Spread the love

  • ડિમ્પલ કાપડિયાનું ધમાકેદાર પુનરાગમન

  • કમલ હસનની પણ બોલીવુડમાં રીએન્ટ્રી

  • ડિમ્પલનો બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અવતાર

તા. 9 ઓગસ્ટ 1985ના રોજ રમેશ સિપ્પીના ડિરેક્શન હેઠળ રિશી કપૂર, કમલ હસન, ડિમ્પલ કાપડિયા, નાદિરા, સઈદ જાફરી, મધુર જાફરી, એ.કે. હંગલ, શફી ઈનામદાર, સતીશ કૌશિક અને ગોગા કપૂર અભિનિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સાગર’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત આર.ડી. બર્મને આપ્યું હતું. ફિલ્મની 3 કલાક અને 07 મિનિટ જેટલી લાંબી હતી. ‘સાગર’ નું IMDB રેટિંગ 7.1* છે.

12 વર્ષ પહેલાં બોક્સ ઓફિસ છલકાવનારી જોડી ‘સાગર’ ન છલકાવી શકી

‘બોબી’ ના 12 વર્ષ બાદ રિશી કપૂર અને ડિમ્પલ કાપડિયાની જોડી પહેલી વાર સાથે પડદા ઉપર આવી રહી હતી. જેથી પ્રજામાં ‘સાગર’ ને લઈને ભારે ઉત્કંઠા હતી. પણ બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ ‘સાગર’ અપેક્ષા અનુસાર દેખાવ નહોતી કરી શકી અને એવરેજ સાબિત થઈ હતી.

ડિમ્પલની કમબેક ફિલ્મ પણ રિલીઝ થવામાં લેટ થઈ

‘સાગર’ ડિમ્પલ કાપડિયાની કમબેક ફિલ્મ હતી. પણ ડિરેક્ટર રમેશ સિપ્પીએ કેટલાંક દ્રશ્યોનું ફરીથી શૂટિંગ કરતાં ફિલ્મની રિલીઝ લંબાઈ હતી અને ડિમ્પલની ‘ઝખ્મી શેર’, ‘મંઝિલ મંઝિલ’ અને ‘એતબાર’ ફિલ્મો ‘સાગર’ પહેલાં જ રિલીઝ થઈ ચૂકી હતી.

‘સાગર’ માટે ‘સદમા’ નો અસ્વીકાર

‘સાગર’ માટે તારીખો ફાળવેલી હોવાથી ડિમ્પલે ‘સદમા’ ફિલ્મની ઓફરનો અસ્વીકાર કર્યો હતો

‘સાગર’ 1985ના એકેડમી એવોર્ડમાં ‘Best Foreign Language Film’ તરીકે ભારતની સત્તાવાર એન્ટ્રી પામેલી ફિલ્મ હતી. જોકે, તેને નોમિનેશન મળ્યું ન હતું.

15 વર્ષ બાદ ફિલ્મફેરમાં ઈતિહાસ દોહરાયો

ફિલ્મફેર એવોર્ડના ઈતિહાસમાં માત્ર બીજીવાર એવું બન્યું હતું જ્યારે તે ફિલ્મનો કલાકાર એટલે કે કમલ હસન ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ એમ બંને કેટેગરીમાં નોમિનેટ થયો હોય ! અગાઉ 1970માં ફિલ્મ ‘આશિર્વાદ’ માટે અશોકકુમાર આ બે કેટેગરીમાં નોમિનેટ થયા હતાં.

કમલ હસનની શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ

કમલ હસને હિન્દી ફિલ્મોમાં ‘સદમા’ બાદ ‘સાગર’માં કરેલો અભિનય તેની હિન્દી ફિલ્મોની કારકિર્દીમાં ‘બેસ્ટ પર્ફોર્મન્સ’ મનાય છે.

‘સાગર’ માં રિશી કપૂરની દાદીનો અભિનય કરનાર મધુર જાફરીની એકમાત્ર હિન્દી ફિલ્મ હતી.

‘સાગર’ નું શૂટિંગ મુંબઈના અકસા બીચ અને મઢ આઈલેન્ડ ઉપર થયું હતું.

10 વર્ષ બાદ કેમેરાનો સામનો કરી રહેલ ડિમ્પલની નર્વસનેસ

‘સાગર’ ના શૂટિંગની શરૂઆત ‘જાને દો ના’ ગીતથી થઈ હતી. 10 વર્ષ પછી કેમેરાનો સામનો કરી રહેલ ડિમ્પલ ખૂબજ નર્વસ હતી. જેથી ખૂબજ રિટેક લેવા પડ્યા હતાં.

‘સાગર’ જાણીતી અભિનેત્રી ‘નાદિરા’ ની અંતિમ ફિલ્મોમાંથી એક હતી.

