- ભારત અમેરિકા વચ્ચે કરાર
- સાથે મળીને 6-જી ટેક્નોલોજી વિકસાવશે
- સમગ્ર વિશ્વને થશે ફાયદો
G20 સમિટનો આજે છેલ્લો દિવસ છે, એક તરફ વડાપ્રધાન મોદી વિદેશી નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકના પ્રમુખ જૉ બાઈડન વચ્ચે પણ દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી. વિશ્વનીબની સૌથી મોટી લોકશાહી દેશોએ મળીને સમગ્ર વિશ્વને 5Gથી આગળ લઈ જવા માટે સંકલ્પ કર્યો હતો, વાટાઘાટોને અંતે બંને દેશો વચ્ચે આ બાબતે સહમતી સધાઈ હતી અને બંને દેશોએ સંયુક્ત રીતે 6G ટેકનોલોજી વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ ભારત અને અમેરિકા સંયુક્ત રીતે 6G ટેક્નોલોજી પર સંશોધન અને નિર્માણ કરશે.
આ બાબતે એલાયન્સ ફોર ટેલિકોમ્યુનિકેશન્સ ઇન્ડસ્ટ્રી સોલ્યુશન્સ (ATIS)ના ઉત્તર અમેરિકાના દેશોમાં વાયરલેસ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની પહેલ એવા ‘Next G Alliance’ અને Bharat 6G Alliance વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને સાથે સંયુક્ત રીતે વિશ્વસનીય અને સુરક્ષિત ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક વિકસાવવામાં આવશે. આ સાથે 6G ટેક્નોલોજીને સપોર્ટ કરતી સપ્લાય ચેઈન પણ વિકસાવવા માટે કાર્ય અને સંશોધન કરશે.
Next G Alliance’ અને Bharat 6G Alliance શું છે ?
એલાયન્સ ફોર ટેલિકોમ્યુનિકેશન્સ ઇન્ડસ્ટ્રી સોલ્યુશન્સ (ATIS) એ અમેરિકાનું એલાયન્સ છે જેના અંતર્ગત ઉત્તર અમેરિકાના દેશોમાં વાયરલેસ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ કરવામાં આવી છે, તેનું મુખ્ય ધ્યાન આગામી દાયકામાં ખાનગી ક્ષેત્રની મદદથી 6G અને અન્ય વિકાસને વિકસાવવાનું છે તેને ‘Next G Alliance’ નામથી ઓળખવામાં આવે છે ત્યારે ‘ભારત 6જી મિશન’ માટે સાથે મળીને કામ કરી રહેલા ભારતીય ઉદ્યોગ, શિક્ષણવિદો, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ અને માનક સેટિંગ સંસ્થાઓનું જોડાણનું નામ ‘Bharat 6G Alliance’ છે. જે નવી ટેક્નોલોજીને ડિઝાઇન અને વિકસાવવા માટે કાર્યરત છે. ‘Bharat 6G Alliance’નો એક ઉદ્દેશ્ય ભારતીય નાગરિકો અને વિશ્વના લોકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા જીવનનો અનુભવ પ્રદાન કરવાનો છે.
ચીન માટે પડકાર
વર્તમાનમાં ચીન વર્તમાન 5G ટેક્નોલોજી પર અને તેને માટેના સંસાધનો પર મોટું પ્રભુત્વ ધરાવે છે આ ઉપરાંત તેની સપ્લાય ચેઇનમાં સૌથી મોટી ભૂમિકા છે. હવે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના કરારમાં 6G ટેક્નોલોજી વિકસાવવાની સાથે સાથે સપ્લાય ચેઈન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, ત્યારે ભારત અને અમેરિકાના આ સાથે આવવાથી ચીનની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડશે એટલું જ નહી ચીનની અર્થવ્યવસ્થા સામે એક મજબૂત પડકાર ઊભો કરશે.