શારજાહમાં દિગ્ગજ સચિન તેંડુલકરની જેમ ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ‘સેન્ડ સ્ટોર્મ’ ઈનિંગ્સ રમી છે. 13 વર્ષના વૈભવે UAE વિરૂદ્ધ અંડર-19 એશિયા કપની મેચમાં વિસ્ફોટક અડધી સદી ફટકારીને ટીમની સેમિફાઇનલની ટિકિટ પાકી કરી દીધી છે. બરાબર 24 વર્ષ પહેલા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં શાનદાર સદી ફટકારી હતી, જેને ‘ડેઝર્ટ સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું હતું.
પ્રથમ બે મેચમાં ફ્લોપ રહેલા વૈભવે ત્રીજી અને છેલ્લી લીગ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. વૈભવને તાજેતરમાં IPL 2025 મેગા ઓક્શનમાં 1.10 કરોડ રૂપિયાની બોલી લગાવીને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો.
આજની મેચ ભારત માટે અગત્યની હતી ટીમ ઈન્ડિયાએ આ મેચ ઓછામાં ઓછી ઓવરમાં જીતવી આવશ્યક હતી. આ મેચમાં UAEએ પ્રથમ બેટીંગ કરતા ભારતને138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વૈભવ આજે અલગ મૂડમાં દેખાતો હતો. આવતાની સાથે જ તેણે પહેલા બોલ પર સિક્સર મારીને પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો હતો કે આજે તેને રોકવો આસાન નહીં હોય.
બિહારના સમસ્તીપુરના રહેવાસી ડાબોડી ઓપનર વૈભવ સૂર્યવંશીએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે UAE સામે 46 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 165.22ની સ્ટ્રાઈક રેટથી અણનમ 76 રન બનાવ્યા હતા. વૈભવે તેના ઓપનિંગ પાર્ટનર આયુષ મ્હાત્રે સાથે મળીને 16.1 ઓવરમાં 143 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને ન માત્ર જીત અપાવી પરંતુ તેને સેમિફાઇનલમાં પણ પહોંચાડી.
India’s batting prodigy #VaibhavSuryavanshi scored a blistering unbeaten 76* (46) against the UAE. India won the Under 19 Asia Cup 2024 match by ten wickets at Sharjah Cricket Stadium and qualified for the semi-final.#worlddais #U19AsiaCup #IndianCricketTeam #cricketnews… pic.twitter.com/B3eX82zvdG
— Dais World ® (@world_dais) December 4, 2024
આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી હતી અને મેચ મોટા અંતરથી જીતવી જરૂરી હતી. તો જ તેને અંતિમ 4 એટલે કે સેમી ફાઈનલમાં સ્થાન મળતું. વૈભવે આ જવાબદારી પોતાના ખભા પર લઈને આક્રમાક અને સમજદારીપૂર્વકની ઈનિંગ્સ રમીને ટીમને સેમી ફાઈનલમાં પહોંચાડી દીધી છે.
સચિનની ઇનિંગ્સ ‘સેન્ડ સ્ટોર્મ” રેતીનું તોફાન કેમ કહેવાઈ?
સચિન તેંડુલકરે 22 એપ્રિલ 1998ના રોજ શારજાહમાં યોજાયેલી કોકા કોલા કપ ટ્રાઈ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 143 રનની તોફાની ઈનિંગ રમી હતી જે આજે પણ સૌને યાદ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 એપ્રિલે શ્રેણીની છઠ્ઠી મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સમાપ્ત થયો ત્યારે બ્રેક દરમિયાન રેતનું તોફાન આવ્યું હતું. થોડા સમય પછી તોફાન પસાર થઈ ગયું પરંતુ બાદમાં સચિન તેંડુલકરની બેટિંગે જે તોફાન મચાવ્યું જેની સામે જાણે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ વામણા પુરવાર થયા હતા. સચિનની એ તોફાની ઇનિંગ્સ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં છે. ઈનિંગની શરૂઆત કરવા આવેલા તેંડુલકરે 131 બોલમાં 9 ચોગ્ગા અને 5 સિક્સર સાથે 143 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણને રેતીની જેમ ઉડાડી દીધું હતું. તેથી સચિન તેંડુલકરની આ ઈનિંગ્સને રેતીનું તોફાન કહેવામાં આવ્યું હતું.