– ફ્રાન્સમાં કટ્ટરતા વિરુદ્ધ લવાયો નવો કાયદો
– વિદેશી ઈમામો પર લદાયો પ્રતિબંધ
– પહેલાથી હશે એમને વતન પરત મોકલાશે
અન્ય દેશોના ઈમામો ફ્રાન્સમાં હવે કામ કરી શકશે નહીં. ફ્રાન્સમાં વધી રહેલા કટ્ટરવાદને કાબુમાં રાખવા માટે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની સરકારે નવો કાયદો લાગુ કર્યો છે. ‘ફોક્સ ન્યૂઝ’ અનુસાર, 1 એપ્રિલ, 2024 બાદ દેશમાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો વિઝાની હાલની શરતો મુજબ નહીં રહી શકે. મુખ્યત્વે જે ઈમામો અલ્જિરિયા, તુર્કી અને મોરક્કોથી આવ્યા છે એવા 300 જેટલા વિદેશી ઈમામો પર આ નીતિ લાગુ થશે.
મેક્રોને ફેબ્રુઆરી 2020માં પહેલીવાર આ કાયદો લાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું- આપણે કટ્ટરતાનો અંત લાવવો પડશે. મહિલાઓને સમાન દરજ્જો આપવો પડશે તેમને દબાવી ન શકાય. આ આપણા દેશની વિચારસરણી અને પરંપરા છે.
2019માં ફ્રાન્સની કુલ વસ્તી લગભગ 6.7 કરોડ હતી. આમાં લગભગ 65 લાખ મુસ્લિમ હતા. ફ્રાન્સે 2017 થી 2021 વચ્ચે સાત લાખ લોકોને આશ્રય આપ્યો હતો. તેમાંથી છ લાખ પાકિસ્તાન, સીરિયા, લિબિયા, મોરોક્કો અને ક્રોએશિયાના હતા. 1977માં ફ્રાન્સે 4 દેશો સાથે કરાર કર્યા હતા. કરાર મુજબ અલ્જીરિયા, ટ્યુનિશિયા, મોરોક્કો અને તુર્કી અહીંના ઈમામને ફ્રાન્સ મોકલી શકે છે. હવે આ સિસ્ટમ નાબૂદ કરવામાં આવી છે.
ફ્રાન્સમાં તાજેતરમાં ઘણા આતંકવાદી હુમલાઓ થયા છે અને તેમાં મોટા ભાગે અન્ય દેશોમાંથી કાયદેસર અને ગેરકાયદેસર રીતે ફ્રાન્સમાં આવેલા લોકો સામેલ હતા. 2015માં અહીં આતંકવાદી હુમલામાં 130 લોકો માર્યા ગયા હતા અને 500 ઘાયલ થયા હતા. એક અનુમાન મુજબ લગભગ 1910 ફ્રેન્ચ મૂળના લોકો આતંકવાદી સંગઠન ISISમાં જોડાયા હતા.
ફ્રાન્સની સરકારે ‘ફોરમ ઑફ ઇસ્લામ ઇન ફ્રાન્સ’ નામની સંસ્થા બનાવી છે. જેમાં તમામ ધર્મના આગેવાનો હશે અને આ સંગઠનની જવાબદારી દેશના મુસ્લિમોને સાચો રસ્તો બતાવવાની અને તેમને કટ્ટરવાદથી દૂર રાખવાની રહેશે.