ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ચાકુનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. તે નિવેદનને સાચું સાબિત કરતા હોય તેમ એક જ દિવસ બાદ જ ચીને પોતાના એક વરિષ્ઠ અધિકારીને મોતની સજા આપી દીધી છે. જિનપિંગે કહ્યું કે ભ્રષ્ટાચાર સહિતની શિસ્ત સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ચીનની સામ્યવાદી પાર્ટીએ ‘ચાકુ અંદર જ ફેરવવું ‘ જોઈએ. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભ્રષ્ટ અધિકારીઓ અને તેમને ભ્રષ્ટાચાર કરનારાઓને પકડવા માટે આ નવીનતમ અપીલ કરી છે.
એક દાયકા કરતાં વધુ સમય પહેલાં સત્તામાં આવ્યા બાદ, શી જિનપિંગે પક્ષના સભ્યો સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરી છે. જે સરકારી નીતિઓનો અમલ કરવામાં નિષ્ફળ જાય છે તે દરેક વ્યક્તિ તેનું લક્ષ્ય બની ગયા છે, પછી ભલે તે ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓ હોય કે નાના કર્મચારીઓ. જોકે મોટી કાર્યવાહીઓ છતાં પક્ષ ભ્રષ્ટાચારથી ઘેરાયેલો છે. ખાસ કરીને સેનામાં ઘણો ભ્રષ્ટાચાર છે. છેલ્લા બે વર્ષમાં ભ્રષ્ટાચાર પર જોરદાર પ્રહાર કરતા બે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનોને ‘શિસ્તના ગંભીર ઉલ્લંઘન’ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ચીનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો કેસ
ચીને મંગળવારે દેશના અત્યાર સુધીના સૌથી મોટા ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા ઉત્તરીય આંતરિક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રના ભૂતપૂર્વ અધિકારી લી જિયાનપિંગને ફાંસી આપી દેવામાં આવી. લી જિયાનપિંગ ઉપર ભ્રષ્ટાચારના આરોપ હતા તેની કુલ રકમ 421 મિલિયન યુએસ ડોલરથી વધુ હતી. હોહોટ ઇકોનોમિક એન્ડ ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટ રિજનની શાસક કમ્યુનિસ્ટ પાર્ટીની વર્કિંગ કમિટીના ભૂતપૂર્વ સચિવ લી માટે મૃત્યુદંડની સજા શરૂઆતમાં સપ્ટેમ્બર 2022 માં આપવામાં આવી હતી જેને ઓગસ્ટ 2024માં અપીલમાં પણ મૃત્યુદંડની સજા યથાવત રાખવામાં આવી હતી. સુપ્રીમ પીપલ્સ કોર્ટની મંજૂરી બાદ આંતરિક મંગોલિયાની એક અદાલત દ્વારા મંગળવારના રોજ ફાંસી આપવામાં આવી હતી.
2 સંરક્ષણ મંત્રીઓ સહિત લાખો અધિકારીઓ સામે કાર્યવાહી
ચીની સત્તાવાર મીડિયાના અગાઉના અહેવાલો અનુસાર, 64 વર્ષીય લીને અગાઉ ચીનના ઈતિહાસમાં કોઈપણ એક ભ્રષ્ટાચારના કેસમાં સામેલ સૌથી મોટી રકમ એવી ત્રણ અબજ યુઆન (US$421 મિલિયનથી વધુ) ની ગેરકાયદેસર કમાણી અને ઉચાપત કરવા બદલ મધ્ય અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતા. 2012 માં સત્તામાં આવ્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને તેમના શાસન મોડલનો મુખ્ય આધાર બનાવ્યો છે. આ અભિયાનમાં બે રક્ષા મંત્રીઓ અને ડઝનબંધ સૈન્ય અધિકારીઓ સહિત પક્ષના 10 લાખથી વધુ અધિકારીઓ સામે સજા અને કાર્યવાહી કરવામાં આવી હતી.
ચીનના શી જીનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન તરફ દ્રષ્ટિ કરતી વખતે એ બાબત ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે કે ચીનમાં ભારતની જેમ લોકશાહી નહી પરંતુ એક પક્ષીય સરમુખત્યારશાહીનું ચલણ છે. ચીનનો ટિયાનમેન હત્યાકાંડ ભુલવો જોઇએ નહી જ્યારે લોકશાહીના સમર્થમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર ટેંકો ચલાવી દેવામાં આવી હતી જેમાં અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા.