દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવવા આડે હવે થોડાક જ કલાક બાકી છે. વિશ્વભરની નજર આ ચૂંટણી પરિણામો પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવશે કે કમલા હેરિસ? આ સવાલ દરેકના મનમાં છે, જેનો જવાબ ટૂંક સમયમાં મળી જશે, પણ ભારતના લોકોને સવાલ એ છે કે ટ્રમ્પ આવે તો શું અને કમલા હેરિસ રાષ્ટ્રપ્રમુખ બને તો ભારત સાથેના અમેરિકાના સંબંધો ઉપર શું અસર પડશે?
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને સૌથી મજબૂત સૈન્ય શક્તિ ધરાવતો દેશ અમેરિકા 5 નવેમ્બરે તેના નવા રાષ્ટ્રપ્રમુખની પસંદગી કરવા જઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત સહિત વિશ્વભરના દેશો આ ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. અમેરિકામાં બે મુખ્ય રાજકીય પાર્ટી છે. ડેમોક્રેટિક પાર્ટી, જેના રાષ્ટ્રપ્રમુખ પદનાં ઉમેદવાર કમલા હેરિસ છે. બીજી છે રિપબ્લિકન પાર્ટી, જેના રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેના નીતિવિષયક મતભેદોને જોતાં, યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ પરિણામો લાવી શકે છે. આ ચૂંટણીના પરિણામોના આધારે ભારત સહિત વિશ્વભરની અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો થઈ શકે છે.
અમેરિકાની સંસદીય વ્યવસ્થામાં સંસદના બે ભાગ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની તમામ 435 તથા સેનેટની 33 બેઠક પર મતદાન યોજાશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રિપબ્લિકનોનું પ્રભુત્વ છે, તો સેનેટમાં ડેમોક્રેટિકની બહુમતી છે. અમેરિકામાં સત્તારૂઢ પક્ષના રાષ્ટ્રપ્રમુખની યોજના સાથે બંને ગૃહ સહમત હોવા આવશ્યક છે કારણ કે આ બંને ગૃહ કોઈપણ કાયદા પર મંજુરીની મહોર મારે છે.
અમેરિકાના રાજ્યોના પક્ષના પ્રભુત્વના આધારે ત્રણ ગ્રુપ
અમેરિકામાં કુલ 50 રાજ્યો છે જેને કયા પક્ષનું ત્યાં પ્રભુત્વ છે તેને આધારે સામાન્ય રીતે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. જે રાજ્યો પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં તેમના ઉમેદવારની આસાન જીતની સંભાવના હોય છે તે રાજ્યોને રેડ સ્ટેટ કહેવાય છે. આ વિભાગ્માં ઓહાયો, વેસ્ટ વર્જિનિયા, ઓક્લાહામા જેવા રાજ્યો આવે છે. જે રાજ્યો પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં તેમના ઉમેદવારની આસાન જીતની સંભાવના હોય છે તે રાજ્યોના વિભાગને બ્લુ સ્ટેટ કહેવાય છે. બ્લુ સ્ટેટના વિભાગમાં વોશિંગ્ટન, ન્યૂયોર્ક વગેરે રાજ્યો ગણાય છે. ત્રીજા વિભાગમાં બંને પક્ષો વચ્ચે જબરદસ્ત ટક્કર થાય છે, કોઈની જીતની ભવિષ્યવાણી થઈ શકતી નથી એવા રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. રાજકીય પંડીતોના અભિપ્રાય મુજબ આ રાજ્યો જ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ નક્કી કરે છે. આ સાત રાજ્યમાં એરિઝોના, વિસ્કોન્સિન, મિશિગન, નોર્થ કેરોલિના, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને નેવાડા વગેરેનો સમાવેશ થાય છે. પરિણામ નક્કી કરવામાં આ સાત રાજ્યની ભૂમિકા મહત્ત્વની છે, એટલે એમને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે.
અમેરિકા આમ તો વિશ્વમાં મહિલા અધિકારોના જમાદાર તરીકે પોતાને ઓળખાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે વિશ્વની સૌથી જુની લોકશાહી ગણાતા અમેરિકામાં 1789થી અત્યાર સુધીમાં 46 રાષ્ટ્રપ્રમુખ ચુંટાયા છે પરંતુ અમેરિકનો એ એકપણ મહિલાને રાષ્ટ્રપ્રમુખ તરીકે નથી ચુંટ્યા. આ દર્શાવે છે કે મહિલા અધિકારોના બણગા ફુંકતા અમેરિકનોના મનમાં મહિલા દ્વેષની ભાવનાના મૂળિયા ઊંડે સુધી પ્રસરેલા છે. એવું જ ભેદભાવ બાબતે અમેરિકાના બેવડા ધોરણો દેખાય છે કારણ કે 1789થી અત્યાર સુધી માત્ર એક જ અશ્વેત પ્રમુખ બરાક ઓબામા ચુંટાયા છે.
