ભાર્ગવાસ્ત્રનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. મહાભારતમાં ઉલ્લેખિત દૈવી શસ્ત્રો માત્ર ચમત્કારિક જ ન હતા પરંતુ તેમની વિનાશક શક્તિએ પણ તેમને ઈતિહાસમાં અમર બનાવી દીધા છે. આમાંથી એકનું નામ મહર્ષિ ભાર્ગવ પરશુરામના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને તે એટલે ભાર્ગવાસ્ત્ર. ભારતે આ નામને પ્રેરણા તરીકે લઈને અત્યાધુનિક માઈક્રો-મિસાઈલ આધારિત કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ વિકસાવી છે. આ નવું ‘ભાર્ગવાસ્ત્ર’ આધુનિક યુદ્ધમાં દેશની સુરક્ષાને નવી ઊંચાઈએ લઈ જવા માટે તૈયાર છે.
કેવું છે આ ભાર્ગવાસ્ત્ર અને શા માટે છે વિશેષ?
ભાર્ગવાસ્ત્ર એક મલ્ટી-લેયર કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ છે જેને ‘સોલર ગ્રુપ’ અને ‘ઈકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ’ દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ માઇક્રો-મિસાઇલ ટેક્નોલોજી પર આધારિત છે, જે દુશ્મનના ડ્રોન અને સ્વોર્મ ડ્રોન અને જૂથોમાં ઉડતા ડ્રોનને ઓળખી તેનો નાશ કરવામાં સક્ષમ છે. આ સિસ્ટમ 6 કિલોમીટરના અંતરથી નાના ડ્રોનને ટ્રેક કરી શકે છે અને એકસાથે 64 થી વધુ માઇક્રો મિસાઈલ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા તેની ચોકસાઈ અને ઓછી કિંમત છે જે તેને મોટા પાયે ડ્રોન હુમલાઓનો સામનો કરવામાં અસરકારક બનાવે છે.
ભાર્ગવાસ્ત્ર સંરક્ષણ પ્રણાલીમાં લાવશે ક્રાંતિ
ભાર્ગવાસ્ત્ર માત્ર દુશ્મનના ડ્રોનને ચોક્સાઈથી નિશાન બનાવવાની ક્ષમતા તો ધરાવે જ છે સાથે સાથે તે હાર્ડ-કિલ અને સોફ્ટ-કિલ બંને ક્ષમતાઓ પણ ધરાવે છે. હાર્ડ-કીલ દ્વારા, તે ડ્રોનને માઇક્રો-મિસાઇલોથી ભૌતિક રીતે નષ્ટ કરે છે, જ્યારે સોફ્ટ-કીલ સિસ્ટમ ડ્રોનના સંચાર અને નેવિગેશનમાં વિક્ષેપ ઉભો કરે છે. આ સિસ્ટમ મોબાઈલ પ્લેટફોર્મ પર આધારિત છે, જે તેને 5000 મીટરની ઊંચાઈએ પણ તૈનાત કરવામાં સક્ષમ બનાવે છે.
ભારતીય આયર્ન ડોમ તરફનું પ્રથમ પગલું?
ઘણા સંરક્ષણ નિષ્ણાતો આ નવી સિસ્ટમને ભારતના આયર્ન ડોમ તરફ એક મોટું પગલું માની રહ્યા છે. આયર્ન ડોમ ઈઝરાયેલની પ્રખ્યાત સંરક્ષણ પ્રણાલી છે જે મિસાઈલ અને ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે. મલ્ટી-લેયર કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ પણ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમાન તર્જ પર વિકસાવવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં દેશની સરહદ સુરક્ષાને અભેદ્ય બનાવવા તરફનું પગલુ છે. ઇઝરાયેલનું આયર્ન ડોમ શહેરી અને વ્યૂહાત્મક સંપત્તિઓને બચાવવામાં સફળ રહ્યું છે અને ભાર્ગવાસ્ત્રને પણ તે જ શ્રેણીમાં જોવામાં આવી રહ્યું છે.
#WATCH | Solar Group successfully test fires guided micro-missiles as part of the ‘Bhargavastra’ counter-drone system. The counter-drone system based on Micro Missile has been developed to tackle the growing threats from loitering munitions and weaponized drones: Solar Group… pic.twitter.com/lhbC77aKiq
— ANI (@ANI) January 15, 2025
મહાભારતથી આધુનિક યુદ્ધ સુધીની સફર
ભાર્ગવાસ્ત્રનું નામકરણ મહાભારતથી પ્રેરિત છે જેમાં તેનું વર્ણન અત્યંત વિનાશક દિવ્યશાસ્ત્ર તરીકે કરવામાં આવ્યું છે. આધુનિક ભાર્ગવાસ્ત્ર પણ એ જ વિનાશક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેનું નિર્માણ શાંતિ અને સલામતીની ખાતરી કરવા માટે કરવામાં આવ્યું છે. જે રીતે પરશુરામે અન્યાય અને અધર્મનો નાશ કરવા માટે આ શસ્ત્રનો ઉપયોગ કર્યો, તેવી જ રીતે આ આધુનિક તકનીકી શસ્ત્ર ભારતને આંતરિક અને બાહ્ય જોખમોથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે. ભાર્ગવાસ્ત્ર માત્ર એક હથિયાર નથી પરંતુ તે ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં એક નવી શરૂઆતનું પ્રતીક છે જે આવનારા સમયમાં દેશની સરહદોને અભેદ્ય અને અજેય બનાવશે.
[…] છે. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જ ભાર્ગવાસ્ત્ર તૈયાર કર્યું […]