- વિખ્યાત અલિબાબા ગ્રુપના માલિક જેક મા રહસ્યમય રીતે લાપતા
- છેલ્લા બે મહિનાથી જાહેરમાં દેખાયા નથી
- ઑક્ટોબર મહિનામાં ચીનની આર્થિક નિયામક વિરૂદ્ધ બોલ્યા હતા
એશિયાના ધનિક વ્યક્તિ ગણાતા જેક મા ( Jack Ma )
અલિબાબા ( Alibaba ) ગ્રુપના માલિક જેક મા ( Jack Ma ) છેલ્લા બે મહિનાથી રહસ્યમય સંજોગોમાં ગુમ હોવાના અહેવાલ આવતા એશિયા તથા વિશ્વના ઉદ્યોગ જગતમાં ધ્રુજારી ફેલાઈ ગઈ છે. છેલ્લા બે મહિનાથી જેક મા ( Jack Ma ) જાહેરમાં જોવા મળ્યા નથી. જેક મા ( Jack Ma ) એ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં ચીનની સરકારની આલોચના કરી હતી અને ત્યારબાદ જાહેરમાં દેખાયા નથી. ચીનની માઓવાદી, સામ્યવાદી સરકાર પોતાની ટીકા સહન નથી કરી શકતી એ જગજાહેર હોઈ જેક મા ( Jack Ma ) ના ગુમ થઈ જવા વિશે અનેક અટકળોનો દોર ચાલ્યો છે. મિડિયા ફ્રેન્ડલી ગણાતા જેક મા ( Jack Ma ) તેમના એંટ ગ્રુપનો આઈપીઓ રદ્ થયા બાદ કોઈ જ સાર્વજનિક કાર્યક્રમમાં ન દેખાતા આશ્ચર્યની સાથે રહસ્ય ઘેરું બન્યું છે.
પોતાના ટેલેન્ટ શૉમાં પણ ન દેખાતા અટકળો ચાલી
જેક મા ( Jack Ma ) વિશે અટકળો ત્યારે વધારે થવા લાગી જ્યારે તેમના જ ટેલેન્ટ શૉ ( Africa’s Business Heroes ) ની ફિનાલેમાં પણ જોવા ન મળ્યા. જેક મા ( Jack Ma ) ને બદલે અલિબાબા ગ્રુપના ( Alibaba group ) એક અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. રહસ્ય ઘેરું બનતા અલિબાબા ગ્રુપ ( Alibaba group ) દ્વારા સ્પષ્ટીકરણ આપતા જણાવાયું કે જેક મા ( Jack Ma ) તેમના વ્યસ્ત કાર્યક્રમને કારણે આફ્રિકાઝ બિઝનેસ હિરોઝ ( Africa’s Business Heroes ) ના એપિસોડમાં ઉપસ્થિત રહી શક્યા નથી. જોકે ત્યારબાદ રહસ્ય વધારે જ ઘેરાવાનુ શરૂ થઈ ગયું કારણકે આફ્રિકાઝ બિઝનેસ હિરોઝ ( Africa’s Business Heroes ) કાર્યક્રમની વેબસાઇટ ઉપરથી પણ જેક મા ( Jack Ma ) નો ફોટો હટાવી લેવામાં આવ્યો.
જેક મા ના એંટ ગ્રુપ તથા અન્ય બિઝનેસ ઉપર પ્રતિબંધ
જેક મા ( Jack Ma ) એ ઑક્ટોબર 2020 માં શાંઘાઈમાં આપેલા એક ભાષણમાં ચાઈનીઝ આર્થિક નિયામકો તથા સરકારી બેંકોની આલોચના કરી હતી. જેક મા ( Jack Ma ) એ ચાઈનીઝ સરકારને એવી સલાહ આપી હતી કે બિઝનેસમાં નવીનતા લાવવા આડે આવતા દબાણો દૂર થાય એવા બદલાવ કરવા જોઈએ. જેક મા ના આ ભાષણ બાદ ચીનની સત્તાધારી માઓવાદી સામ્યવાદી પાર્ટી તથા સરકારમાં ખળભળાટ વ્યાપી ગયો હતો અને પરિણામ સ્વરૂપે જેક મા ( Jack Ma ) ના એંટ ગ્રુપ તથા અન્ય બિઝનેસ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધ લાગવાની શરૂઆત થઈ ગઈ હતી.
