આ વર્ષનો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ઈરાનના મહિલા પત્રકાર અને એક્ટિવિસ્ટ, જેમણે મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે લાંબા સમયથી અવાજ ઉઠાવ્યો છે એવા નરગીસ મોહમ્મદીને આપવામાં આવ્યો છે.
નોબેલ પુરસ્કાર કમિટીએ સ્વીકાર્યું કે નરગીસ મોહમ્મદીએ મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે મજબુત રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે લાંબા સમય સુધી લડત આપી છે. નોબેલ સમિતિના વડાએ તેમને “સ્વાતંત્ર્ય સેનાની” ગણાવીને દેશમાં મહિલાઓના જુલમ સામેની લડત બદલ તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો તેમ જણાવ્યું હતુ.
કોણ છે નરગીસ મોહમ્મદી ?
નરગીસનો જન્મ 21 એપ્રિલ 1972ના રોજ ઈરાનના કુર્દીસ્તાનના જંજન શહેરમાં થયો હતો. નોબેલ પ્રાઈઝ વેબસાઈટ અનુસાર, નરગીસ મોહમ્મદી ઈરાની માનવાધિકાર કાર્યકર્તા અને ડિફેન્ડર ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર (DHRC) નામની સંસ્થાના ઉપાધ્યક્ષ છે. નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવી રહી હતી.
પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ નરગીસ મોહમ્મદીએ એન્જિનિયર તરીકે કામ કર્યું. સાથે સાથે તે કટારલેખક હોઈ તેમણે ઘણા અખબારો માટે કટાર લેખિકા તરીકે કામ કર્યું.
કટ્ટરવાદી ઈરાનમાં મહિલાઓની સ્વતંત્રતા અને અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવનાર નરગીસ મોહમ્મદીને તેમના બહાદુરીભર્યા સંઘર્ષની ભારે કિંમત ચૂકવવી પડી છે. ઈરાને સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી. જોકે અત્યાર સુધીમાં ઈરાન સરકાર દ્વારા નરગીસ મોહમ્મદીની 13 વખત ધરપકડ કરવામાં આવી છે, 2010 થી અત્યાર સુધી તેઓ જેલમાં છે. નરગીસ મોહમ્મદીને પાંચ વખત દોષિત ઠેરવવામાં આવ્યા છે એટૅલું જ નહી તેમને 31 વર્ષની જેલ અને 154 કોરડા ફટકારવાની સજા આપવામાં આવી છે. નરગીસે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઘણા સમયથી તેના પરિવારના સભ્યોને મળી નથી. નરગીસે જે મહિલાઓના અવાજને ઉઠાવવા માટે જે વ્યક્તિગત કિંમત ચુકવી છે તે સમજી શકાય છે કે તેમણે છેલ્લા 8 વર્ષથી પોતાના બાળકોને જોયા પણ નથી. તેમણે છેલ્લે એક વર્ષ પહેલા પોતાની જોડિયા દીકરીઓ અલી અને કિયાનાનો અવાજ સાંભળ્યો હતો. નરગીસની બન્ને પુત્રીઓ તેમના પતિ તાગી રહેમાની સાથે ફ્રાન્સમાં રહે છે.
નરગીસ મોહમ્મદીના પતિ તાગી મોહમ્મદી પણ રાજકીય એક્ટિવિસ્ટ છે. ઈરાન સરકારે તેમને પણ 14 વર્ષની જેલની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે નરગીસ મોહમ્મદી ઈરાનમાં ફાંસીની સજા નાબૂદ કરવા અને કેદીઓના અધિકારોની સુરક્ષાના સમર્થક અને વકીલ પણ રહ્યા છે.
નરગીસ મોહમ્મદી એક સફળ કટાર લેખિકા હોઈ ઈરાનમાં સામાજિક સુધારાનું સમર્થન કરતા અનેક લેખો લખી ચુક્યા છે. નરગીસે તેણીના પોતાના અને અન્ય 12 કેદીઓના કેદખાનાના અનુભવોનું દસ્તાવેજીકરણ કરતું ”વ્હાઇટ ટોર્ચર : ઈન્ટરવ્યુઝ વિથ ઈરાનીયન વૂમન પ્રિઝનર્સ” નામ ધરાવતુ એક પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને હ્યુમન રાઈટ્સ ફોરમમાં રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ માટે એવોર્ડ પણ મળ્યો હતો.