ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ઈતિહાસ રચી દીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાતમા કે તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતા અડધી સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. ટીમ ઈન્ડિયાના નવા સેન્સેશને 28 ડિસેમ્બર 2024ના રોજ 21 વર્ષ અને 214 દિવસની વયે શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરીને આ રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો. પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કેન વિલજોનના નામે હતો. જેણે 1931માં 21 વર્ષ અને 231 દિવસની ઉંમરે પોતાની ટીમ માટે અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યો હતો. ત્રીજા સ્થાને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોની બ્રિગ્સ છે. બ્રિગ્સે 1885માં 22 વર્ષ અને 90 દિવસની ઉંમરે સાત કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી હતી.
મેલબોર્નમાં નંબર 7 અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરીને અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન
નામ | ઉંમર | વિરુદ્ધ | વર્ષ |
નિતિશકુમાર રેડ્ડી | 21 વર્ષ 214 દિવસ | ઑસ્ટ્રેલિયા | 2024 |
કેન વિલજોએન | 21 વર્ષ 231 દિવસ | ઑસ્ટ્રેલિયા | 1931 |
જોની બ્રિગ્સ | 22 વર્ષ 90 દિવસ | ઑસ્ટ્રેલિયા | 1885 |
85 રન બનાવીને ક્રિઝ પર છે નીતિશ કુમાર રેડ્ડી
આ લખાય છે ત્યાં સુધી મેલબોર્ન ટેસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડીની શાનદાર બેટિંગ જારી છે. વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધી તે 71.43ના સ્ટ્રાઈક રેટથી 119 બોલમાં 85 રન બનાવીને અણનમ હતો. આ દરમિયાન તેણે આઠ ચોગ્ગા અને એક સુંદર છગ્ગો ફટકાર્યો હતો. રમત બંધ થઈ ત્યાં સુધી ટીમનો સ્કોર 97 ઓવરમાં સાત વિકેટના ભોગે 326 રન હતો.
વોશિંગ્ટન સુંદર પણ મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. રમત બંધ થઈ ત્યાં સુધી તેણે ટીમ માટે 115 બોલનો સામનો કરીને એક ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા.