ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ પ્રભુને બાંગ્લાદેશની કોર્ટે આંચકો આપતા તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લઘુમતી હિંદુઓ પર હુમલા કરનારા ગુનેગારો હજુ પણ મુક્તપણે ફરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિંદુ ધર્માચાર્ય ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જામીન નકારવા પર ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ચિન્મય દાસની ધરપકડના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લઘુમતીઓ પરના હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે લઘુમતી હિંદુઓ પર હુમલા કરનારા ગુનેગારો હજુ પણ ખુલેઆમ ફરી રહ્યા છે જ્યારે શાંતિપૂર્ણ સભાઓ દ્વારા કાયદેસરની માંગણીઓ રજૂ કરનાર ધાર્મિક નેતા સામે આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચિન્મય કૃષ્ણ દાસ બાંગ્લાદેશ સમ્મિલિત સનાતન જાગરણ જોતના પ્રવક્તા પણ છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ઈસ્કોને ભારત સરકારને આ મુદ્દો બાંગ્લાદેશ સાથે ઉઠાવવાની માંગ કરી હતી. સંગઠનનું કહેવું છે કે આ આરોપ પાયાવિહોણા અને અપમાનજનક છે. ઈસ્કોનને દુનિયામાં ક્યાંય પણ આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી. અમે ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરે. આ ભક્તોની સુરક્ષા માટે અમે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર અનેક હુમલાઓ બાદ કરવામાં આવી છે. લઘુમતીઓના ઘરો અને તેમના વ્યાપાર ધંધાની સંસ્થાઓમાં આગચંપી અને લૂંટફાટ કરવામાં આવી એટલું જ નહી ચોરી,તોડફોડ અને દેવી-દેવતાઓ અને મંદિરોને અપવિત્ર કરવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનાઓના અપરાધીઓ હજી પણ ખુલેઆમ ફરી રહ્યા છે જ્યારે શાંતિપૂર્ણ સભાઓ દ્વારા કાયદેસરની માંગણીઓ રજૂ કરનાર ધાર્મિક નેતા સામે આરોપો મૂકવામાં આવી રહ્યા છે.
મંત્રાલયે કહ્યું કે અમે ધર્માચાર્ય ચિન્મય દાસની ધરપકડના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લઘુમતીઓ પરના હુમલાઓ પર પણ ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને હિંદુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આગ્રહ કરીએ છીએ. જેમાં તેમના શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો પણ સમાવેશ થાય છે.