– કોરોનાનો નવો વેરીયંટ ‘ઓમિક્રોન’ નો કેસ ક્યાં સૌથી પહેલા નોંધાયો
– શા માટે કોરોનાનો નવો વેરીયંટ ‘ઓમિક્રોન’ ‘ડેલ્ટા’ વેરીયંટથી વધુ ખતરનાક
– શા માટે આ નવા વેરીયંટથી જગત આખું ચિંતાગ્રસ્ત છે ?
તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા વેરિયેન્ટે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોનાના આ નવા વેરિયેન્ટને “ઓમિક્રોન” નામ આપ્યું છે.
કોરોનાનો આ નવો વેરિઅન્ટ ઓમિક્રોન શું છે ?
કોરોના વાઇરસના નવા વેરિયેન્ટને ઓમિક્રોન નામ કેમ આપવામાં આવ્યું તેને સમજવા માટે પહેલા કોરોનાની વર્ણમાળાને સમજવી જરૂરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કોરોના વાઇરસને ગ્રીક આલ્ફાબેટ મુજબ નામ આપવાનું નક્કી કર્યું છે તે મુજબ કોરોનાના પહેલા વેરિયેન્ટને આલ્ફા, બીજા વેરિયેન્ટને બીટા, ત્રીજા વેરિયેન્ટને ગામા અને ચોથા વેરિયેન્ટને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. આમ સમય જતા આ શ્રેણીમાં અનેક વેરિયેન્ટ ઉમેરાતા તાજેતરમાં જ સામે આવેલો આ ઓમિક્રોન વેરિયેન્ટ 15 મો વેરિયેન્ટ છે, જેથી તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. આ ઓમિક્રોન વેરિયેન્ટ અત્યાર સુધી લગભગ 9 જેટલા દેશોમાં ફેલાયો હોવાનું અનુમાન છે.
ક્યારે અને ક્યાં ધ્યાનમાં આવ્યો કોરોનાનો નવો વેરિયેન્ટ ?
કોરોનાના આ નવા વેરિયન્ટ વિશે પ્રથમવાર દક્ષિણ આફ્રિકાએ 24 નવેમ્બરના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને નોંધાયેલા પહેલાં કેસની જાણકારી આપી હતી. ત્યાર બાદ WHO એ નવા વેરિયન્ટને ધ્યાને લઈને દક્ષિણ એશિયાઈ દેશોને વિશેષ સતર્કતા રાખવા માટેની સૂચનાઓ આપી હતી. હાલમાં એમ પણ કહેવાય છે કે, વિશ્વમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર હતો, પરંતુ આ ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટ કરતા પણ 7 ગણો વધુ ખતરનાક છે. કારણ કે, દક્ષિણ આફ્રિકામાં મળતા 90 ટકા કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં આશરે 210% નો વધારો થયો છે.