તા. 12 સપ્ટેમ્બર 1986ના રોજ મહેશ ભટ્ટના ડિરેક્શન હેઠળ નૂતન, સંજય દત્ત, કુમાર ગૌરવ, અમૃતા સિંઘ, પૂનમ ઢીલ્લોન અને પરેશ રાવલ અભિનિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ ‘નામ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 57 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.5* છે.
‘નામ’ બોક્સ ઓફિસ કલેક્શનની રીતે 1986ના વર્ષની ‘કર્મા’, ‘નગીના’ અને ‘આખરી રાસ્તા’ પછી ચોથા નંબરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. ‘નામ’ નું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 30.5 કરોડ સુધી પહોંચ્યું હતું. ‘નામ’ 1980ના દાયકાની બોક્સ ઓફિસ કલેકશનની દ્રષ્ટિએ 8માં નંબરની ફિલ્મ હતી.
સંજય દત્તનું ધમાકેદાર કમબેક
1982ની ‘વિધાતા’ થી લઈને 1986માં આવેલી ‘નામ’ સુધીની સંજય દત્તની બધી ફિલ્મો ફ્લોપ થઈ હતી. ‘નામ’ સફળ જતાં સંજય દત્તે કમબેક કર્યું હતું.
જાવેદ સાથેની જોડી તૂટ્યા બાદ સલીમની પહેલી ફિલ્મ
સલીમ-જાવેદની જોડી છૂટી પડ્યા બાદ સલીમ ખાનની સ્વતંત્ર રાઈટર તરીકે ‘નામ’ પ્રથમ ફિલ્મ હતી.
રાજેન્દ્ર કુમારે પુત્રની ડૂબતી કારકિર્દી બચાવવા ફિલ્મ બનાવી પણ કારકિર્દી સંજય દત્તની બની ગઈ
હકીકતમાં રાજેન્દ્ર કુમારે પોતાના પુત્ર કુમાર ગૌરવની ડૂબતી કારકિર્દી બચાવવા ‘નામ’ બનાવી હતી અને સંજય દત્તે જે રોલ કર્યો હતો તે રોલ કુમાર ગૌરવ કરે એમ તે ઈચ્છતા હતાં. પણ કુમાર ગૌરવે પોતાના ખાસ મિત્ર અને સાળા સંજય દત્તની કારકિર્દી વેગ પકડે તે માટે સંજયને લીડ રોલમાં લેવા પોતાના પિતાને મહામહેનતે તૈયાર કર્યા હતાં. રાજેન્દ્ર કુમારને એવો ડર હતો કે સંજયની આગળ કુમાર ગૌરવનો રોલ ઢંકાય જશે. જોકે, વિવેચકોએ કુમાર ગૌરવના અભિનયના વખાણ કર્યા હતાં.
રાજેન્દ્ર કુમારે પોતાના પુત્રની ડૂબતી કારકિર્દીને ઉગારવા ‘નામ’ બનાવી હતી, પણ ‘નામ’ સંજય દત્ત માટે લકી સાબિત થઈ હતી.
‘નામ’ માં કુમાર ગૌરવે સંજય દત્તના મોટા ભાઈનો રોલ કર્યો હતો. જ્યારે વાસ્તવિક જિંદગીમાં કુમાર ગૌરવ સંજય દત્ત કરતાં 1 વર્ષ નાનો છે.
કારકિર્દીના સર્વશ્રેષ્ઠ અભિનય છતાં કુમાર ગૌરવને કાઈ લાભ ન મળ્યો

‘નામ’ માં કુમાર ગૌરવનો અભિનય તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનય મનાય છે. જોકે, અભિનયના વખાણ થયા હોવા છતાં પોતાની કારકિર્દીને એનો કોઈ ફાયદો ન મળતાં કુમાર ગૌરવ ખુબજ નિરાશ થઈ ગયો હતો અને તેને પોઝિટિવ અને સોફ્ટ ભૂમિકાઓ છોડીને એક્શન ફિલ્મો કરવાનું નક્કી કરી ‘જુરરત’ ફિલ્મ સાઈન કરી હતી.
‘નામ’ પરેશ રાવલની એકદમ શરૂઆતની ફિલ્મ હતી. ‘નામ’ થી પરેશ રાવલની વિલન તરીકેની કારકિર્દીને મોટો આધાર મળ્યો હતો.
‘નામ’ ફિલ્મથી મહેશ ભટ્ટ, સંજય દત્ત અને પરેશ રાવલની કારકિર્દી ખૂબ ઊંચકાઈ હતી.
ડ્રગની સારવાર બાદ સંજુએ સાઈન કરેલી પહેલી ફિલ્મ

‘નામ’ અમેરિકાથી ડ્રગની સારવાર કરાવી ભારત આવ્યા બાદ સંજય દત્તે સૌપ્રથમ સાઈન કરેલી ફિલ્મોમાંથી એક હતી.
આશુતોષ ગોવારીકર ત્યારે જુનિયર આર્ટિસ્ટ હતો અને ‘નામ’ માં તેણે ટેક્ષી ડ્રાઈવર તરીકેની મામુલી ભૂમિકા ભજવી હતી.
‘નામ’ સંજય દત્ત અને અમૃતા સિંઘની જોડીની પહેલી ફિલ્મ હતી.
‘નામ’ નું ટાઈટલ પહેલાં ‘રાસ્તા’ હતું.
‘નામ’ નો ઓફિશિયલ પ્રોડ્યુસર કુમાર ગૌરવ હતો. રાજેન્દ્ર કુમાર તેના બેનરની દરેક ફિલ્મોમાં કોઈને કોઈ નાનો મોટો રોલ કરતો જ હતો. પણ ‘નામ’ તેના બેનરની એકમાત્ર ફિલ્મ છે જેમાં તેને લાયક કોઈ રોલ ન હોવાથી તેને કોઈ અભિનય કર્યો ન હતો.
સંજય દત્ત અને કુમાર ગૌરવના પિતાઓની ઘણી ફિલ્મોની હીરોઈન નૂતન બંનેની માતા બની

