ઈજીપ્તમાં મુસ્લિમ દેશોના સંગઠન ડી-8ની બેઠક ગુરુવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને તુર્કી સહિત 8 મુસ્લિમ દેશોના નેતાઓ ભાગ લેવાના છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ બેઠકમાં ભાગ લેવા ઈજિપ્ત જવાના છે. આ બેઠકમાં મુસ્લિમ દેશો વતી પેલેસ્ટાઈન અને લેબેનોનનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. આ સિવાય સીરિયામાં તખ્તાપલટ બાદ વધુ આક્રમક બનેલા ઈઝરાયેલ વિરુદ્ધ પણ પ્રસ્તાવ આવી શકે છે. ઇઝરાયેલે સીરિયાના ગોલાન હાઇટ્સ વિસ્તારમાં યહૂદીઓની વસ્તી બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયન પણ હાજર રહેશે.
શું છે મુસ્લિમ દેશોનું D-8 સંગઠન…
વિકાસશીલ મુસ્લિમ દેશોના આ સંગઠનનું છે. વિકાસશીલ દેશોનો સમૂહ હોવાને કારણે તેનું નામ ડી-8 રાખવામાં આવ્યું છે. આ સંગઠનમાં બાંગ્લાદેશ, ઈજીપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, નાઈજીરીયા, પાકિસ્તાન અને તુર્કી સામેલ છે. આ દેશોની કુલ વસ્તી લગભગ 1.25 અબજ છે, જે વિશ્વભરના મુસ્લિમ દેશોના 60 ટકા જેટલી છે. ખાસ કરીને ઈરાન, તુર્કી, મલેશિયા અને ઈન્ડોનેશિયાના સમાવેશ થવાથી તે એક મોટું જૂથ બની ગયું છે. મુસ્લિમ દેશોનું આ એવું જૂથ છે જે સાઉદી અરેબિયાથી અલગ છે. આ જૂથમાં સામેલ મુસ્લિમ દેશોમાં યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાક, સીરિયા, કુવૈત, કતાર વગેરે જેવા આરબ મૂળના દેશોનો સમાવેશ થતો નથી.
ગ્રામીણ વિકાસ, નાણા, બેંકિંગ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વના વિષયો પર ડી-8 સંગઠનના સભ્ય દેશો વચ્ચે સહકાર કરવામાં આવે છે. જૂન 1997માં તુર્કિયેમાં આ જૂથની પ્રથમ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાની થીમ એવું દર્શાવે છે કે તેનો એજન્ડા સામાજિક અને આર્થિક વિકાસ છે. આ અંતર્ગત સંવાદ, વિકાસ, સમાનતા, લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે એમ કહેવાય છે. જો કે, સામાન્ય રીતે આ સમિટમાં માત્ર મુસ્લિમોને લગતા મુદ્દા ઉઠાવવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે ભારત અંગે ચર્ચા થઈ શકે છે તથા સીરિયા અને પેલેસ્ટાઈનના મુદ્દા પણ ઉઠાવવામાં આવશે. આ સિવાય ગોલાન હાઈટ્સ પર ઈઝરાયેલના કબજાની ટીકા કરતો ઠરાવ પણ પસાર થઈ શકે છે.