રશિયા અને વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી રહી છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. રશિયાના રાજ્ય મીડિયા આઉટલેટ આરબીસી ન્યૂઝને ટાંકીની આવતા સમાચાર મુજબ રશિયાની કોર્ટ દ્વારા ગૂગલ પર લાગવાયેલો દંડ હવે 2 અનડિસિલિયન રુબલ્સ અથવા 2.5 ડિસિલિયન ડોલર છે. ઉલ્લેખનીય છે કે રશિયાની કોર્ટે ગૂગલ પર 2 અનડિસિલિયન રુબલ્સ એટલે કે લગભગ 2.5 ડિસિલિયન ડૉલરનો દંડ ફટકાર્યો છે. આકડાની ગણતરી કરતા એક બાદ 66 શૂન્ય લગાવીએ ત્યારે જે આંકડો આવે તેને અંગ્રેજી અંક ગણિતમાં અનડિસિલિયન કહેવામાં આવે છે. એક ઉપર 30 શૂન્ય લગાવ્યા બાદ જે રકમ આવે તેને અમેરિકામાં ડિસિલિયન જ્યારે એક ઉપર 60 શૂન્ય લગાવ્યા બાદ જે રકમ આવે તેને ગ્રેટ બ્રિટનમાં એક ડિસિલિયન કહે છે. રશિયા દ્વારા ગૂગલ પર લગાવવામાં આવેલો દંડ પૃથ્વીની કુલ સંપત્તિ કરતાં વધુ છે. વિશ્વ બેંકના આંકડા અનુસાર, વિશ્વની કુલ જીડીપી $100 ટ્રિલિયન છે. ગૂગલનું માર્કેટ કેપ $2.096 ટ્રિલિયન છે અને જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો કંપનીએ $307 બિલિયનનો નફો હાંસલ કર્યો હતો. તે જોતા આ દંડ ચૂકવવો એ ગૂગલની ( Google ) ક્ષમતા બહારની વાત છે.
કેમ છેડાયુ ગૂગલ વિરુદ્ધ રશિયાનું યુદ્ધ?
મોસ્કો ટાઈમ્સે આરબીસી સમાચારને ટાંકીને જણાવ્યું હતું કે 2020થી જ ગૂગલ પર દંડ લાગવાનું શરૂ થઈ ગયું હતુ. સરકાર તરફી મીડિયા આઉટલેટ્સ ઝારગ્રાડ (Tsargrad) અને આરઆઈએ ફેન (RIA FAN) દ્વારા યુટ્યુબે (YouTube) તેમની યુટ્યુબ ચેનલને બ્લોક કર્યા બાદ ગૂગલ (Google) સામે કોર્ટમાં લગાવેલો મુકદ્દમો જીત્યો હતો. આ પછી, ગૂગલ પર દરરોજ 1,00,000 રુબલ્સ (લગભગ 87 હજાર રૂપિયા)નો દંડ લાગવા લાગ્યો. આ દૈનિક દંડ દર અઠવાડિયે બમણો થતો ગયો જે હાલમાં અંદાજે 2 અનડિસિલિયન રુબલ્સ થઈ ગયો છે.
ત્યારબાદ આ મામલો મોસ્કો કોર્ટમાં પહોંચ્યો. જ્યાં કોર્ટે ગૂગલને ઠપકો આપ્યો હતો અને આ એકાઉન્ટ્સને રિસ્ટોર કરવાનો આદેશ આપ્યો હતો સાથે સાથી જ કોર્ટે ગૂગલ પર દંડ પણ લગાવવાનું શરૂ કર્યું. કોર્ટ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ગૂગલે નવ મહિનાની અંદર દંડ ચૂકવવો પડશે અને જો ગૂગલ દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો તેણે દરરોજ 1,00,000 રુબલનો દંડ ભરવો પડશે.
ગૂગલ દંડ ભરી શકતુ હતુ પણ…
ગૂગલ તે સમયે આ દંડ ચૂકવી શક્યું હોત, પરંતુ 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. અમેરિકાએ રશિયા પર લગાવેલા પ્રતિબંધો બાદ યુટ્યુબ (YouTube)એ પછી પગલાં લેવાના શરુ કર્યુ અને અન્ય રશિયન મીડિયા આઉટલેટ્સ રશિયા 24, NTV, RT, સ્પુટનિક અને અન્યના એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા. યુટ્યુબના આ પગલાને કારણે રશિયાની 17 ટીવી ચેનલો પ્રભાવિત થઈ હતી. આ તમામ ચેનલોએ ગૂગલ પર દાવો ઠોક્યો. જે ગૂગલ હારી ગયું.