– વિશ્વનું સૌથી ઝડપી ઈન્ટરનેટ કાર્યરત
– ઝડપ આપશે 1.2 ટેરાબાઈટ પર સેકન્ડ (Tbps)
– એક સેકન્ડમાં 150 HD ફિલ્મ મોકલી શકાશે
વિશ્વમાં સૌથી વધુ સ્પીડ ધરાવતા ઈન્ટરનેટનું આગમન
વિશ્વમાં સૌથી ઝડપી ઈન્ટરનેટ લોંચ થઈ ગયું છે. આ ઈન્ટરનેટની સ્પીડ દ્વારા કંઈ પણ ફાઈલ ડાઉનલોડ આંખના ઝબકારામાં થઈ જશે. અત્યાર સુધી વિશ્વભરમાં ચર્ચા હતી કે 2025 પહેલા આટલું ઝડપી ઈન્ટરનેટ લોન્ચ કરવું અઘરું છે, પરંતુ બે વર્ષ પહેલા આ ઈન્ટરનેટ લોન્ચ થતા સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે.
ક્યાં લોંચ થયું સૌથી ઝડપી ઈન્ટરનેટ?
હમણાં સુધી સૌથી ઝડપી ઈન્ટરનેટ અમેરિકામાં ઉપલબ્ધ હતું એવું કહેવાતુ હતુ પરંતુ ચીને અમેરિકાના ઈન્ટરનેટની સ્પીડ કરતાં વધુ સ્પીડ ધરાવતુ ઈન્ટરનેટ લોન્ચ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધી છે. યુ.એસ.માં સૌથી ઝડપી ઈન્ટરનેટને 400 Gbps 5G ઈન્ટરનેટ સ્પીડ આપે છે જ્યારે ચીને લોંચ કરેલું ઈન્ટરનેટ નેટવર્ક 1.2 ટેરાબાઈટ પેર સેકન્ડ (Tbps) સ્પીડ આપે છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ આ ઇન્ટરનેટ નેટવર્ક સિંઘુઆ યુનિવર્સિટી, ચાઇના મોબાઇલ, HUAWEI અને CERNET.com કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
ક્યારે લોંચ થયું સૌથી ઝડપી ઈન્ટરનેટ?
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે વપરાશકર્તાઓ પ્રતિ સેકન્ડ 150 થી વધુ હાઇ-ડેફિનેશન ફિલ્મો ટ્રાન્સફર કરી શકે છે. આ ઇન્ટરનેટ કનેક્શનની કરોડરજ્જુ સમાન ઓપ્ટિકલ ફાઇબર કેબલ બેઇજિંગ, વુહાન અને ગુઆંગઝૂમાં લગભગ 3,000 કિમી ફેલાયેલા છે. વર્તમાન વર્ષના જુલાઈ મહિનાથી આ વિસ્તારમાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને આ અઠવાડિયે, તે આખરે ચીનમાં વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે.
વૈશ્વિક ઇન્ટરનેટ સ્પીડ ગેમની વાત કરીએ તો ચીન માટે આ એક મોટી જીત છે. અગાઉ, ચીન રાઉટર્સ અને અન્ય ઇન્ટરનેટ સંબંધિત તકનીકો માટે જાપાન અને યુએસ પર નિર્ભર હતું પરંતુ આ ઇન્ટરનેટ કનેક્શન સાથે વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા ઓપ્ટિકલ ફાઈબર, રાઉટર પર સ્વિચ અને સોફ્ટવેર સહિતના હાર્ડવેરનું ઉત્પાદન સ્થાનિક રીતે કરવામાં આવ્યું છે.
કેવી રીતે ચીન આ ચમત્કાર કરી શક્યું ?
સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ લોન્ચ કરવા પાછળ ચીનની 10 વર્ષની મહેનત છે. ચીને ભવિષ્યમાં ટેક્નોલોજીને વધુ મજબૂત કરવા માટે 10 વર્ષ પહેલા આ પ્રોજેક્ટ ફ્યુચર ઈન્ટરનેટ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (FITI)ની શરૂઆત કરી હતી. ચીનની આ સફળતા ફ્યુચર ઈન્ટરનેટ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય ભાગ છે. આ ચાઈનીઝ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્કનું નવું સ્વરૂપ છે. આ પ્રોગ્રામ ચીનનું સૌથી મોટું એજ્યુકેશનલ અને રિસર્ચ કમ્પ્યુટર નેટવર્ક (Cernet) છે.
FITI પ્રોજેક્ટ લીડરએ જણાવ્યું હતું કે આ ઇન્ટરનેટ કનેક્શન માત્ર એક સફળ કાર્ય જ નથી પરંતુ તે ચીનને “ઇન્ટરનેટને વધુ ઝડપી બનાવવા માટે અદ્યતન ટેકનોલોજી” પણ પ્રદાન કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “FITI પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ છે. તે સમાજ માટે ખુલ્લું છે અને નવીન નેટવર્ક સ્ટ્રક્ચર્સના પ્રાયોગિક પરીક્ષણોને સમર્થન આપવા સક્ષમ છે.
જો કે, ચીન વિશ્વનું સૌથી ઝડપ ધરાવતું ઈન્ટરનેટ લોંચ કરીને જ અટકી નથી રહ્યું. ચીનનું આયોજન હજી ફાસ્ટ ઈન્ટરનેટ કરવાનું છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ટીમ અહીં મલ્ટીપલ ઓપ્ટિકલ પાથને જોડીને ડેટા ટ્રાન્સમિશનની સ્પીડને હજી વધારવાની ફિરાકમાં છે.