જો કમલા હેરિસ અમેરિકાના પ્રમુખ બને તો ભારતની આંતરિક બાબતોમાં તેમની દખલગીરી વધી શકે છે. કાશ્મીર અને માનવ અધિકાર બાબતે કમલા હેરિસનું વલણ ભારત સાથે મેળ ખાતું નથી. કમલા હેરિસે ઓક્ટોબર 2019માં કલમ 370 હટાવાઈ ત્યાર બાદ કહ્યું હતું કે અમારે કાશ્મીરીઓને યાદ અપાવવાનું છે કે તેઓ દુનિયામાં એકલા નથી. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જો પરિસ્થિતિ બદલાશે તો હસ્તક્ષેપ કરવો પડશે. કમલા હેરિસે માનવાધિકાર સાથે જોડાયેલા પ્રશ્નો પર ભારતના વલણથી વિપરીત નિવેદન આપ્યું હતું.
ભારતને અસર કરતી બીજી બાબતો જોતા અમેરિકન પ્રમુખનું વલણ પાકિસ્તાન અને ચીન બાબતે કેવું રહેશે તે મહત્વનું ગણાય છે. વર્તમાન સ્થિતિ જોતા પાકિસ્તાન હવે ચીનનું બગલબ્ચ્ચુ થઈને રહી ગયુ છે ત્યારે ચીન સાથેનું નવા અમેરિકન પ્રમુખનું વલણ પાકિસ્તાન બબતે હશે તેવું માની શકાય ત્યારે ચીને સ્પષ્ટ કર્યું છે કે તે કોને રાષ્ટ્રપતિ પદે જોવા માગે છે. ચીનની રાષ્ટ્રીય સલાહકાર સંસ્થા CPPCCની સ્થાયી સમિતિના મુખ્ય વરિષ્ઠ સભ્ય જિયા કિંગગુઓએ જણાવ્યું હતું કે ચીન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસને પસંદ કરશે. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પના પ્રેસિડેન્ટ કાળ દરમિયાન ચીન-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં ઓટ આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન અમારો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. અમે એ અનુભવનું પુનરાવર્તન કરવા માગતા નથી. ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે ઘણો તણાવ હતો. ચીનનું માનવું છે કે બાઈડનની સરકારમાં ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા ભજવનાર કમલા હેરિસ નાગરિકોના હકોનું પ્રતિનિધિત્વ કરે છે. CPPCCના વરિષ્ઠ સભ્ય જિયા કિંગગુઓએ કહ્યું કે, જો બાઈડને ચીન સામેની કઠોર નીતિઓને આગળ ધપાવી હતી, જે ટ્રમ્પના વહીવટ દરમિયાન બનાવવામાં આવી હતી, પણ બાઈડન ટ્ર્મ્પ કરતાં લિબરલ રહ્યા હતા, જેથી ચીનને ઓછું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સ (CPPCC)એ ચીની સરકારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બને તો ચીનના પરિપ્રેક્ષ્યથી અને વિશ્વ ઉપર ચીનની વિસ્તારવાદી નીતિથી ઉભા થયેલા ખતરાને જોતા ચીન માટે અનુકુળ બાબત નહી ગણાય. ટ્રમ્પ ઘણી વખત કહી ચૂક્યા છે કે ચીનથી આવતા માલ પર ભારે ટેક્સ લાદશે. બાઈડન સરકારે પણ આવાં પગલાં લીધાં છે. બાઈડન સરકારે ચાઈનીઝ ઈવી, સેમિકન્ડક્ટર, બેટરી, સોલર સેલ, સ્ટીલ જેવી વસ્તુઓ પર 100% સુધી ટેક્સ લાદ્યો છે ટ્રમ્પ તે નીતિને આગળ વધારી શકે છે ત્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થ વ્યવસ્થા અને વિશ્વની ફેકટરી તરીકે ઉભરી ભારત માટે કેટલીક બાબતે અનુકુળ સ્થિતિ બનશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિને અનુસરે છે અને આયાત મોંઘી બનાવવા અને અમેરિકન નિકાસને પ્રોત્સાહન આપવાના પક્ષમાં છે જેનાથી ભારતને અસર થઈ શકે છે. ટ્રમ્પ વધારે અમેરિકન લોકોને રોજગારી મળે તેના પક્ષમાં છે ત્યારે નોકરીની શોધમાં ભારતથી અમેરિકા જતા લોકોને H-1B વિઝાની જરૂર પડે છે અને ટ્રમ્પ હંમેશાં આવા વિઝાના વિરોધમાં રહ્યા છે. ટ્રમ્પે H-1B વિઝા પર પ્રતિબંધ લગાવ્યો હતો.