Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 22


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 22


• ક્રાંતિવીરોના બલિદાની રંગે અંગ્રેજ સલ્તનતને ડરાવી મૂકી


ક્રાંતિકારી ધડાકાઓથી અંગ્રેજો કેટલા થથરી ઊઠયા હતા, એનું વર્ણન સ્વયં વાઇસરૉય મિંન્ટૉએ કર્યું છે: ‘કલકત્તામાં વસતા યુરોપીય એટલા ભયભીત છે કે જો સ્થિતિ બગડશે તો એમનામાં આત્મવિશ્વાસ લાવવા માટે એમને તત્કાળ કોઇ અન્ય સ્થળે મોકલવા જરૂરી બનશે. આવી વાત મારા માટે અણગમતી છે, પરંતુ તથ્ય જે છે, એ છે.’

આ સમયગાળામાં ક્રાંતિકારી પ્રવૃતિઓએ જોર પકડ્યું. દેશને સ્વતંત્ર કરવાની આકાંક્ષા બળવત્તર બનવા લાગી અને સ્વાધીનતા સંગ્રામને એક નવો વ્યાપ મળ્યો. ખાસ કરીને બંગાળ, પંજાબ, સંયુક્ત પ્રાંત અને મુંબઇ પ્રાંતના ક્રાંતિકારીઓનાં ભારતભક્તિના ધડાકાઓનો અવાજ માત્ર આખાય ભારતમાં જ નહિ, બલકે વિદેશોમાં પણ પહોંચ્યો. એનો યશ ક્રાંતિકારીઓના નીડર પ્રયાસોને મળવું જોઇએ. એમણે ઇંગ્લેંડ, ફ્રાંસ, આયરલેંડ, અમેરિકા, ઇજિપ્ત, જાપાન, મલાયા, થાઇલેન્ડ, ચીન, ઇંડોનેશિયા અને ફિલીપીંસ જેવા દૂરદૂરના દેશોમાં વસતા ભારતીયો સુધી સ્વાધીનતાનો અગ્નિ પ્રજ્જવલિત થયો. ‘વંદેમાતરમ્’નો નારો ભારતીય ક્રાંતિવીરોનો મંત્ર બની ગયો. ‘વંદે માતરમ્’ બોલતા જ ભારતીયોની રગોમાં માતૃભૂમિ પ્રત્યે ચેતનાનો સંચાર થતો. ‘વંદેમાતરમ્’ ગીત સ્વાધીનતા સંગ્રામમાં કૂદી પડેલા રાષ્ટ્ર ભક્તોનો પ્રેરણા મંત્ર હતો. એનો જયઘોષ કરતા – સેંકડો યુવાનો ફાંસીને માંચડે ચડવા લાગ્યા. અંગ્રેજો સામેના આઝાદીના આંદોલનમાં તમામ ભારતીય નાગરિકે ખભે ખભા મિલાવીને ક્રાંતિની આંધી ફૂંકી હતી. અપાર દેશભક્તિ, દીર્ઘદ્રષ્ટિ, વીરતા અને સાહસથી ઓતપ્રોત શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, રાસબિહારી બોઝ, લાલા હરદયાળ, વીર સાવરકર, સરદારસિંહ રાણા, લાલા લજપતરાય અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવી મહાન વિભૂતિઓ આ આંદોલનના કર્ણધારો હતાં. એમના અણથક પ્રયાસોના કારણે જ આ આંદોલનને વિદેશોમાં પણ દિવ્ય સ્વરુપ પ્રાપ્ત થયું. દેશની અંદર સ્વાધીનતા સંગ્રામના આ ક્રાંતિયજ્ઞમાં ખુદીરામ બોઝ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, બિરસા મુંડા,અસફાકઉલ્લાખાન, ઉધમસિંહ,

