મેલબોર્ન ટેસ્ટ મેચમાં (IND vs AUS, 4th Test), યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં પણ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જયસ્વાલનો આ ત્રીજી અડધી સદી છે. આ સિવાય જયસ્વાલે રોહિત શર્માનો ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં જયસ્વાલની આ 10મી અડધી સદી છે. આમ કરીને જયસ્વાલ હવે રોહિત શર્મા કરતા પણ આગળ નીકળી ગયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં રોહિત શર્માએ કુલ 8 અડધી સદી ફટકારી હતી હવે આ રેકોર્ડ જયસ્વાલે તેના નામે 10 અડધી સદી નોંધાવીને કરી લીધો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ગુજરાતના ચેતેશ્વર પૂજારાના નામે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં પૂજારા કુલ 15 અડધી સદી ફટકારી ચુક્યો છે. જ્યારે વિરાટ કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં 11 અડધી સદી ફટકારી છે.
બુમરાહનો કહેર યથાવત
આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી ક્રિકેટ ટેસ્ટમાં બીજા દાવમાં 234 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 57 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સિરાજને ત્રણ અને રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. બુમરાહે રવિવારે પોતાની 200 વિકેટ પણ પૂરી કરી હતી.
ગઈકાલના નવ વિકેટે 228 રનના સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન નાથન લિયોન (55 બોલમાં 41 રન) અને સ્કોટ બોલેન્ડ (74 બોલમાં અણનમ 15 રન)એ વધુ છ રન ઉમેર્યા હતા. બુમરાહે લિયોનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સનો અંત આણ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમ 369 રનમાં આઉટ થઈ ગઈ હતી.