વિશાળ જનમેદનીને સંબોધતા થનબર્ગે કહ્યું, ‘કલાઇમેટ જસ્ટિસની ચળવળ તરીકે, આપણે એવા લોકોનો અવાજ સાંભળવો જોઈએ કે જેઓ પર જુલમ થઈ રહ્યો છે અને જેઓ સ્વતંત્રતા અને ન્યાય માટે લડી રહ્યા છે.’ અને ગ્રેટા થનબર્ગ સાથે ફજેતી થવાની ઘટના બની હતી.
નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એક અન્ય કલાઇમેટ એક્ટિવિસ્ટે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનું માઈક છીનવી લેતા થનબર્ગ માટે અપમાનજનક સ્થિતિ સર્જાઈ હતી. થનબર્ગ માટે આ આંચકાજનક સ્થિતિ ત્યારે સર્જાઈ તેણે એક પેલેસ્ટિનિયન અને એક અફઘાન મહિલાને બોલવા માટે આમંત્રણ આપ્યું અને તે મહિલાઓ બોલ્યા. માઈક છીનવ્યા બાદ તે વ્યક્તિએ ગ્રેટા થનબર્ગ પર કલાઇમેટ જસ્ટિસના કાર્યક્રમમાં રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો.
પેલેસ્ટિનિયન અને અફઘાન મહિલાઓને સ્ટેજ પર આમંત્રિત કરતા પહેલા, થનબર્ગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું, ‘કલાઇમેટ જસ્ટિસ ચળવળ તરીકે, આપણે એવા લોકોનો અવાજ સાંભળવો જોઈએ કે જેઓ પર દમન થઈ રહ્યું છે અને જેઓ સ્વતંત્રતા અને ન્યાય માટે લડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એકતા વિના કલાઇમેટ જસ્ટિસ ન મળી શકે.
ગ્રેટા થનબર્ગ દ્વારા આમંત્રીત મહિલાઓના બોલ્યા બાદ જ્યારે ગ્રેટા થનબર્ગે પોતાનું ભાષણ ફરી શરૂ કર્યું ત્યારે એક અન્ય કલાઇમેટ એક્ટિવિસ્ટ સ્ટેજ પર આવ્યો હતો અને ક્લાઈમેટ જસ્ટિસના મંચ ઉપર થઈ રહેલા રાજકારણ પર પોતાનો અસંતોષ વ્યક્ત કરતા ગ્રેટા થનબર્ગના હાથમાંથી માઈક છીનવી લીધું હતું. ગ્રેટા થનબર્ગ પાસેથી માઈક છીનવીને તેણે કહ્યું, ‘હું અહીં ક્લાઈમેટ જસ્ટિસના દેખાવો માટે આવ્યો છું, તમારા રાજકીય દૃષ્ટિકોણને માટે નહીં.’
આ ઘટના એમ્સ્ટરડેમમાં એક ક્લાઈમેટ જસ્ટિસ કૂચ દરમિયાન બની હતી જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. આયોજકોના જણાવ્યા મુજબ નેધરલેન્ડ્સમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ક્લાઈમેટ ચેન્જ વિરોધી પ્રદર્શન હતું જેમાં 70,000 લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગ્રેટા થનબર્ગે ભાગ લીધો હતો.