ત્રૈલોક્યનાથ ચક્રવર્તી, શચીંદ્રનાથ બક્ષી, ચાફેકર બંધુઓ જેવા અસંખ્ય વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી. ક્રાંતિકારીઓ રક્ત વિદેશોમાં પણ કેવો રંગ જમાવે છે એનું ઉદાહરણ મદનલાલ ઢીંગરા છે. તેમણે લંડનની એક ક્લબમાં જુલાઇ, 1909માં ઇંડિયા ઑફિસ, લંડનના અધ્યક્ષ કર્નલ વાઇલીને ગોળીએ દીધા અને ફાંસીના ફંદા પર લટકી ગયા. ડબલ્યુ. એસ. બ્લન્ટે પોતાની રાજકીય મિત્ર લિને સ્ટીવેંન્સના શબ્દો ટાંકીને કહ્યું છે: ‘લિને સ્ટીવેન્સે ઢીંગરા દ્વારા કરાયેલ હત્યા અંગે ચર્ચા કરી છે, એથી લાગે છે કે એના રાજકીય મિત્રોને આખરે એ ખાતરી થવા માંડી છે કે ભારતની સ્થિતિ અંગે દાળમાં કંઇક કાળું છે. લોકો કહે છે કે રાજકીય હત્યાઓથી તો એમનો પોતાનો હેતુ જ નિષ્ફળ થાય છે, પરંતુ આ બધો બકવાસ છે; આ તો સ્વાર્થી શાસકોની આંખ ઉઘાડનારો માત્ર એક ઝાટકો છે કે સ્વાર્થી અવિવેકની પણ આખરે એક હદ હોય છે. આ તો એ કિંવદતિ સમાન છે કે ઇંગ્લેડ ધમકીઓ સામે ઝૂકતું નથી, પણ મારો એ અનુભવ છે કે જ્યારે ઇંગ્લેંડના મોં પર તમાચો ઠોકવામાં આવે છે, ત્યારે જ તે ક્ષમા માંગે છે, એ પહેલાં નહિ.’ (આર.સી.મજૂમદાર : હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેંટ, ખંડ- 11 , પૃ. 233)

બ્લન્ટે પોતાની ડાયરીમાં લખ્યું છે કે ઢીંગરાની કોઇ તુલના કરી શકાય નહિ. કોઇપણ મસીહી શહીદે ક્યારેય પણ પોતાના ન્યાયાધીશોને આથી વધુ નિર્ભયતા કે ગૌરવથી જડબાતોડ જવાબ આપ્યો નથી. એમણે કહ્યું કે ઢીંગરાને ફાંસી એ ચઢાવવાનો દિવસ પેઢીઓ સુધી ભારતમાં બલિદાન-દિવસ તરીકે ઉજવાતો રહેશે. ક્રાંતિકારીઓના આ સશસ્ત્ર માર્ગનું પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કેટલાક તત્કાલીન રાષ્ટ્રીય દિગ્ગજો જેવા કે અરવિંદ ઘોષ, લાલ-બાલ-પાલ, અશ્વિનીકુમાર દત્ત, આચાર્ય પી. સી.રે, રવીંદ્રનાથ ટાગોર અને બંકિમચંદ્ર વગેરે પણ સમર્થન કરતા હતા. ટિળકે ઉઘાડેછોગ પોતાના ‘કેસરી’ અખબારમાં બોંબના સિદ્ધાંતનો પ્રચાર કર્યો હતો. એ માટે એમને અંગ્રેજોના કોપનું ભોગ બનવું પડ્યું. મહારાષ્ટ્રથી દૂર બર્માની માંડલે જેલમાં એમને છ વર્ષની સજા ભોગવવી પડી. ક્રાંતિકારી ધડાકાઓથી અંગ્રેજો કેટલા થથરી ઊઠયા હતા, એનું વર્ણન સ્વયં વાઇસરૉય મિંન્ટૉએ કર્યું છે:

‘કલકત્તામાં વસતા યુરોપીય એટલા ભયભીત છે કે જો સ્થિતિ બગડશે તો એમનામાં આત્મવિશ્વાસ લાવવા માટે એમને તત્કાળ કોઇ અન્ય સ્થળે મોકલવા જરૂરી બનશે. આવી વાત મારા માટે અણગમતી છે, પરંતુ તથ્ય જે છે, એ છે.’ (વી.બી. કુલકર્ણી : ઇંડિયા એન્ડ પાકિસ્તાન, પૃ 192)

ભારતીય ક્રાંતિવીરોના અદમ્ય સાહસ, સમર્પણ અને શહીદીએ અંગ્રેજ સલ્તનતને ગભરાવી મૂકી. ડરાવી મૂકી.


ક્રમશ: ©kishormakwana


Spread the love