તા. 01 ઓક્ટોબર 1982ના રોજ રમેશ સિપ્પીના ડિરેક્શન હેઠળ દિલીપ કુમાર, અશોક કુમાર, અમિતાભ બચ્ચન, રાખી, સ્મિતા પાટીલ, અનિલ કપૂર, અમરીશ પુરી, કુલભુષણ ખરબંદા, શરત સક્સેના, દલિપ તાહિલ અને સતીશ શાહ અભિનિત એક્શન ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘શક્તિ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત આર.ડી. બર્મને આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 46 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.7* છે.
બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ ‘શક્તિ’ 1982ના વર્ષની ‘વિધાતા’, ‘પ્રેમરોગ’, ‘નમક હલાલ’, ‘ખુદદાર’, ‘ફર્ઝ ઔર કાનૂન’, ‘નિકાહ’ અને ‘સત્તે પે સત્તા’ પછી આઠમા નંબરની સુપરહિટ ફિલ્મ હતી. જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 8 કરોડ હતું. ‘શક્તિ’ નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 6 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 19 લાખ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 32 લાખ હતું. જે ફુગાવો ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ. 299.20 કરોડ ગણી શકાય.
‘શક્તિ’ 1974ની તામિલ ફિલ્મ ‘થાનગા પથક્કમ’ થી પ્રભાવિત હતી.
‘શક્તિ’ 1977માં લોન્ચ કરવામાં આવી હતી. ફિલ્મનો મુહૂર્ત શોટ અમિતાભ હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરે છે અને દિલીપ કુમાર સાથે વાત કરે છે. જોકે, ફિલ્મમાં આ સીન લેવામાં આવ્યો ન હતો.
‘શક્તિ’ બનતાં 5 વર્ષ લાગ્યા
‘શક્તિ’ નું મુહૂર્ત તા. 20 નવેમ્બર 1977ના દિવસે થયું હતું. જ્યારે શૂટિંગ 3 વર્ષ બાદ 1980માં શરૂ કરાયું હતું. કેમકે, રમેશ સિપ્પી પહેલાં ‘શાન’ પૂરી કરવા માંગતા હતાં.
બોલીવુડના બે દિગ્ગજ કલાકારો પહેલી અને છેલ્લી વાર આમનેસામને થયાં
બોલીવુડના બે દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચને પહેલી અને છેલ્લી વાર એકબીજા સાથે કામ કર્યું હતું.
‘શક્તિ’ વાહવાહી તો મેળવી ગઈ પણ અપેક્ષા અનુસાર બોક્સ ઓફિસ ન છલકાવી શકી
‘શક્તિ’ રજુ થઈ ત્યારે ફિલ્મને સમીક્ષકોની તારીફ તો ખૂબ મળી અને ફિલ્મ હીટ પણ રહી હતી પણ એજ વર્ષોમાં રજૂ થયેલી અમિતાભની ‘યારાના’, ‘કાલિયા’, ‘નમક હલાલ’, ‘ખુદદાર’, ‘સત્તે પે સત્તા’ કે દિલીપ કુમારની ‘વિધાતા’ જેવું બ્લોકબસ્ટર પર્ફોર્મન્સ કરી શકી ન હતી.
દિલીપ કુમારે ફિલ્મની વાર્તામાં બાપ-બેટાના સંઘર્ષની જગ્યાએ બે ભાઈઓના સંઘર્ષ તરીકે બતાવવા સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવા રમેશ સિપ્પીને જણાવ્યું હતું. પણ સલીમ જાવેદે દિલીપ કુમારને બાપ બેટાની સ્ક્રિપ્ટ મુજબ કામ કરવા રાજી કરી લીધાં હતાં.
‘શક્તિ’ રજૂ થઈ ત્યારે અમિતાભ ‘કુલી’ ના શૂટિંગ વખતે થયેલા અકસ્માતને કારણે હોસ્પિટલમાં હતાં.
નીતુસિંઘે ના પાડતા સ્મિતા પાટીલનો આકસ્મિક પ્રવેશ
રમેશ સિપ્પી પહેલાં નીતુસિંઘને હીરોઈન તરીકે લેવા માંગતા હતાં. પણ તે સમયે નીતુએ રિશી સાથે લગ્ન કરી લીધાં હતાં અને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી સિપ્પીએ સ્મિતા પાટીલને સાઈન કરી હતી.
