પોતે કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા શ્રી અનલ વાઘેલાએ પ્લાઝમા ડોનેટ કરવા માટે લાગણીસભર અપીલ અને પ્લાઝમા ક્યાં, ક્યારે, કેવી રીતે ડોનેટ કરી શકાય એ વિશે જાણકારી આપી.
પ્લાઝમા થેરપી અસરકારક નીવડી રહી છે
હાલ કોરોનાથી સંક્રમિત રોગીને શીઘ્ર સ્વસ્થ કરવા પ્લાઝમા થેરાપી અસરકારક નીવડી રહી છે ત્યારે, પ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે એ જાણવા રોગીના સગાસંબંધીઓ/મિત્રોના મારા ઉપર ઘણા ફોન આવે છે, એમને એ વિશેની કાંઈક નાની સરખી જાણકારી આપી શકવાનો મને મનમાં ભારોભાર આનંદ પણ થાય છે. છતાં હજુ એક વાત મનમાં ખૂંચે પણ છે કે, પ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે એ જાણવા જેટલા ફોન આવે છે એના કરતાં પ્લાઝમા કોણ, ક્યારે અને ક્યાં ડોનેટ કરી શકે એની જાણકારી મેળવવાના ખુબજ ઓછા ફોન આવે છે. લાગે છે કે પ્લાઝમા ડોનેટ કરવા અંગે હજુ લોકોમાં કંઈક ભય/ભ્રમ છે અથવા તો જાગૃતિ નથી આવી.
ક્યારે અને કોણ પ્લાઝમા ડોનેટ કરી શકે છે ?
કોરોના થઈને મટી ગયાના 28 દિવસ પછી 18 થી 60 વર્ષની ઉંમરના પુરુષો અને બાળક ન હોય તેવી સ્ત્રીઓ પ્લાઝમા આપી શકે છે, પ્લાઝમા ડોનેટ કરવાની પ્રોસેસ બહુજ સરળ હોય છે, બ્લડ ડોનેટ કરતા હોય તેવી જ હોય છે વળી આમાં તો આપણું બ્લડ પાછું આપણાં શરીરમાં જ આવી જાય છે બ્લડ માંથી માત્ર 500ml જેટલું પ્લાઝમા મશીન દ્વારા છૂટું પાડીને લઈ લેવાય છે, કુલ 45 મિનિટની પ્રોસેસ હોય છે, વાતો કરતા કરતા પ્રોસેસ પુરી થયાની ખબર પણ નથી પડતી, પ્લાઝમા ડોનેટ કર્યાના 48 કલાકમાં ફરી પાછું નવું પ્લાઝમા આપણાં શરીરમાં બની જાય છે, એકવાર પ્લાઝમા ડોનેટ કર્યા પછી 15 દિવસ પછી ફરી પ્લાઝમા ડોનેટ કરી શકાય છે, એકવાર એટલેકે 500ml પ્લાઝમા ડોનેટ કરવાથી તે બે રોગીને (200-200ml) આપવામાં આવે છે જેથી તે રોગી કોરોનાથી જલ્દી સ્વસ્થ થાય છે અને બાકીનું 100ml પ્લાઝમા લેબ. ટેસ્ટ માટે વપરાય છે.
અનલભાઈએ સ્વસ્થ થયા બાદ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યું
કોરોનાથી સ્વસ્થ થયા પછી મેં પોતે અત્યાર સુધી ત્રણ વાર (દર 15 દિવસે) મારુ પ્લાઝમા ડોનેટ કર્યું છે, મને હજુ સુધી કોઈ જ તકલીફ નથી પડી, હું બિલકુલ સ્વસ્થ છું અને મારું એન્ટીબોડી લેવલ પણ હજુ સારું છે.
પ્લાઝમા ડોનેટ કરવા અંગેના ભ્રમ દૂર કરવા આવશ્યક
કોરોના સંક્રમિત રોગી માટે પ્લાઝમા ક્યાંથી પ્રાપ્ત થશે એની જાણકારી મેળવી આપવામાં સહાયક બનવાની સાથે સાથે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે પ્લાઝમા ડોનેટ કરવા અંગે લોકોના ભય/ભ્રમ દૂર કરીને જાગૃતિ ફેલાવાનું કામ પણ આપણાં માટે એટલુંજ જરૂરી અને મહત્વનું છે.
પ્લાઝમા ડોનેટ અને પ્રાપ્ત કરવાના સ્થાનો:
(1) બ્લડ બેંક, B-2 વોર્ડ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ (રોગીના બ્લડ/પ્લાઝમાના સેમ્પલ સાથે રોગી દાખલ હોય તે હોસ્પિટલના લેટરહેડ ઉપર લખેલી રિકવેસ્ટ સાથે વિનામૂલ્યે)
(2) રેડક્રોસ સોસાયટી – પાલડી (આશરે 5000/- રૂપિયાના ટોકન શુલ્ક સાથે)
(3) પ્રથમા બ્લડ બેંક પણ આ સેવાકાર્ય કરે છે મને એવી માત્ર માહિતી છે પાક્કી ખબર નથી.