નુતને ‘નામ’ માં સંજય દત્ત અને કુમાર ગૌરવની માતાની ભૂમિકા ભજવી હતી. નૂતને સંજયના પિતા સુનિલ દત્ત અને કુમાર ગૌરવના પિતા રાજેન્દ્ર કુમાર સાથે ઘણી ફિલ્મોમાં હીરોઈન તરીકે કામ કર્યું હતું.
‘નામ’ ની સફળતાથી પોરસાઈને રાજેન્દ્ર કુમાર, મહેશ ભટ્ટ અને સલીમ ખાનની ટોળકી રાખી, કુમાર ગૌરવ, માધુરી દીક્ષિત, નસીરુદ્દીન શાહ અને અમરીશ પુરીને લઈને ‘નારાઝ’ નામની ફિલ્મ બનાવવાના હતાં. પણ કોઈ કારણોસર તે ફિલ્મ શરૂ થઈ શકી ન હતી.
‘નામ’ થી બિગ બી પણ પ્રભાવિત

અમિતાભ બચ્ચને પોતાના માટે ‘નામ’ નું પ્રાઈવેટ સ્ક્રીનીંગ રાખવાની વિનંતી કરી હતી. ફિલ્મ જોયા બાદ અમિતાભ સંજય દત્ત અને કુમાર ગૌરવના અભિનયથી ખૂબ પ્રભાવિત થયો હતો અને તેણે તે બંનેને ડીનર માટે આમંત્રયા હતાં અને ‘નામ’ ની આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
રાજેન્દ્ર કુમાર પહેલાં ફરહાને લેવા માંગતો હતો. પણ ફરહા યશરાજ બેનર સાથે કરારમાં બંધાયેલી હોવાથી પૂનમ ઢીલ્લોનને લેવામાં આવી હતી. જોકે, પૂનમ ઢીલ્લોન નિરાશ થઈ ગઈ હતી જ્યારે મહેશ ભટ્ટે તેનો રોલ ટૂંકાવી તેની ભૂમિકા મહેમાન કલાકાર જેવી કરી નાખી હતી.
રાજેન્દ્ર કુમાર માલા સિંહાની પુત્રી પ્રતિભા સિંહાને ‘નામ’ માં લેવા ઈચ્છતો હતો. પણ માલા સિંહાએ પ્રતિભા ખૂબ નાની છે એમ કહી ના પાડી દીધી હતી.
‘નામ’ ના એડિટર ડેવિડ ધવન હતો.
દુબઈ – યુએઈમાં શૂટ થનાર પહેલી ભારતીય ફિલ્મ ‘નામ’ હતી.
‘નામ’ નું ઘરેણું ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત

‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત ખુબજ લોકપ્રિય થયું હતું. આ ગીત જ્યારે થિયેટરમાં વાગતું ત્યારે લોકો રીતસરના રડી પડતાં અને ઘણી જગ્યાએ ફિલ્મ પૂરી થયા બાદ દર્શકોની માંગ ઉપર બીજીવાર તેને રિપીટ કરવું પડતું હતું. આ ગીતનો સમાવેશ બીબીસી રેડીઓ દ્વારા શતાબ્દીના 100 શ્રેષ્ઠ ગીતોમાં કરવામાં આવ્યો છે. પંકજ ઉધાસે પહેલીવાર કોઈ ફિલ્મમાં પ્લેબેક કર્યું હતું.
‘નામ’ માં કુલ 5 ગીતો હતાં. જેમાં – ‘ચિઠ્ઠી આઈ હૈ’ (પંકજ ઉધાસ), ‘તુ કલ ચલા જાયેગા’ (મનહર ઉધાસ-મો. અઝીઝ), ‘અમીરો કી શામ, ગરીબો કે નામ’ (મો. અઝીઝ), ‘વેરીયા વે, કિયા કયા કસુર’ (લતા મંગેશકર) અને ‘તેરે દિલ કી તુ જાને’ (કવિતા કૃષ્ણમૂર્તિ) નો સમાવેશ થાય છે. આ બધાંજ ગીતો લોકપ્રિય હતાં.
બિનાકામાં ‘નામ’ ગાજી ઉઠ્યું
1986ના વર્ષની બિનાકા ગીતમાલાની લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદીમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’ (પંકજ ઉધાસ) 12માં નંબરે, ‘અમીરો કી શામ, ગરીબો કે નામ’ (મો. અઝીઝ) 26માં નંબરે અને ‘તુ કલ ચલા જાયેગા’ (મનહર ઉધાસ-મો. અઝીઝ) 35માં નંબરે બિરાજમાન હતાં. ઉપરાંત, ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત તો 1987ના વર્ષની વાર્ષિક યાદીમાં નંબર 1 ના ટોચના સ્થાને રહ્યું હતું. જ્યારે ‘અમીરો કી શામ, ગરીબો કે નામ’ પણ 1987માં 8માં નંબરે પહોંચ્યું હતું.
તત્કાલીન રાજકર્તાઓના ‘નામ’
‘નામ’ રિલીઝ થઈ ત્યારે 12 સપ્ટેમ્બર 1986ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ અને વડાપ્રધાન રાજીવ ગાંધી હતાં જ્યારે ગુજરાતના રાજ્યપાલ રામકૃષ્ણ ત્રિવેદી અને મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતાં.
