સાધારણ જાડા કાપડના પહેરવેશ ઉપર જરી કે રેશમી ભરત ભરેલા સોનેરી, કિનારવાળા ચોગા ધારણ કર્યા હતા. એવું કહેવાતું હતું કે આ ચોગા હિન્દુ મહાજનોએ કૉંગ્રેસના ‘તમાશા’ માટે એમને આપ્યા હતા.


કોન્ગ્રેસ મુસલમાનો આગળ ઝૂકતી જાય એવી જાળ અંગ્રેજોએ બીછાવી દીધી હતી. અંગ્રેજોની આ ચાલબાજીમાં કોન્ગ્રેસ આબાદ સપડાઇ ગઇ. અંગ્રેજો કહેવા લાગ્યા કે આ દેશના વિવિધ સંપ્રદાયોમાં માનનારા તમામ સમુદાયો કોન્ગ્રેસ મંચ પર આવે ત્યારે જ કૉંગ્રેસ એક રાષ્ટ્રીય સંસ્થા હોવાનો દાવો ત્યારે જ કરી શકે છે.

અંગ્રેજ સરકાર તો જ એને સમસ્ત ભારતીયોની પ્રતિનિધિ સંસ્થા માનશે અને એની માગણીઓ પર વિચાર કરશે.
‘રાષ્ટ્ર’ અને ‘રાષ્ટ્રીય’ ધારણાની આ નિરાળી વ્યાખ્યા હતી. દુનિયામાં ક્યાંય પણ એવી વ્યાખ્યા ન તો સ્વીકારવામાં આવી છે અને ન તો એને વ્યવહારમાં લાવી શકાય છે. ‘રાષ્ટ્રવાદ’ને ન તો ગણિતના સૂત્રોની કસોટીએ કસી શકાય છે કે નતો એને દેશમાં રહેનારા કેટલાક સમૂહનો મેળાવડો માની શકાય. આ તો વાસ્તવમાં એક મનોભાવ અને વિચાર પધ્ધતિ છે, જીવંત ’અખંડ રાષ્ટ્ર’ ની અનૂભૂતિ છે . આ તો રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યે પૂર્ણ નિષ્ઠાની ભાવના છે, એક એવી નિષ્ઠા, જેમાં કોઇ અન્ય વ્યક્તિગત અથવા સંકુચિત સ્વાર્થ માટે સ્થાન નથી. ભારતના સંદર્ભમાં એનો અર્થ એ છે કે દેશના સર્વોપરી હિત આગળ જાતિ, વર્ગ, સંપ્રદાય, ભાષા, પ્રાંત વગેરે જેવી વ્યક્તિગત નિષ્ઠાઓ ગૌણ છે. એનો એક અર્થ એવો પણ છે કે આ મૂળ નિષ્ઠા પર આઘાત કરનાર કોઇપણ સમૂહ સાથે સમજૂતી કે સોદાબાજી ન કરવાની અટલ ભાવના હોવી જોઇએ.
‘ઇંડિયન નેશનલ કોંગ્રેસે’ પોતાના નામને અનુરૂપ જ પોતાને દેશના તમામ સમૂહની પ્રતિનિધિ સંસ્થા જાહેર કરી હતી. આથી તે રાષ્ટ્રીય હિત અને દેશની અખંડતા પ્રત્યેના પોતાના વચન પર અડગ રહેવું તેમજ ક્યારેય કોઇપણ વર્ગના દબાણને તાબે ન થવું એ એનું કર્તવ્ય હતું. પરંતુ રાષ્ટ્રના દુર્ભાગ્યે કૉંગ્રેસ ’મિશ્ર રાષ્ટ્ર’ અને ‘મિશ્ર સંસ્કૃતિ’ના સિદ્ધાંતોના ફંદામાં ફસાઇ ગઇ. એનામાં એવી લઘુતાગ્રંથી પેદા થઇ કે જ્યાં સુધી બધા સમુદાય એના મંચને શોભાવશે નહિ ત્યાં સુધી તે રાષ્ટ્રીય સંગઠન કહેવડાવવા યોગ્ય નથી. માત્ર હિન્દુઓ જ એના કાર્યક્રમોમાં ભાગ લેશે તો ક્યાંક એના પર ‘સાંપ્રદાયિક’ હોવાનું લાંછન લગાવી દેવામાં આવશે એવો ડર લાગ્યો. કૉંગ્રેસ સામે મુખ્ય સમસ્યા એ હતી કે કેવી રીતે મુસલમાનોને પોતાના પક્ષમાં લેવા અને તેમને અંગ્રેજોના સંમોહનમાંથી મુક્ત કરવા. અંગ્રેજો મુસલમાનોને પોતાની પડખે લેવા માટે પ્રલોભનો આપવા લાગ્યા હતા એટલે કૉંગ્રેસને પણ એવું લાગવા માંડ્યું કે અંગ્રેજો જે રસ્તે ચાલે છે એ એક જ રસ્તો સૌથી સારો છે.
એણે અનેક રીતે મુસલમાનોને ખુશ કરવાના પ્રયોગો શરુ કરી દીધા. ઘણીવાર તો સ્થિતિ તદ્દન હાસ્યાસ્પદ બની જતી. કૉંગ્રેસ પોતાના અધિવેશનોમાં ભાગ લેનારા મુસ્લિમ પ્રતિનિધિઓને ભાડાંભથ્થાં આપવા માંડી. એણે અધિવેશનોમાં એમના માટે વિશેષ સુખ સગવડોની વ્યવસ્થા પણ કરી આપી. સુરેન્દ્રનાથ બેનરજીએ કહ્યું છે:
‘આપણાં ટીકાકારો રાષ્ટ્રીય કૉંગ્રેસને હિન્દુ કૉંગ્રેસ માને છે અને વિરોધી-અખબાર પણ એના પર હિન્દુ કોંગ્રેસ હોવાનો જ થપ્પો મારે છે. અમે આપણા મુસલમાન દેશવાસીઓનો સહયોગ મેળવવા ભરચક પ્રયત્ન કરી રહ્યા છીએ…આપણે ઘણીવાર મુસલમાન પ્રતિનિધિઓને ભાડું તથા અન્ય સુવિધાઓ પણ આપી છે.’ (સુરેન્દ્રનાથ બેનર્જી: એ નેશન ઇન મેકિંગ, પૃ. 100) એ સમયની એક મહાન સામાજિક તથા ધાર્મિક વિભૂતિ અને પ્રસિદ્ધ કૉંગ્રેસી નેતા સ્વામી શ્રદ્ધાનંદે 1899 ના લખનૌ કૉંગ્રેસ અધિવેશન અંગે કેટલીક રસપ્રદ વાતો લખી છે:
પ્રત્યેક મુસ્લિમ ‘વાયઝ’ પ્રતિનિધિને મફત ટિકિટ આપવામાં આવી. દસ રુપિયા ભોજન શુલ્ક પણ મુસ્લિમ પ્રતિનિધિઓ પાસેથી લેવામાં આવ્યું નહિ અને ‘દસ્તર ખાન’ ની બધી સ્વાદિષ્ટ વાનગીઓ એમને પીરસવામાં આવી … અને આ ‘વાયઝ’ પ્રતિનિધિ આરંભની થોડીક મિનિટો માટે મંડપમાં પોતાનો ચહેરો દેખાડતાં અને બાકીના સમયમાં તેઓ મંડપની બહાર ખાણીપીણીના શમિયાણામાં બેસી મોજ કરતા હતા.’ (સ્વામી શ્રધ્ધાનંદ: ઇનસાઇડ કૉંગ્રેસ, પૃ. 25)
ડો. બાબાસાહેબ આંબેડકર સ્વામી શ્રદ્ધાનંદને ટાંકીને ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘કોન્ગ્રેસ તેની અને મુસ્લિમ લીગ વચ્ચે જે ઊંડી ખાઇ હતી તે પૂરવા ઉત્સુક હતી. 1916માં આ સાબિત કરવા માટે જે નીતિ રીતિ અપનાવાઇ અને પરિણામે લખનૌ કરાર થયા તે બધું સ્વામી શ્રદ્ધાંનંદે તે વર્ષે લખનૌમાં ભરાયેલા કોન્ગ્રેસ અધિવેશનના તેમના સંસ્મરણોમાં વિગતવાર લખ્યું છે. સ્વામીજી લખે છે: તે મંચ પર બેસતા જ (લખનૌ કોન્ગ્રેસ મંચ) સૌ પ્રથમ તો મેં જોયું કે 1893માં લાહોરમાં હતી તેના પ્રમાણમાં મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા ચાર ગણી હતી.
મોટાભાગના મુસ્લિમ પ્રતિનિધિઓએ તેમના પહેરવાના સાધારણ જાડા કાપડના પહેરવેશ ઉપર જરી કે રેશમી ભરત ભરેલા સોનેરી, કિનારવાળા ચોગા ધારણ કર્યા હતા. એવું કહેવાતું હતું કે આ ચોગા હિન્દુ મહાજનોએ કૉંગ્રેસના ‘તમાશા’ માટે એમને આપ્યા હતા. 433 મુસ્લિમ પ્રતિનિધિમાંથી 30 જેટલા જ બહારથી આવ્યા હતા.
એમાંથી મોટાભાગનાઓ માટે બધું જ મફત હતું. ચાહે તે બેઠક સ્થાન અથવા ખાણીપીણી અને રહેવાની વ્યવસ્થા હોય. સર સૈયદ અહમદની કોંગ્રેસ-વિરોધી મુસ્લિમ લીગે એક જાહેર સભામાં એવો પ્રયત્ન કર્યો હતો કે મુસલમાનોને પ્રતિનિધિઓ તરીકે કોંગ્રેસની આ બેઠકમાં સામેલ થતા રોકવામાં આવે. એના પ્રતિકાર તરીકે કૉંગ્રેસીઓએ અધિવેશન પ્રારંભ થતા પહેલા ચાર દિવસ સમગ્ર કૉંગ્રેસ શિબિર રોશનીથી ઝગમગાવી દીધી અને પ્રચાર કર્યો કે પ્રવેશ મફત મળશે. એના પરિણામે લખનૌના તમામ ‘ચંડૂલખાના’ઓ વેરાન થઇ ગયાં અને લગભગ ત્રીસ હજાર હિન્દુ તથા મુસ્લિમ પ્રતિનિધિઓની એક મોટા ટોળાંને અડધો ડઝમ મંચ પરથી સંબોધવામાં આવ્યા હતા. ત્યાર પછી જ મુસ્લિમ પ્રતિનિધિઓ ચૂંટાયા હતા કે તેમની પસંદગી કરવામાં આવી હતી. લખનૌ કૉંગ્રેસના આયોજકોએ અંગત વાતચીતમાં આ તમામ વાતો મારી (સ્વામી શ્રદ્ધાનંદ) આગળ સ્વીકારી હતી.’
‘મુસ્લિમ પ્રતિનિધિઓનું તો જાણે કે પ્રદર્શન લગાવ્યું હોય એવું લાગતું હતું. એક મુસ્લિમ પ્રતિનિધિ ઉર્દૂમાં ઠરાવને ટેકો આપવા ઊભો થાય છે. તે કહે છે, ‘હજરત! હું એક મુસ્લિમ પ્રતિનિધિ છું…’ વળી બીજી બાજુથી કોઇ હિંન્દુ ઊભો થાય છે અને કહે છે કે મુસ્લિમ પ્રતિનિધિ માટે તાળીઓ પાડો, અને તાળીઓનો એવો તો ગડગડાટ થાય છે, એવો તો ઉત્સાહ દેખાડવામાં આવે છે, જેને શબ્દોમાં વ્યક્ત કરવો અઘરો છે.’
સામાજિક સંમેલનનના વિચાર વિમર્સના માર્ગદર્શન માટે શ્રી રાનડે ઉપસ્થિત હતાં. આ સંમેલનને ‘રાષ્ટ્રીય’ ની સંજ્ઞા પ્રથમ અને અંતિમ વખત આપવામાં આવી હતી. ‘ઇંડિયન નેશનલ સોશિયલ કૉંગ્રેસ’માં કેવળ એક મુસ્લિમ પ્રતિનિધિએ ભાગ લીધો અને તે હતા બરેલીના કોઇ મુફ્તી સાહેબ. બાળવિધવાઓના પુનર્વિવાહને ટેકો આપતાે ઠરાવ લાવવામાં આવ્યો ત્યારે મુફ્તી સાહેબે બોલવાની અનુમતિ માંગી. અધ્યક્ષે (સ્વર્ગીય રાજા બૈજનાથ) મુફતી સાહેબને કહ્યું કે ઠરાવ માત્ર હિન્દુઓ સાથે જોડાયેલાે છે, આથી એમણે બોલવાની જરૂર નથી. આથી મુફતી જોરદાર ગુસ્સે થયા અને પૂછ્યું, ‘તો એનું નામ ’નેશનલ’ કેમ રાખ્યું છે? મુફ્તી સાહેબને એમની વાત કહેવાની પરવાનગી આપવામાં આવી. મુફ્તી સાહેબે કહ્યું હતું કે હિન્દુશાસ્ત્ર પુનર્વિવાહની આજ્ઞા આપતા નથી, આથી એના પર આગ્રહ રાખવો પાપ છે. અને, જ્યારે ખ્રિસ્તી અથવા મુસલમાન બની ગયા હોય એવા લોકોને પાછા લાવવા માટે પરાવર્તનનો (ઘરવાપસી) ઠરાવ લાવવામાં આવ્યો ત્યારે આજ મુફ્તી સાહેબે ઊભા થઇને એવો આગ્રહ રાખ્યાે હતો કે કોઇ વ્યક્તિ હિંદુધર્મ છોડીને વિધર્મી બની જાય પછી પુનરાગમનની અનુમતિ આપીને પવિત્ર હિંન્દુ સમાજને ભ્રષ્ટ કરવો જોઇએ નહીં. શ્રી રાનડે અને અન્ય કોઇ હિન્દુ નેતાને આનો કોઇ જવાબ સૂઝતો નો’તો ત્યારે મુફ્તી સાહેબ મંદમંદ હસી રહ્યા હતા.’ (સ્વામી શ્રદ્ધાનંદ: ઇનસાઇડ કૉંગ્રેસ, પૃ. 30-33) 1887માં કૉંગ્રેસનું અધિવેશન થયું એના અધ્યક્ષ બદરુદ્દીન તૈયબજી. બદરુદ્દીન શાલીન અને સુસંસ્કૃત મુસ્લિમ સજજન ગણાતા હતા. તેઓ દેશનું ભલું ઇચ્છતા હતા. તેઓ તદ્દન કટ્ટર મુસલમાન નહોતા. છતાં એમના વિચારો અને ભાવનામાં સર સૈયદ અહમદખાનના દ્રષ્ટિકોણ કરતાં કોઇ મૌલિક ભેદ ન હતો. પોતાના અધ્યક્ષીય ભાષણમાં એમણે એ વાત પર ભાર મૂક્યો કે હિન્દુસ્થાનમાં અનેક રાષ્ટ્રો છે, દરેકને પોતાની વિશેષ સમસ્યાઓ છે. કેટલીક સમસ્યાઓ સૌની સહિયારી છે અને તેઓ એના પર વિચાર કરવા માટે કોંગ્રેસ અધિવેશનમાં ભેગા થયા છે.
એક અન્ય પ્રસંગે સર સૈયદે કૉંગ્રેસમાં સામેલ થવા માટે એમની ટીકા કરી ત્યારે એના જવાબમાં તૈયબજીએ કહ્યુ હતું કે કૉંગ્રેસમાં રહીને મુસલમાનોનું હિત સાથી શકાય એટલા માટે કોન્ગ્રેસમાં સામેલ થયા છે. કેટલાક દિવસ પછી એમણે એ. ઓ. હ્યુમને પત્ર લખ્યો. એમાં એમણે કહ્યું હતું કે ‘મુસ્લિમ સમાજ કારણ યોગ્ય હોય કે ન હોય તો પણ બધી રીતે કૉંગ્રેસની વિરુદ્ધ રહેશે તો એનો અર્થ એવો થશે કે કૉંગ્રેસ-આંદોલન બધા લોકોનું પ્રતિનિધિત્વ કરતું રાષ્ટ્રીય આંદોલન ગણાશે નહીં’. એમણે તો એટલે સુધી સૂચન કર્યું કે પાંચ વર્ષ સુધી કોંગ્રેસને સ્થગિત કરી દેવી જોઇએ. તૈયબજીએ એવો નિશ્વય પણ કર્યો કે તેઓ ‘મુસ્લિમ એકતા-ઇસ્લામના મૂળ મંત્ર’ ની પ્રાપ્તિ માટે જીવનભર પ્રયાસ કરશે. આ બધામાંથી એક જ બાબત સ્પષ્ટ દેખાય છે કે કૉંગ્રેસના દિમાગમાં એવું બરાબર ઠસી ગયું હતું કે મુસલમાન હશે તો જ કૉંગ્રેસને ‘રાષ્ટ્રીય’ દરજ્જાનું લેબલ લાગશે.
કૉંગ્રેસે અલ્હાબાદમાં 1888માં તૈયબજીની અધ્યક્ષતામાં એક સત્તાવાર ઠરાવ પણ પસાર કર્યો. એમાં કહેવાયું હતું કે કૉંગ્રેસ કોઇ એવો કોઇ નવો વિચાર કે ઠરાવ નહીં લાવે જેનો વિરોધ હિન્દુ અથવા મુસ્લિમ પ્રતિનિધિ સામૂહિક રુપે સર્વ સંમતિ અથવા આંશિક સર્વસંમતિથી કરશે. મતલબ સીધો હતો કે કોન્ગ્રેસ હવે મુસ્લિમો જેમ કહેશે એમ જ કરશે. હિન્દુઓના વિરોધને ગણકારવાનો તો પ્રશ્ન જ નહોતો.
એક રીતે કોન્ગ્રેસ મુસલમાનોના શરણે જતી રહી. કૉંગ્રેસમાં એમની સંખ્યા ગમે તેટલી ઓછી કેમ જ હોય, તો પણ તેઓ કૉંગ્રેસની કોઇપણ નીતિ અથવા કાર્યક્રમને ગબડાવી શકે એમ હતા. એકવાર કૉંગ્રેસે આ લપસણા માર્ગે ચાલવાનું નક્કી કર્યું પછી તો જેમ જેમ સમય વહેતો ગયો, તેમ તેમ તે વધુ ને વધુ ઝડપથી નીચે સરકવા માંડી. કૉંગ્રેસ મુસલમાનોની ભાગલાવાદી પ્રવૃત્તિઓ પ્રત્યે ઘેલાં કાઢવા માંડી હતી. મુસલમાનો આગળ ઝૂકવાના બદલે મક્કમતાથી એમને દેશહિતના પાઠ ભણાવ્યા હોત તો અલગતાવાદનાં ખરાબ પરિણામો એમને પણ સમજાયા હોત. આપણે સૌ દેશવાસીઓ સામાન્ય રાષ્ટ્રીય આકાંક્ષાઓ અને સુખદુ:ખમાં સહભાગી બનીએ એવી વાત કોન્ગ્રેસે મુસલમાને સમજાવવાના બદલે એમની અલગતાવાદી માનસિકતા આગળ ઝૂકતી ગઇ. મુસલમાનો પણ દેશહિતના બદલે ઇસ્લામની પરંપરા મુજબ જ વલણ અપનાવ્યું.


ક્રમશ: ©kishormakwana


Spread the love