દિલીપકુમાર સાથે કામ કરવા રાખીએ અમિતાભની માતા બનવાનું સ્વીકાર્યું
અમિતાભની ઘણી ફિલ્મોમાં તેની હીરોઈન તરીકે કામ કરનાર રાખીએ દિલીપ કુમારની સાથે કામ કરવાની પોતાની ઈચ્છા પૂરી કરવા ‘શકિત’ માં અમિતાભની માતાનો રોલ કરવાનું સ્વીકાર્યું હતું. રાખી વાસ્તવિક જિંદગીમાં અમિતાભ કરતાં 5 વર્ષ નાની છે અને તેજ વર્ષે અમિતાભની હીરોઈન તરીકે રાખીની ‘બેમિસાલ’ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.
‘શક્તિ’ ના નિર્માણ દરમ્યાન રમેશ સિપ્પી અને રાખી વચ્ચે અફેર હોવાની અફવા ઉડી હતી.
અનિલ કપૂરનો નાનકડો રોલ
અનિલ કપૂર તે સમયે ફિલ્મોમાં આવવા સંઘર્ષ કરતો હતો. ‘શક્તિ’ માં તેણે અમિતાભના પુત્રનો નાનકડો કેમિયો રોલ કર્યો હતો. જૉકે, બંનેનો એકબીજા સાથે એકપણ સીન ન હતો. અનિલની કારકિર્દીમાં સીમાચિન્હરૂપ સાબિત થયેલ ‘મેરી જંગ’ અને ‘મિ. ઈન્ડિયા’ પહેલાં અમિતાભને જ ઓફર કરાઈ હતી.
રમેશ સિપ્પી ‘શક્તિ’ ને પહેલાં ફક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખીને એકપણ ગીત વગરની ફિલ્મ બનાવવા માંગતા હતાં.
‘શક્તિ’ માં એક ગીત કિશોર કુમાર અને આશા ભોંસલેના અવાજમાં રેકર્ડ કરવામાં આવ્યું હતું. પણ અમિતાભ ‘કુલી’ ના અકસ્માતના કારણે હોસ્પિટલમાં હોવાથી તેનું શૂટિંગ જ ન થતાં તેને ફિલ્મમાં લેવામાં આવ્યું ન હતું.
‘શક્તિ’ નું સુરીલું સંગીત
‘શક્તિ’ માં કુલ 4 ગીત હતાં. જેમાંથી – ‘જાને કૈસે કબ કહાં’ (લતા-કિશોર), ‘હમને સનમ કો ખત લિખા’ (લતા) અને ‘માંગી થી એક દુઆ’ (મહેન્દ્ર કપૂર) આ 3 ગીતો ખૂબ લોકપ્રિય થયા હતાં.
1983ના વર્ષની બિનાકા ગીતમાલાની વર્ષના સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિમાં ‘હમને સનમ કો ખત લિખા’ (લતા) 22માં નંબર ઉપર રહ્યું હતું.
ફિલ્મફેરમાં ‘શક્તિ’ નો સપાટો
30માં ફિલ્મફેર એવૉર્ડ સમારંભમાં ‘શક્તિ’ ને ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ સાઉન્ડ’, દિલીપ કુમારને ‘બેસ્ટ એક્ટર’ તેમજ સલીમ જાવેદને ‘બેસ્ટ સ્ક્રીનપ્લે’ બદલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે અમિતાભ બચ્ચનને ‘બેસ્ટ એક્ટર’, રાખીને ‘બેસ્ટ એક્ટ્રેસ’, સલીમ જાવેદને ‘બેસ્ટ સ્ટોરી’ અને રમેશ સિપ્પીને ‘બેસ્ટ ડિરેક્ટર’ તરીકે નોમિનેશન મળ્યું હતું.
તત્કાલીન રાજકીય શક્તિઓ
‘શક્તિ’ રિલીઝ થઈ ત્યારે તા. 01 ઓક્ટોબર 1982ના દિવસે જ્ઞાની ઝેલસિંઘ દેશના રાષ્ટ્રપતિ અને ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે શારદા મુખર્જી ગુજરાતના રાજ્યપાલ અને માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.
