- વર્લ્ડ કપમાં શ્રીલંકાનો નિરાશાજનક દેખાવ
- શ્રીલંકન સરકારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વિખેરી નાખવા આદેશ આપ્યા હતા
- ICC એ દેખાડી લાલ આંખ, બોર્ડને કર્યું સસ્પેન્ડ
ભારતમાં ચાલી રહેલા વિશ્વ કપમાં શ્રીલંકા વર્લ્ડ કપમાં નવ પૈકી સાત મેચ હાર્યું છે, શ્રીલંકાની ક્રિકેટ ટીમના આ નિરાશાજનક પ્રદર્શનને પગલે ગુરુવારે શ્રીલંકાની સરકાર તેમજ વિપક્ષે સંયુક્ત ઠરાવ દ્વારા શ્રીલંકા ક્રિકેટના સંચાલકોના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. અંતે શ્રીલંકાની સરકારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને વિખેરી નાંખવાનો આદેશ આપ્યો હતો. જોકે ત્યારબાદ ન્યાયાલયની મધ્યસ્થીથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને પુનઃ સ્થાપિત કરાયું હતું.
જોકે હવે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પર આઈસીસીએ શુક્રવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે લાલ આંખ કરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. હવે આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરતા શ્રીલંકા માટે સ્થિતિ વધુ કપરી બની છે. આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવાના નિર્ણયનું કારણ આપ્યું હતું કે શ્રીલંકન સરકારના વ્યાપક હસ્તક્ષેપને લીધે શ્રીલંકા ક્રિકેટને સસ્પેન્ડ કર્યું છે. અહેવાલો જણાવે છે કે તે શમ્મી સિલ્વાએ ICCને શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવા વિનંતી કરી હતી, જેમાં બોર્ડની રોજિંદી કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપની વિગતો જણાવવામાં આવી હતી.
આઈસીસીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, આઈસીસી બોર્ડની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને એમાં ચર્ચાયું કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ખાસ કરીને એક સભ્ય તરીકે તેની ફરજોનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું હોવાનું જણાય છે. આ ઉપરાંત શ્રીલંકામાં ક્રિકેટ બોર્ડના વહીવટ, નિયમન અને શાસનમાં સરકારનો હસ્તક્ષેપ ના હોય, ક્રિકેટ બોર્ડનું સંચાલન સ્વાયત્ત રીતે થાય અને એ સુનિશ્ચિત કરવામાં આવે. આમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું હતું અને કહ્યું હતું કે આગામી સમયમાં આઈસીસી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સસ્પેન્શનની શરતો નિર્ધારિત કરશે.
જોકે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આઈસીસી દ્વારા સસ્પેન્ડ થનારું પ્રથમ ક્રિકેટ બોર્ડ નથી આ પહેલા 2019માં આઈસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સરકારના હસ્તક્ષેપ બદલ સસ્પેન્ડ કર્યું હતું. હવે આઈસીસી દ્વારા સસ્પેન્ડ થનાર શ્રીલંકા બોર્ડ બીજું પૂર્ણ સભ્ય બન્યું છે