ચીન સમુદ્રની અંદર દુનિયાનું સૌથી મોટું કૃત્રિમ ટાપુ એરપોર્ટ બનાવી રહ્યું છે. આ એરપોર્ટ ડાલિયાન શહેર નજીક દરિયામાં બનાવવામાં આવી રહ્યું છે. તેના પાયાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. એકવાર સંપૂર્ણ રીતે નિર્માણ થયા પછી, દર વર્ષે 8 કરોડ મુસાફરો અહીંથી હવાઈ સેવાઓનો આનંદ લઈ શકશે.
ચીન વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ ટાપુ એરપોર્ટ બનાવી રહ્યું છે. આ એરપોર્ટ સમુદ્રમાં એક કૃત્રિમ ટાપુ પર બનાવવામાં આવશે. તેનો ઉદ્દેશ પ્રાદેશિક પરિવહન પ્રણાલી તરીકે ડાલિયન શહેરની સ્થિતિને મજબૂત કરવાનો છે. લિયાઓનિંગ પ્રાંતીય સરકારની વેબસાઈટ મુજબ, ડાલિયાન જિન્ઝોવાન ઈન્ટરનેશનલ એરપોર્ટ 20 ચોરસ કિલોમીટર (7.72 ચોરસ માઈલ)ના ક્ષેત્રફળના એક ટાપુને આવરી લેશે. ચીનનું આ ટાપુ એરપોર્ટ 12.48 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને 10.5 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા જાપાનના ઓસાકા નજીકના કંસઈ એરપોર્ટ કરતાં મોટું હશે. આ બંને એરપોર્ટ કૃત્રિમ ટાપુઓ પર સ્થિત છે.
ચીનનું મહત્વનું શહેર છે ડાલિયન
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે, એવિએશન કન્સલ્ટન્સીના સ્થાપક લી હેનમિંગે જણાવ્યું હતું કે, “ડાલિયાનના લોકો કહે છે કે તે સૌથી મોટું છે, તે બરાબર છે,” આ નિર્માણાધીન એરપોર્ટ બંદરીય શહેર ડાલિયાનના લોકોને હવાઈ સેવા પૂરી પાડશે. આ બંદર શહેરથી જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મોટા પાયે વેપાર થાય છે. 6 મિલિયનથી વધુની વસ્તી ધરાવતું આ શહેર બોહાઈ સ્ટ્રેટના ઉત્તરીય છેડે દ્વીપકલ્પ પર સ્થિત છે. ડાલિયન શહેરને ઓઇલ રિફાઇનરીઓ, શિપિંગ અને લોજિસ્ટિક્સ સેવાઓ અને કોસ્ટલ ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.
કેટલું મોટું એરપોર્ટ બનશે દરિયામાં?
પ્રાંતીય સરકારની વેબસાઈટ અનુસાર, તે મુખ્ય ભૂમિથી દૂર ચીનનું પહેલું એરપોર્ટ છે જે ઑફશોર કૃત્રિમ ટાપુ પર બાંધવામાં આવી રહ્યું છે. ડાલિયાનના જિન્ઝોવાનમાં બાંધવામાં આવનાર એરપોર્ટમાં ચાર રનવે અને 900,000 ચોરસ મીટર (9.69 મિલિયન ચોરસ ફૂટ)નું ટર્મિનલ હશે. તેમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ “વિકસિત ભૌગોલિક સ્થાન” સાથે “પ્રાદેશિક હવાઈ પરિવહન હબ” બનશે.
આ એરપોર્ટ 8 કરોડ લોકોને હેન્ડલ કરશે
ચાઈનીઝ સદસ્યો ધરાવતા એક વૈશ્વિક ઉદ્યોગ જૂથ, એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, તેના ટર્મિનલ બિલ્ડિંગમાં વર્ષમાં 43 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાની પ્રારંભિક ક્ષમતા હશે જે ડાલીયાનના વર્તમાન એરપોર્ટ કરતા બમણાથી વધુ છે. આ ટર્મિનલ બિલ્ડિંગ પછીથી 80 મિલિયન મુસાફરોને હેન્ડલ કરી શકશે. તેમણે એમ પણ કહ્યું કે પ્રી-ડેવલપમેન્ટ પછી એરપોર્ટ દર વર્ષે 10 લાખ ટન કાર્ગોનું પરિવહન કરવા સક્ષમ હશે. કાઉન્સિલે જણાવ્યું હતું કે જિન્ઝોવાન એરપોર્ટનો ખર્ચ US$4.3 બિલિયન થશે અને તે 2035માં પૂર્ણ થવાનો અંદાજ છે.
પ્રાંતીય સરકારની વેબસાઇટના અહેવાલ અનુસાર આ વર્ષે ઓગસ્ટ સુધીમાં, 77,000-સ્ક્વેર-મીટર પુનર્વસન વિસ્તાર પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેણે એમ પણ કહ્યું હતું કે જમીન સુધારણા અને ટર્મિનલ બિલ્ડિંગના પાયાના કામની યોજના પણ તે મહિને કરવામાં આવી હતી. શહેરમાં આવેલું હાલનું ડાલિયન ઝુશુઇઝી એરપોર્ટ લગભગ એક સદી પહેલા જ્યારે આ શહેર જાપાનના કબ્જામાં હતુ ત્યારે સૌપ્રથમ વખત ખોલવામાં આવ્યું હતું. આજે ઘણા વિસ્તરણ અને સુધારા બાદ તે તેની ડિઝાઇન કરેલી ક્ષમતાને આંબી ગયું છે. ગયા વર્ષે ત 6,58,000 લોકોએ અન્ય દેશોમાંથી અથવા પ્રદેશોમાંથી અવરજવર કરી હતી.