તુર્કીયેએ ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં કૈરોમાં તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મળ્યા હતા. ત્યારબાદ જારી કરાયેલા નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ બાબતને ભારતની વિદેશનીતિની સફળતા માટે સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. તુર્કીયે ભારત સાથે આર્થિક સંબંધો વધારવાની મહેચ્છા ધરાવે છે અને તેથી તે ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. આ વર્ષે સપ્ટેમ્બર પછી બીજી વખત એર્દોગને ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.
એર્દોગન અને શાહબાઝ ડી-8 સમિટમાં મળ્યા હતા
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ વચ્ચેની આ મુલાકાત D-8 સમિટ દરમિયાન થઈ હતી. બેઠક બાદ તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પોતાના સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પાકિસ્તાનને ઝાટકો આપતા આ નિવેદનમાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. અગાઉ તુર્કી અને પાકિસ્તાન વચ્ચેની બેઠકો બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનોમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન કાશ્મીર મુદ્દે તુર્કીનું સમર્થન ઈચ્છે છે. જોકે, હવે તુર્કીનું વલણ બદલાઈ રહ્યું છે.
શા માટે તુર્કીયેએ બદલ્યું વલણ?
એવું માનવામાં આવે છે કે તુર્કી પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ કાકેશસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેથી તે દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજકારણમાં ઓછો રસ લઈ રહ્યુ છે. સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન પણ એર્દોગને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ન હતો. તેઓ બ્રિક્સના ભાગીદાર બનવા માંગતા હતા અને આ માટે તેમને ભારતના સમર્થનની જરૂર હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીરનો મુદ્દો નહોતો ઉઠાવ્યો
ઓક્ટોબરમાં કઝાન સમિટમાં બ્રિક્સના ભાગીદાર તરીકે તુર્કીની પસંદગી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરના ભાષણમાં, એર્દોગને ગાઝા પર યુએનની નિષ્ક્રિયતાની ટીકા કરી હતી. તેમણે ઈઝરાયેલ પર પેલેસ્ટિનિયન વિસ્તારને બાળકો અને મહિલાઓના વિશ્વના સૌથી મોટા કબ્રસ્તાનમાં ફેરવી દેવાનો આરોપ લગાવ્યો હતો. એર્દોગન પાકિસ્તાન સાથે હોવાનો સંકેત આપતા વર્ષોથી સંયુક્ત રાષ્ટ્રમાં તેમના ભાષણોમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પરંતુ આ વખતે યુએન પ્લેટફોર્મ પરથી કાશ્મીરનો ઉલ્લેખ ન કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ હતો, કારણ કે તે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ દરમિયાન આવ્યો હતો.
ભારત સાથેના સંબંધો સુધારવાના સંકેતો
તુર્કીયે ભારત સાથે વેપાર વધારવા અને દેશમાં રોકાણ વધારવા માંગે છે. એર્દોગન 2023માં G20 સમિટ માટે ભારત આવ્યા હતા અને તેમની યાત્રા સકારાત્મક રહી. તાજેતરના વર્ષોમાં ભારત સાથે તુર્કીયેના આર્થિક સંબંધોમાં સુધાર થયો છે. તુર્કીયે સાથેના દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. જે 2022-23માં $13.80 બિલિયનને વટાવી જવાનો અંદાજ છે. તુર્કીયેની સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર ભારતીય કંપનીઓએ તુર્કીયેમાં લગભગ $126 મિલિયનનું રોકાણ કર્યું છે.