શફી ઈનામદાર રોલ માટે રમેશ સિપ્પી પહેલાં શેખર કપૂરને લેવા ઈચ્છતા હતાં. પણ શેખર કપૂર વ્યસ્ત હોવાથી શફી ઈનામદારને સાઈન કરવામાં આવ્યા હતાં.

સિપ્પીનું એક્શનથી રોમેન્ટિક ફિલ્મો તરફ પ્રયાણ

1975ની ‘શોલે’, 1980ની ‘શાન’ અને 1982ની ‘શક્તિ’ એમ અમિતાભ બચ્ચન સાથે લગાતાર 3 એક્શન ફિલ્મો કર્યા બાદ રમેશ સિપ્પી 1985ની ‘સાગર’ થી રોમેન્ટિક ફિલ્મો બનાવવા તરફ વળ્યા હતાં.

‘સાગર’ ના પ્રિમિયરમાં મશહૂર ચિત્રકાર એમ.એફ. હુસૈન મુખ્ય મહેમાન હતાં. હુસૈન ચપ્પલ પહેર્યા વગર જ પ્રિમિયરમાં આવ્યા હતાં.

‘સાગર’ ના નિર્માણ દરમિયાન ડિરેક્ટર રમેશ સિપ્પી સાથે ડિમ્પલના અફેરની અફવા ઉડી હતી.

‘સાગર’ અપેક્ષા અનુસાર ન ચાલતા શફી ઈનામદારે રમેશ સિપ્પી ઉપર ભડાશ બહાર કાઢતાં જણાવ્યું હતું કે ‘સાગર’ માં તેનું પાત્ર, પટકથા, ડિરેક્શન સહિત બધુંજ ખરાબ હતું.

સાગરની લહેરોની જેમ મન ડોલાવતું ‘સાગર’ નું સુપરહિટ સંગીત

‘સાગર’ માં કુલ 7 ગીતો હતાં અને આ તમામ ગીતો સુપરહિટ હતાં. ફિલ્મના ગીતોમાં – ‘ઓ મારિયા’ (એસ.પી. બાલા સુબ્રહ્મણીયમ-આશા ભોંસલે), ‘સાગર કિનારે, દિલ યે પુકારે’ (કિશોરકુમાર-લતા મંગેશકર), ‘સચ મેરે યાર હૈ’ (એસ.પી. બાલા સુબ્રહ્મણીયમ), ‘ચહેરા હૈ યા ચાંદ ખિલા હૈ’ (કિશોરકુમાર), ‘જાને દો ના’ (શૈલેન્દ્ર-આશા ભોંસલે) અને ‘યું હી ગાતે રહો’ (કિશોરકુમાર- એસ.પી. બાલાસુબ્રહ્મણીયમ) લોકપ્રિય થયા હતાં.

બિનાકા ગજવતા ‘સાગર’ ના ગીતો

1985ના વર્ષની બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની યાદીમાં ‘ઓ મારિયા’ (બાલા-આશા) 8માં નંબરે, ‘સાગર કિનારે, દિલ યે પુકારે (કિશોર-લતા) 20માં નંબરે અને ‘જાને દો ના’ (શૈલેન્દ્ર-આશા) 22માં નંબર ઉપર હતું.

ફિલ્મફેર એવોર્ડમાં ‘સાગર’ નો સપાટો

33માં ફિલ્મફેર એવોર્ડમાં ‘સાગરે’ 10 કેટેગરીમાં નોમિનેશન મેળવી સપાટો બોલાવ્યો હતો. ‘સાગર’ ને ‘બેસ્ટ એક્ટર’ (કમલ હસન), ‘બેસ્ટ એક્ટ્રેસ’ (ડિમ્પલ કાપડિયા), ‘બેસ્ટ મેલ પ્લેબેક સિંગર’ (કિશોર કુમાર-સાગર કિનારે) અને ‘બેસ્ટ સિનેમેટોગ્રાફી’ (એસ.એમ. અનવર) એમ 4 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતાં. જ્યારે ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ ડિરેક્ટર’ (રમેશ સિપ્પી), ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ (કમલ હસન), ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ (મધુર જાફરી), ‘બેસ્ટ મ્યુઝિક’ (આર.ડી. બર્મન) અને ‘બેસ્ટ લેરિકસ’ (જાવેદ અખ્તર- સાગર કિનારે) એમ 6 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું.

‘સાગર’ સમયે રાજ સંભાળતા પદાધિકારીઓ

‘સાગર’ રિલીઝ થઈ ત્યારે 09 ઓગસ્ટ 1985ના દિવસે જ્ઞાની ઝૈલસિંહ દેશના રાષ્ટ્રપતિ અને રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે બી.કે. નહેરુ ગુજરાતના રાજ્યપાલ અને અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *