ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ દર સોમવાર, બુધવાર તથા શુક્રવારે https://devlipinews.com/ ઉપર ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી પ્રસિદ્ધ લેખક, પત્રકાર તથા પ્રકાશક શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે લખાયેલી આ ઐતિહાસિક લેખમાળા.
વાંચો લેખમાળાનું પ્રકરણ 9
મુસ્લિમ અલગતાવાદને પ્રોત્સાહન
ડો. આંબેડકરે લખ્યું મુસલમાનો માટે ભારત ‘દારુલ હરબ’ ભૂમિ હતી, ભારતને એ પોતાની ભૂમિ માનતા નહોતા
રણજિતસિંહના પરાક્રમી શીખ સૈન્યે વહાબી સેના ને ગાજર-મૂળાની જેમ કાપીને ફેંકી દીધી.
મુસલમાનો પ્રત્યે અંગ્રેજો એ જે રણનીતિ અપનાવી, એનો આધાર હતો કેટલીક સદીઓથી વિકસેલી મુસ્લિમ માનસિકતા. અંગ્રેજોએ તેને બરાબર પારખી લીધી હતી અને એ મુજબ જ એમણે નીતિ-રીતિ અને યોજનાઓ ઘડી.
ભારતમાં જ્યારે ઇસ્લામનો રાજકીય અને સૈનિક સિતારો ડૂબવા માંડયો ત્યારે શાહ વલીઉલ્લા દેહલવી (1703 થી 1762) એ ભારતના મુસલમાનોમાં કટ્ટર પુનરુત્થાનવાદી બહાવી આંદોલન ચલાવ્યું. બહાવીઓ પયગંબર અને પ્રથમવાર ખલીફાઓના કાળમાં પ્રચલિત ‘વિશુધ્ધ’ પરંપરાઓમાં આસ્થા રાખતા હતા. વલીઉલાએ પીડાકારક ફોલ્લા માટે ઓપરેશનનું કામ કરે એ રીતે ‘જેહાદ’ ને એક એવું સાધન બનાવવાનો પ્રયાસ કર્યો. તે સમગ્ર દુનિયા માટે એક ખલીફાના રાજનું સ્વપ્ન જોતા હતાં. જેનું આધિપત્ય પતન તરફ ધકેલાયેલા સમાજોના વિવિધ શાસકો પર હોય. આ સ્વપ્નને સાકાર કરવા માટે એણે અફઘાનિસ્તાનના અહમદશાહ અબ્દાલીને ભારત પર આક્રમણ કરવાનું નિમંત્રણ આપી દીધું. હેતુ હતો અસ્તાચળે જતી ઇસ્લામી શક્તિને બચાવવાનો અને મરાઠાઓ તેમજ જાટોની વધતી જતી હિન્દુ શક્તિને દબાવવાનો. વલીઉલ્લાએ મુસ્લિમોને સમજાવ્યું કે તેઓ ભારતીય જીવનની મુખ્યધારાથી અળગા જ રહે, નહીંતર હિન્દુઓના સંસર્ગથી ઇસ્લામ ગંદો થઇ જશે. એણે કહ્યું કે હિન્દુ પ્રથાઓનો ઘોર વિરોધ કરવા માટે એ જરૂરી છે કે મુસ્લિમ પોતાને સમગ્ર મુસ્લિમ જગતનું અંગ જ સમજે કે જેથી ઇસ્લામ જ એમની પ્રેરણાઓ અને આદર્શોનો સ્ત્રોત બની રહે. એના ફળ સ્વરૂપે મુસલમાન ભારતની હિન્દુ જીવનની મુખ્ય ધારાથી કપાઇને અળગા થઇ ગયા. પરિણામે કેટલાક સમયથી ધીમે ધીમે હિન્દુઓ અને મુસલમાનોની સાંસ્કૃતિક એકતા ધીમે ધીમે વધી રહી હતી એનાથી સાવ વિપરિત માનસિકતા આકાર લેવા લાગી.
વલીઉલ્લાએ મુસ્લિમ નવાબોને પણ પત્ર લખ્યા. એણે મુસ્લિમોને વિનંતી કરી કે તેઓ આક્રમક અફઘાન સૈન્યને હ્રદયપૂર્વક ટેકો આપે, પરંતુ અહમદશાહ અબ્દાલી અફઘાનિસ્તાન પાછો ગયો, જોકે એણે 1761 માં પાણીપતના યુધ્ધમાં હિન્દુ સેનાઓને હરાવી દીધી. જોકે તરત જ હિન્દુ સેનાઓ સાવધ થઇ ગઇ અને દિલ્હી મરાઠાઓના નિયંત્રણમાં આવી ગયું. બીજી બાજુ બ્રિટિશ રાજના ખુંખાર મગરે ભારતના વધુ અને વધુ ભાગો હડપવાનું ચાલુ કરી દીધું હતું. વલીઉલ્લાના પુત્ર શાહ અબ્દુલ અઝીઝ ( 1746-1822) એ ઘોષણા કરી કે ભારત ઇસ્લામી સાર્વભૌમત્વની સ્થાપના માટે દારુલ હરબ અર્થાત જ્યાં ઇસ્લામનું શાસન નથી એવો દેશ હતો.
ઇસ્લામની મૂળભૂત આ માનસિકતા બાબતે ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘મુસ્લિમ કાનૂન અનુસાર દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે- દારુલ ઇસ્લામ અને દારુલ હરબ. જ્યાં મુસલમાનોનું રાજ હોય એવો દેશ ‘દારુલ ઇસ્લામ’ કહેવાય છે. જ્યાં મુસલમાનો રહે છે પરંતુ એ શાસક નથી એવો દેશ ‘દારુલ હરબ’ કહેવાય છે. ઇસ્લામી કાનૂન મુજબ ભારત દેશ હિન્દુઓ અને મુસલમાનોની એક સમાન માતૃભૂમિ ન હોઇ શકે. તે મુસલમાનોની તો જમીન હોઇ શકે છે પરંતુ સમાન રીતે રહેતા હિન્દુઓ અને મુસલમાનોની ભૂમિ ન હોઇ શકે. એ મુસલમાનોની ભૂમિ પણ ત્યારે જ થઇ શકે જ્યારે એના મુસલમાનોનું રાજ હોય. જે ક્ષણે એ ભૂમિ પર કોઇ બિન મુસ્લિમનો અધિકાર થઇ જાય ત્યારે તે મુસલમાનો માટે પોતાની જમીન ગણાતી નથી. ‘દારુલ ઇસ્લામ’ના બદલે તે ‘દારુલ હરબ’ બની જાય છે.’
ડો. બાબાસાહેબ આંબેડકરના કહેવા મુજબ ભારત એમના માટે ‘દારુલ હરબ’ હતો, એને ત્યારે જ એ પોતાનો દેશ માને જ્યારે એના પર સંપૂર્ણ ઇસ્લામનું શાસન આવી જાય. એમણે ભારતને ‘દારુલ ઇસ્લામ’માં પરિવર્તિત કરવા માટે પ્રયત્નો શરુ કર્યા.
શાહ અબ્દુલ અઝીઝે અંગ્રેજોના આંશિક રાજને કાફરોનું રાજ જાહેર કરી દીધું. આવું જ એક આંદોલન બંગાળમાં ફરીદી આંદોલનના જનક હાજી શરિયતુલ્લાએ શરુ કરી દીધું. શાહ અબ્દુલ અઝીહે અરબ મૂળના સૈયદ અહમદ બરેલવી ( 1776-1831) ને ‘જેહાદ’ ના સંચાલન માટે સૈનિક, રાજકીય તથા આધ્યાત્મિક નેતા પણ નિયુક્ત કર્યા. સૈયદ અહમદે રુહેલખંડ, દોઆબ, અવધ, બિહાર અને બંગાળનો પ્રવાસ કર્યો, નવી ખિલાફત માટે સ્વયંસેવકોની ભરતી કરી અને પૈસાનું આયોજન કર્યું. 1830 સુધીમાં સૈયદ અહમદે પેશાવરમાં સરકાર બનાવી દીધી. એમના હાથ નીચે 80,000 સૈનિકોની એક વિશાળ વહાબી સેના હતી. એમને સત્તાવાર ખલીફા બનાવવામાં આવ્યા. સૈયદ અહમદે પોતાની ‘જેહાદ’ શીખો તરફ વાળી દીધી.
અંગ્રેજો તો શીખ–શક્તિનો વિનાશ થાય એની રાહ જોઇને જ બેઠા હતા. એમણે વહાબીઓને પોતાના રાજ્યમાંથી લોકો, ધન અને શસ્ત્ર ભેગાં કરી સિંધ કે પંજાબ થઇને અફઘાનિસ્તાન તરફ જવા દીધા કે જેથી તેઓ શીખો પર ચઢાઇ કરી શકે, પરંતુ રણજિતસિંહના પરાક્રમી શીખ સૈન્યે વહાબી સેના ને ગાજર-મૂળાની જેમ કાપીને ફેંકી દીધી.