ડિસેમ્બર 2024માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વધુ એક વખત નવું પરાક્રમ કરવાની તૈયારીમાં છે. ચંદ્રયાન-3 ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અવકાશમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે અને તેને માટે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન સાથે તે તરફ પહેલું પગલું ભરવા તૈયાર છે.
ઈસરોનું આ મિશન સફળ થશે તો તે ચીન તથા અમેરિકા જેવા કેટલાક ઈલાઈટ દેશોની હરોળમાં આવી જશે.
સ્પેસ ડોકીંગ મિશન (Spadex), જે ડિસેમ્બર 2024ના મધ્યમાં શરૂ થવાનો છે, તે અવકાશમાં સ્વાયત્ત ડોકીંગ ટેક્નોલોજી દર્શાવવા માટેનું ભારતનું પ્રથમ મિશન હશે અને તે જટિલ ભાવિ અવકાશ કામગીરી માટે એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. સ્પૈડએક્સ મિશનની સાથે ભારત અંતરિક્ષમા યાત્રા કરનારા અમેરિકા, રશિયા તથા ચીન જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ શકે છે.
ક્યારે લોંચ થશે Spadex મિશન?
ઈસરોનું આ મહત્ત્વકાંક્ષી મિશન Spadex અંતરિક્ષમાં ડોકિંગ ટેક્નોલોજીના પ્રયોગનું ભારતનું પ્રથમ મિશન હશે. આ મિશનથી ભારતને ભવિષ્યના મોટા અભિયાનો માટે મહત્ત્વપૂર્ણ મદદ મળશે.
આ મિશનમાં 400 કિલોગ્રામના બે ઉપગ્રહ જેના નામ અનુક્રમે ‘ચેજર’ અને ‘ટાર્ગેટ’ રાખવામાં આવ્યા છે તેમનો ઉપયોગ કરવામાં આવશે. આ બંને ઉપગ્રહોને PSLV રોકેટ દ્વારા લોંચિંગ પેડ પરથી એક સાથે લોન્ચ કરવામાં આવશે.
સૌથી ખાસ વાત એ છે કે જ્યારે આ ઉપગ્રહ 700 કિલોમીટરની ઊંચાઈ પર પહોંચ્યા બાદ સટીક અને વ્યવસ્થિત રીતે અલગ થશે અને ડોકિંગ કાર્યવાહી શરુ થશે આ સાથે મિશન પૂર્ણ થશે.
આ મિશનના સફળ થવાથી ભારતના ભવિષ્યના બીજા મિશનો અંતર્ગત અંતરિક્ષ સ્ટેશન બનાવવા, ઉપગ્રહમાં ઈંધણ ભરવા અને અંતરિક્ષમાં સ્પેસક્રાફ્ટથી અંતરિક્ષ યાત્રીઓ અથવા સામાનને ટ્રાન્સફર કરવામાં મદદ મળશે.
શા માટે તે એક મોટું મિશન છે?
Spadex મિશન સફળ થતાં જ ભારત યુએસ, રશિયા અને ચીનની જેવા અવકાશમાં ડોકીંગ કરવા માટે સક્ષમ કેટલાક રાષ્ટ્રોની ક્લબમાં સ્થાન મેળવી લેશે.
આ સિદ્ધિ ઈસરોના મહત્વાકાંક્ષી ચંદ્ર પરથી નમૂનાઓ એકત્રિત કરી ધરતી પર લાવવા માટેના ચંદ્રયાન-4 મિશન અને ભારતીય અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવવાના રોડમેપ માટે મહત્વપૂર્ણ છે.
ચંદ્રયાન-4 મિશન, જેમાં એસેન્ડર, ડીસેન્ડર, પ્રોપલ્શન મોડ્યુલ અને રીટર્નર અને ટ્રાન્સફર મોડ્યુલ સ્ટેક્સને બે લોન્ચમાં લોન્ચ કરવામાં આવશે જેને અવકાશમાં લંબગોળ અર્થ પાર્કિંગ ઓર્બિટમાં ડોક કરવામાં આવશે.
ડોકીંગ ક્ષમતા ભ્રમણકક્ષામાં પ્રોપલ્શન એકમોને બદલવાની સક્ષમતા આપે છે જેનાથી જીઓસ્ટેશનરી ઉપગ્રહોના કાર્યરત રહેવાની સમય મર્યાદાને વધારી શકાય છે.
આ મિશન ભારતના અવકાશ ક્ષેત્રમાં એક નવા યુગનો આરંભ કરશે. આ મિશનના ઉપગ્રહો વિકસાવનાર ખાનગી ભારતીય કંપની અનંત ટેક્નોલોજિસનું નોંધપાત્ર યોગદાન પ્રશંસાપાત્ર છે. એના જેવી અનેક કંપનીઓ માટે એક નવુ અવકાશ ખુલશે જેનાથી અનેક નવી રોજગારીનું સર્જન પણ થવાની સંભાવના છે.
Spadex ભારતના વિસ્તરતા અવકાશ ઉદ્યોગમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP Model)ના સહયોગાત્મક ભાવિને નવી ક્ષિતિજ તરફ દોરી જશે.
Spadex ની સફળતા ભારત માટે અવકાશ સંશોધનમાં સમાનવ અવકાશ મિશનને સફળ કરવા, વિશાળ અવકાશ માળખાના નિર્માણથી લઈને સેટેલાઇટ સર્વિસિંગ અને અવકાશ ભંગાર વ્યવસ્થાપનમાં સંભવિત વ્યાપારી કાર્યક્રમો સુધી વિશાળ તકો ખોલી શકે છે.