ચીનનું કુખ્યાત ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન
ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી કે સરકાર વિરુદ્ધ બોલવા પર અઘોષિત પ્રતિબંધ છે અને જે આ અઘોષિત પ્રતિબંધનો ભંગ કરે તેનું શું થયું તે ઘણાને ખબર પડતી નથી. જેનું સૌથી મોટું ઉદાહરણ વર્ષ 2016 અને 2017 ચીન દ્વારા ચલાવવામાં આવેલું કુખ્યાત ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હતું. આ અભિયાન દરમિયાન અનેક અબજોપતિઓ ગુમ થઈ ગયા હતા જેમાંથી થોડા સમય બાદ કેટલાક જાહેરમાં દેખાવા લાગ્યા હતા પરંતુ બાકીનાનું શું થયું તે કોઈને જાણકારી નથી. જે લોકો જાહેરમાં દેખાયા તેમનું એવું કહેવું હતું કે તેઓ અધિકારીઓની મદદ કરી રહ્યા હતા જ્યારે બાકીના હંમેશા માટે ગુમ થઈ ગયા.
જેક મા ની કંપની અલિબાબા વિરુદ્ધ સામે તપાસના આદેશ
ચીનના આર્થિક નિયામકો વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યા બાદ છેક મા ( Jack Ma ) ના અલિબાબા ગ્રુપ ( Alibaba Group ) સામે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ડિસેમ્બર મહિનામાં ચીનના બજાર નિયામક દ્વારા અલિબાબા ગ્રુપને મોનોપોલી કાયદા વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનું કહીને કાર્યવાહી હાથ ધરવામાં આવી. કંપની ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો કે એમણે બજારમાં પોતાની સ્થિતિનો દુરૂપયોગ કરીને અન્ય પ્રતિસ્પર્ધીઓને સ્પર્ધામાંથી દૂર કરવા તથા ગ્રાહકોના અધિકારો અને હિતોને નુકસાન પહોંચાડ્યું છે.
ડિસેમ્બર મહિનાથી જેક મા સામે કાર્યવાહી ઝડપી બની
ડિસેમ્બર મહિનામાં અલિબાબા સામે તપાસ શરૂ કરવાની સાથે સાથે જેક મા ના ફિનટેક વેન્ચર એંટ ગ્રુપ માટે એક “સુધારણા કાર્યક્રમ” તૈયાર કરવામાં આવ્યો. એક રિપોર્ટ અનુસાર ચાઈનીઝ સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇના સાથે વાતચીત કરવા એંટ ગ્રુપને 27મી ડિસેમ્બરે તલબ કરવામાં આવ્યું હતું. આ વાતચીતમાં ચાઈનીઝ બેકિંગ પ્રાધિકરણ દ્વારા એંટ ગ્રુપને લેવડદેવડમાં વધારે પારદર્શકતા લાવવા માટે જણાવાયું હતું, આ ઉપરાંત શિસ્તના નામે પાંચ સૂત્રી કાર્યક્રમ સૂચવાયો હતો. બીજી તરફ એંટ ગ્રુપનુ કહેવું છે કે તેમણે બધી જ નિયમનકારી આવશ્યકતાઓને પુરી કરવા માટે આંતરિક સુધાર સ્થાપિત કર્યા છે.
અલિબાબાનો એંટ ગ્રુપમાં સૌથી મોટી હિસ્સો
એંટ ગ્રુપમાં અલિબાબા સૌથી વધુ લગભગ 33% હિસ્સો ધરાવે છે. ગયા મહિને શાંઘાઈ અને હોંગકોંગના શેર બજારમાં લિસ્ટ કરાવવા માટે 27 અબજ ડોલરનો આઇપીઓ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાઈનીઝ રેગ્યુલેટર્સે આઈપીઓ રદ્ કરી દીધો હતો. એંટ ગ્રુપ તથા અલિબાબાને ચાઈનીઝ સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈના, ચાઈના બેકિંગ અને વીમા નિયામક આયોગ, ચાઈનીઝ સિક્યુરિટી નિયામક આયોગ સહિત ચીન સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી શકે છે એવી સૌથી પહેલાં ખબર શિન્હુઆ ન્યુઝ એજન્સીએ આપી હતી.