- 196 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે
- એક વખત ચાર્જ કર્યા બાદ 500 કિલોમીટરની એવરેજ આપશે
- માત્ર 30 મિનિટમાં 80% બેટરી ચાર્જ થઈ શકશે
Made in India લક્ઝરી ઈલેક્ટ્રીક કાર
ભારત આવનારા સમયમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કઠોર પગલાંઓ લેવા કટિબદ્ધ બની રહ્યું છે. રિન્યુએબલ એનર્જી તરફ ભારત સરકાર આગળ વધી રહી છે ત્યારે પ્રદુષણનો સૌથી મોટો સ્ત્રોત ગણાય એવા વાહનો આવનારા સમયમાં ઈલેક્ટ્રીક,સૌર ઊર્જા વગેરે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરીને ચાલતા હોય એવી કલ્પના કરવામાં આવી રહી છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરીને ચાલતા વાહનો ઉપર સંશોધન ચાલુ છે. હમણાં જ અમેરિકાની અપ્ટેરા મોટર્સે એક વખત ચાર્જ કર્યા બાદ 1600 કિલોમીટરની એવરેજ આપતી બે વ્યક્તિ બેસી શકે એવી કાર લોંચ કરી છે. આ રેસમાં ભારતીય સંશોધકોએ પણ ઝુકાવ્યું છે. બેંગલુરુ સ્થિત ભારતીય સ્ટાર્ટઅપ પ્રવેગ ડાયનામિક્સ દ્વારા પ્રીમિયમ લક્ઝરી ઈલેક્ટ્રીક કાર આવનાર સમયમાં લોંચ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) દ્વારા આ કારને દિલ્હીના રસ્તાઓ પર ચલાવીને ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) પોતાની મહાત્વાકાંક્ષી પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કારના મોડેલનુ નામ એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 ) આપ્યું છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) દ્વારા પોતાની પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કારના મોડેલનુ નામ એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 ) નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
કેવી છે પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કાર એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 )
પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) ની પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કારના મોડેલનુ નામ એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 ) પ્રથમ નજરે આકર્ષક લાગે છે. એની ડિઝાઈન ભારતીય રોડની ક્ષમતા તથા સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. લક્ઝરી કાર્સના જાણકારો માટે પહેલી વખત જોતા એની ડિઝાઈન લુસિડ એર ઈવી સાથે મળતી આવતી હોય એવી લાગશે. દેખાવમાં કૂપે જેવી લાગતી આ કાર ફ્યુચરીસ્ટીક ડિઝાઈન તો ધરાવે જ છે સાથે સાથે આગળ તથા પાછળની તરફ એલઈડી બાર્સનો આકર્ષક દેખાવ એને અન્ય કારથી જુદી જ રીતે રજૂ કરવામાં મદદરૂપ થાય છે.
કારની બેઠક ક્ષમતા અને પગની સ્પેસ
બે દરવાજા તથા ચાર સીટો ધરાવતી આ પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કાર એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 ) કાર સિડાન કાર છે. કારનો અંદરની સ્પેસ ઘણી છે, કારમાંનુ ઈન્ટીરિયર તથા સ્પેસ એક લાઉન્જનો અનુભવ કરાવે છે. જોકે પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) દ્વારા કારના અંદરના ફોટા જાહેર કર્યા નથી. કારમાં બેઠેલા લોકો માટે પગ ફેલાવીને આરામથી બેસી શકે તેટલી જગ્યા ઉપલબ્ધ છે. પાછળ બેઠેલા વ્યક્તિ આરામદાયક સ્થિતિમાં બેસી શકે તે માટે પાછળ રિક્લાઈનિંગ સીટ છે.
બેટરી, ચાર્જીગ વગેરે
પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) ની પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કાર એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 ) માં 96 kHV પાવર ધરાવતી બેટરી છે જે કારને અધિકતમ 200 hp જેટલી તાકાત અને 196 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપે છે. પ્રવેગ ડાયનામિક્સની આ કાર માત્ર 5.4 સેકન્ડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. બેટરી ચાર્જ કરવા માટે પ્રવેગ ડાયનામિક્સે દાવો કર્યો છે કે તેમની ફ્યુચરીસ્ટીક કારની બેટરી 30 મિનિટમાં 80% ચાર્જ થઈ શકશે.
ભારતમાં ઉપલબ્ધ અન્ય ઈલેક્ટ્રીક કાર કરતા ચઢિયાતી
પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) ની પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કાર એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 ) ની એક વખત ચાર્જ કર્યા બાદ 500 કિલોમીટર કરતા વધારે એવરેજના દાવા ભારતમાં ઉપલબ્ધ ભારતીય તથા વિદેશી ઈવી ઉત્પાદકો માટે આશ્ચર્યજનક છે. વર્તમાનમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રીક કારમાં ફોક્સવેગનની ( Volkswagen) ID.3 માંડ 500 કિલોમીટરની એવરેજ સુધી પહોંચી શકે છે અને ટેસ્લા (Tesla) ના મોડેલ 3 નું પ્રદર્શન વેરિયન્ટ દરમિયાન 507 કિલોમીટરનો દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં ઉપલબ્ધ ઈવી ( Electric Vehicle ) સૌથી વધુ રેન્જ ધરાવતી હ્યુન્ડાઈ ( Hyundai ) ની Cona ev 452 કિલોમીટરની અનુમાનિત એવરેજ સાથે આવે છે. MG zs ev ની એવરેજ માંડ 340 કિલોમીટરની છે અને તેના ઉત્પાદકો 500 કિલોમીટર એવરેજ આપે તે પ્રમાણે અપગ્રેડ કરવામાં લાગ્યા છે. હમણાં જ લોંચ થયેલી મર્સિડીઝ ( Mercedes ) EQC ની પણ મહત્તમ એવરેજ 350 કિલોમીટરની જ છે ત્યારે ભારતીય ઈવી સ્ટાર્ટઅપ પ્રવેગ ડાયનામિક્સ ( Pravaig Dynamics ) ની પ્રીમિયમ ઈલેક્ટ્રીક લક્ઝરી કાર એક્સટીંક્શન એમકે 1 ( Extinction MK1 ) ભારતીય સંશોધકોની સૌથી મોટી ઉપલબ્ધિ છે.