એક સમય એવો હતો જ્યારે બ્લેકબેરી ફોનની ખૂબ માંગ હતી. દરેક વ્યક્તિ પોતાના ખિસ્સામાં બ્લેકબેરી સ્માર્ટ ફોન રાખવાનું સપનું જોતો હતો. એક સમય હતો જ્યારે સૌથી મોંઘા ફોનમાં બ્લેકબેરીનો જ ગણતરી થતી હતી. 2000 ના દાયકામાં આઇફોન પહેલા આ સ્માર્ટ ફોનનું નામ સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણાતુ હતું. પણ એવું શું થયું કે બ્લેકબેરી રાજામાંથી રંક બની ગયો?
કોર્પોરેટ જગતનો મહત્વપૂર્ણ ફોન
2000 ના દાયકાની શરૂઆતમાં બ્લેકબેરીએ સ્માર્ટફોનની દુનિયામાં ક્રાંતિ કરી દીધી હતી. વ્યવસાયિક લોકો માટે તેના સુરક્ષિત ઈમેઇલ અને QWERTY કીબોર્ડ પ્રથમ પસંદ બની ગયા હતા. તેની ખાસ વિશેષતાઓને કારણે તે કોર્પોરેટ જગતના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફોન બની ગયો હતો.
સ્માર્ટ ફોન તરીકે સ્ટેટસ સિમ્બોલ
2009 આવતા સુધીમાં સ્માર્ટ ફોન તરીકે બ્લેકબેરી સંપૂર્ણપણે વર્ચસ્વ ધરાવતો હતો. વિશ્વના 20% થી વધુ સ્માર્ટફોન વપરાશકર્તાઓના હાથમાં બ્લેકબેરી ફોન જ દેખાતો હતો. બિઝનેસમેન અને નેતાઓ માટે એક પ્રકારનું સ્ટેટસ સિમ્બોલ બની ગયો હતો. સામાન્ય લોકો પણ પોતાના હાથમાં બ્લેકબેરી ફોન હોય એવા સપના જોવા માંડ્યા હતા.
વળતા પાણી
બ્લેકબેરી માટે 2007માં આઇફોનનું તોફાન અને 2008માં એન્ડ્રોઇડના વાવાઝોડા સમાન આગમન સામે ટકી રહેવું મુશ્કેલ બન્યું. આઇફોન અને એન્ડ્રોઈડ બન્નેના આગમન સાથે જ સ્માર્ટ ફોનની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. બંનેમાં ટચસ્ક્રીન અને અનેક એપ્સનો ખજાનો હતો. આ બન્ને સામે બ્લેકબેરી ફોનના વળતા પાણી થવા લાગ્યા માર્કેટ સંકોચાવા લાગ્યું, ફોનનું વેચાણ ઘટી ગયું.
અડીયલ અભિગમ
બ્લેકબેરીના નિર્માતાઓએ નવી વેરાઈટીઝ આપવી જોઈતી હતી પરંતુ તેઓએ અડીયલ વલણ અપનાવ્યું અને પોતાની કીબોર્ડ ડિઝાઈનને જ વળગી રહ્યા, જ્યારે અન્ય કંપનીઓ સ્માર્ટ ફોનમાં ટચસ્ક્રીન અને વધુ સારી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહી હતી અને ગ્રાહકોને નવું નવું કશુંક આપી રહી હતી. આ કારણોસર બ્લેકબેરી નંબર વનની પગથી પરથી ઉતરતો ગયો અને તેની જગ્યાએ અન્ય કંપનીઓ આવી ગઈ.
બજારમાંથી ફેંકાઈ ગયો
બ્લેકબેરીના નિર્માતાઓ બદલાતા માર્કેટને અને ગ્રાહકોની પસંદને સમજવામાં થાપ ખાઈ રહ્યા હતા, આઈફોન અને એન્ડ્રોઇડ જેવા નવા ફોન સાથે ગતિ જાળવી શક્યા નહીં અને લોકોની પસંદગીઓ પણ બદલાતી જઈ રહી હતી. આ કારણે બ્લેકબેરીને ઘણું નુકસાન થયું હતું. 2013 આવતા આવતા જે બ્લેકબેરીનો બજાર હિસ્સો ક્યારેક 20% હતો તે ઘટીને 1% થી ઓછો થઈ ગયો.
End of an era as Blackberry announces it is to stop making smartphones https://t.co/YjpnBuDTHy via @GerritD pic.twitter.com/12L2QRKI7o
— Bloomberg Markets (@markets) September 28, 2016
નિષ્ફળ પુનરાગમન
બ્લેકબેરીએ નવા ફોન બનાવીને અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. અનેક પ્રયત્નો છતાં બ્લેકબેરી બ્રાંડ હવે પહેલા જેવી ઇમેજ જમાવી રહી નહોતી અને માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હતો.
આખરે બ્લેકબેરીએ સ્માર્ટફોન બિઝનેસ છોડીને સોફ્ટવેર અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ તેમની નિષ્ફળતા ટેક્નોલોજીના ઇતિહાસમાં એક બોધપાઠ બની ગઈ. તેઓ બદલાતા સમય સાથે પોતાને અનુકૂલિત કરી શક્યા નહોતા જેના કારણે માર્કેટમાંથી સંપુર્ણ ફેંકાઈ ગયા.